Thu Sep 03 2026

Logo

‘મુખ્ય ચૂંટણી કમિશનરને પદ્મ ભૂષણ આપો’ કપિલ સિબ્બલે આવું કેમ કહ્યું?

2026-04-23 15:50:00
Author: Savan Zalariya
‘મુખ્ય ચૂંટણી કમિશનરને પદ્મ ભૂષણ આપો’ કપિલ સિબ્બલે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે, એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કપિલ સિબ્બલે કટાક્ષમાં કહ્યું કે ચૂંટણીઓ યોજવાનું કોઈ મહત્વ રહ્યું નથી. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણથી સન્માનિત કરવા જોઈએ.

નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા છેલ્લા ઘણાં સમયથી ચૂંટણીની પર્દાશીતા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા આવ્યા છે. કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં  મતદારોને તેમના અધિકારોથી વંચિત રાખવા માટે બળ પ્રયોગ કરી રહ્યું છે.
 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કપિલ સિબ્બલે કહ્યું, "ચૂંટણી પંચ (પશ્ચિમ બંગાળની ચૂંટણી): મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયોગ. મુખ્ય ચૂંટણી કમિશનરને પદ્મ ભૂષણથી સન્માનિત કરવા જોઈએ. મારો પ્રશ્ન એ છે કે ચૂંટણીઓ કેમ યોજાઈ રહી છે?"

કપિલ સિબ્બલે ગઈ કાલે બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં SIR કવાયત બાદ લાખો લોકોના નામ મતદાન યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતાં, જેને કારણે રાજકીય આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને રોજગાર જેવા મુદ્દાઓને બદલે ઓળખ અને નાગરિકતા વધુ ચર્ચામાં રહી છે.

આજે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો માટે મતદાન થી રહ્યું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે અને પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.