માર્ચ 2025 માં દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બળી ગયેલી બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતીમ ત્યાર બાદ તેઓ સતત વિવાદના કેન્દ્રમાં હતા. તેમની બદલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, લાંબા વિવાદ બાદ ન્યાયાધીશ યશવંત વર્માએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલા રાજીનામાં પત્રમાં ન્યાયાધીશ યશવંત વર્માએ લખ્યુ, "હું આ પત્ર રજૂ કરવા માટે મજબૂર થવા પાછળના કારણોનો બોજ તમારા માનનીય કાર્યાલય પર મૂકવા નથી ઈચ્છતો, હું ખૂબ જ દુઃખ સાથે અલ્હાબાદ સ્થિત માનનીય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. આ કાર્યાલયમાં સેવા આપવી એ મારા માટે સન્માનની વાત રહી છે."
ન્યાયાધીશ યશવંત વર્માના રાજીનામાથી ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ શરૂ થયેલી કાર્યવાહી અસરકારક રીતે અટકી જાય છે, કારણ કે સંસદમાં પ્રસ્તાવ દ્વારા રજૂ કરાયેલી દૂર કરવાની વૈધાનિક પદ્ધતિ ન્યાયાધીશના પદ છોડ્યા પછી કાર્યરત થતી નથી.
હવે શું થશે?
ન્યાયાધીશ યશવંત વર્માને પદ પરથી દુર કરવા ઓગસ્ટ 2025 માં લોકસભામાં પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેમની સામે કાર્યવાહીનો શરુ કરવામાં આવી હતી. આરોપોની તપાસ માટે સ્પીકર ઓમ બિરલા દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
હવે, ન્યાયાધીશ યશવંત વર્માએ રાજીનામું આપી દેતા તેમની સામે શરુ થયેલી આ સંસદીય તપાસનો અસરકારક રીતે અંત આવ્યો છે. હવે તેમની સામે જટિલ મહાભિયોગ પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે.