Sat May 02 2026

Logo

શું કામરાન અકમલે મોહસિન નકવીને `ટ્રોફી ચોર' કહ્યા? પાકિસ્તાનમાં મામલો વણસી ગયો છે...

2026-03-18 17:10:54
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં ભારતના હાથે જોરદાર પછડાટ ખાધા પછી ટૂર્નામેન્ટમાંથી વહેલી બહાર ફેંકાઈ જવાને પગલે પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમની હજી પણ ખૂબ ટીકા થઈ રહી છે ત્યારે બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝમાં પાકિસ્તાનનો 1-2થી પરાજય થતાં સ્થિતિ વણસી ગઈ છે અને ભૂતપૂર્વ ખેલાડીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવી (MOHSIN NAQVI) પર પસ્તાળ પાડી રહ્યા છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન કામરાન અકમલે (AKMAL) ગયા વર્ષના એશિયા કપમાં પાકિસ્તાનની ભારતના હાથે થયેલી ત્રણ પરાજયની નાલેશી સાથે નકવીને ફરી જોડી દીધા છે.

રવિવાર,15મી માર્ચે મીરપુરમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાન માત્ર 11 રનથી હારી ગયું હતું અને સિરીઝમાં 1-2થી પરાજિત થયું હતું. પાકિસ્તાની ટીમના પર્ફોર્મન્સની ટીકા કરતા અકમલે એક શૉ પરના ઇન્ટરવ્યૂમાં ટિપ્પણી કરી હતી કે `પાકિસ્તાનની ટીમ એક સામાન્ય દ્વિપક્ષી સિરીઝ પણ નથી જીતી શકતી એ ટીમ પાસે આઇસીસી ટ્રોફીની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ટ્રોફી નથી જીતી શકવાના તો શું ટ્રોફી ચોરી કરીને લઈ આવશો?'

2025ના દુબઈના એશિયા કપમાં ભારતે ફાઇનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું અને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. જોકે ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી એટલે નકવીએ એસીસીના અધિકારીઓને ટ્રોફી ઉપાડીને એસીસીની ઑફિસમાં રાખી દેવાની સૂચના આપી હતી અને ત્યાર બાદ (ચોરેલી એ) ટ્રોફી નકવી દ્વારા ગાયબ કરી દેવામાં આવી હતી અને ભારતીય ટીમને હજી સુધી એ ટ્રોફી નથી મળી.

અકમલે નકવીનું નામ ટ્રોફી ચોર તરીકે સીધું તો નથી લીધું, પરંતુ અકમલે આ કમેન્ટમાં નકવી પર જ સીધું નિશાન તાક્યું હોવાનું મનાય છે. અકમલે વધુમાં કહ્યું છે કે `ખેલાડીઓએ સારું રમવું જ પડશે અને જીતવું જ પડશે. યોગ્ય ટીમ તૈયાર કરો જે વિજય અપાવી શકે. આ જ સત્ય છે.'