Sat Sep 12 2026

Logo

ડિપ્રેશનથી પીડાતી વિદ્યાર્થિનીને હાઈ કોર્ટનો રાહત આપવાનો ઇનકાર: અમે માત્ર સહાનુભૂતિ આપી શકીએ...

2026-06-19 19:22:00
Author: Mumbai Samachar Team
ડિપ્રેશનથી પીડાતી વિદ્યાર્થિનીને હાઈ કોર્ટનો રાહત આપવાનો ઇનકાર: અમે માત્ર સહાનુભૂતિ આપી શકીએ...

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે ડિપ્રેશનથી પીડાતી મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીને ઓછી હાજરીના કારણે પરીક્ષામાં બેસવાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે "ડિપ્રેશન અને વ્યક્તિત્વ વિકાર"થી પીડાતી મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીને રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને કોર્ટે નોંધ્યું હતું કે તે ફક્ત સહાનુભૂતિ આપી શકે છે, પરંતુ કોઈ મદદ કરી શકશે નહીં.

16 જૂનના રોજ પસાર કરાયેલા આદેશમાં ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે શૈક્ષણિક બાબતોમાં ન્યાયિક હસ્તક્ષેપ મર્યાદિત છે અને શૈક્ષણિક ધોરણો અને હાજરીની આવશ્યકતાઓનું નિયમન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સૌથી યોગ્ય છે. આદેશની નકલ આજે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જસ્ટિસ આર. આઈ. ચાગલા અને ફરહાન દુબાશની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વિદ્યાર્થિનીની પરિસ્થિતિ પ્રત્યે "અસંવેદનશીલ" નથી અને કહ્યું કે તેના અને તેના પરિવાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરે છે.  બેન્ચે વિદ્યાર્થિનીની રાહત માટેની અરજી ફગાવી દેતા કહ્યું કે તેને યુનિવર્સિટીના નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ મળતું નથી.

ત્રીજા વર્ષની બેચલર ઇન સાયન્સ (એપ્લાઇડ સાયકોલોજી)ની વિદ્યાર્થીનીએ પોતાની અરજીમાં મુંબઈ સ્થિત યુનિવર્સિટી દ્વારા 15 એપ્રિલના રોજ ઓછી હાજરીને કારણે આપવામાં આવેલા પ્રતિબંધ પત્રને રદ કરવાની માંગ કરી હતી. 

અરજીમાં યુનિવર્સિટીને વિનંતી કરવામાં આવી હતી કે તેની અસાધારણ તબીબી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવે અને તેને આ મહિને યોજાનારી ત્રીજા વર્ષની પુનઃપરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે, જેથી તેનું આખું  શૈક્ષણિક વર્ષ ન બગડે.