Thu Aug 27 2026

Logo

કર્ણાટકના તમામ મંદિરોમાં દાન પાત્ર પર 24 કલાક CCTVથી રખાશે નજર, રાજ્ય સરકારે લીધો નિર્ણય

2026-07-10 09:51:00
Author: Vimal Prajapati
કર્ણાટકના તમામ મંદિરોમાં દાન પાત્ર પર 24 કલાક CCTVથી રખાશે નજર, રાજ્ય સરકારે લીધો નિર્ણય

બેંગલુરુઃ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન-ચઢાવાની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ હવે દેશભરમાં તેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઘટનામાંથી પાઠ ભણીને કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરકારી મંદિરોમાં સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે હવે દાન પાત્ર અને પૈસાની ગણતરીની પ્રક્રિયા પર સતત સીસીટીવી મોનિટરિંગ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બેલગાવીમાં સીએમ ડીકે શિવકુમારની મોટી જાહેરાત

કર્ણાટકના મુખ્ય પ્રધાને બેલગાવીમાં પત્રકારો સાથે વાતચીત કરતા આ કડક નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ  વિભાગ હેઠળ આવતા તમામ મુખ્ય મંદિરોના ગર્ભગૃહ, દાન પાત્ર અને જ્યાં પણ રોકડ રકમની ગણતરી થાય છે તે તમામ સ્થળોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા કહ્યું કે, જેવી રીતે શહેરોમાં ટ્રાફિક કંટ્રોલ રૂમ કામ કરે છે, બરાબર તે જ તર્જ પર આ કેમેરાનું કનેક્શન સીધું જિલ્લા સ્તરે એસપી, કલેક્ટર અથવા તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓની ઓફિસ સાથે જોડવામાં આવશે. આ કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક મંદિરની દાન સંબંધિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે જેથી અયોધ્યા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

અયોધ્યામાં SBI કર્મચારીઓ શંકાના દાયરામાં

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી કરોડો રૂપિયાની કથિત ચોરી મામલે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમઅને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેટલાક કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ હોઈ શકે છે. પોલીસે બેંકના અમુક કર્મચારીઓને નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં તેમની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત, રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની પણ પોલીસ પૂછપરછ કરી શકે છે.