Fri Jun 19 2026

Logo

બંગાળમાં ભારે વરસાદના કારણે બાલાસન નદી પરનો પુલ તૂટી પડ્યો

2026-06-19 19:22:00
Author: Mumbai Samachar Team
Article Image

સિલિગુડીઃ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં બાલાસન નદી પરનો એક કામચલાઉ પુલ શુક્રવારે ભારે વરસાદના લીધે તૂટી પડ્યો હતો. જેના કારણે સિલિગુડી અને મિરિક સબડિવિઝન વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

ઓક્ટોબર ૨૦૨૫માં દુધિયા ખાતેનો લોખંડનો પુલ તૂટી પડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે સતત વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધી જતા દુધિયા ખાતેના કામચલાઉ પુલનો એક ભાગ તૂડી પડ્યો હતો. પરિણામે વાહનોની અવરજવરને પંખાબારી અને કર્સિયાંગ થઇને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે.

દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ ઘટનાસ્થળની મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજ્યના પીડબ્લ્યુડી પ્રધાન ડો. અજય કુમાર પોદ્દારે જણાવ્યું કે લગભગ ૫૨ કરોડના ખર્ચે બની રહેલા નવા દુધિયા પુલનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. જેને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

બીજા એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકારે બાલાસન નદી પર ટુ-લેન પુલના નિર્માણને મંજૂરી આપી હતી. સ્થાનિકોનું કહેવું છે કે કામચલાઉ પુલ તૂટી પડવાથી જ્યાં સુધી સમારકામ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારમાં દૈનિક મુસાફરી અને જરૂરી ચીજવસ્તુઓના પરિવહનને અસર થશે.