Sat Sep 05 2026

Logo

જૂનાગઢ અંબાજીમંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલ માણનારા ૬ જણ સામે ફરિયાદ

2026-03-20 16:27:39
Author: Devayat Khatana
જૂનાગઢ અંબાજીમંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલ માણનારા ૬ જણ સામે ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ:
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માતાજીના મંદિર પરિસરમાં સનાતન હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના સામે આવી હતી. 

થોડા દિવસ પહેલા રાત્રિના સમયે મંદિરના ભંડારાના રસોઈઘરમાં છ ઇસમોએ એકત્રિત થઈ દારૂનું સેવન કર્યું હતું અને માંસાહારી ભોજન રાંધીને મહેફિલ માણી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક લેખિત ફરિયાદ નોંધાઈ હતી. 

ફરિયાદના આધારે પોલીસે આ મામલે અભિષેક ઉર્ફે બોય કિશોરસિંહ ચૌહાણ, જીગ્નેશ રવજીભાઈ ડાભી, છગન બચુભાઈ ડાભી અને નિખિલ કિશોરભાઈ મેઘનાથી સહિત બે સગીર (સાગર અને હર્ષ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૮, ૨૯૯, ૫૪ અને ૩૦૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પુરાવા તરીકે વીડિયો ધરાવતી પેન ડ્રાઈવ પણ સોંપવામાં આવી હતી.