Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં પ્રચાર દરમિયાન મેવાણીનો વિરોધ, હાય હાયના લાગ્યા નારા

2026-04-20 12:46:00
Author: Mayur Patel
અમદાવાદમાં પ્રચાર દરમિયાન મેવાણીનો વિરોધ, હાય હાયના લાગ્યા નારા

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ હાલ શહેરમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો અમદાવાદના સરસપુરમાં પ્રચાર દરમિયાન વિરોધ થયો હતો. લોકોએ હાય હાયના નારા લગાવ્યા હતા. મળતી વિગત પ્રમાણે, સરસપુર રખિયાલ વોર્ડમાં  સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવ્યું હતું. જેથી સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેનો ભોગ મેવાણી બન્યા હતા.

ગઈકાલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચંડ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સરસપુરમાં પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં કોંગ્રેસના જ સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ કર્યો હતો. ઉપરાંત હાય હાયના નારા લગાવ્યા હતા.

આ દરમિયાન અમદાવાદની મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ વિસ્તાર મોટા હોવાથી ચૂંટણી ખર્ચમાં વધારો થયો હોવાનુ સ્વીકારવાની સાથે ભાજપ અને કોંગ્રેસનાં અનેક ઉમેદવારોએ પાર્ટી તરફથી પૂરતુ ચૂંટણી ફંડ આપવાને બદલે તેમની ઉપર જ નાણાંકીય જવાબદારી ઢોળી દીધી હોવાનુ જણાવ્યું હતું.

કોંગ્રેસમાં તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવાની ટિકિટ માટે જ રૂપિયા ચૂકવવા પડતાં હોવાનાં આક્ષેપો થતાં હોય ત્યાં પાર્ટી તરફથી ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટે શું અપાતુ હશે તે મોટો સવાલ છે. કોંગ્રેસનાં અમુક ઉમેદવારોએ સ્વીકાર્યુ હતું કે, તેમનો જનાધાર તેમની પાસે જાતજાતની અપેક્ષા રાખતો હોય છે અને તેને પહોંચી વળવામાં મુશ્કેલી પડે છે. પ્રચાર માટે ભાજપ જેટલા મોટા ટોળા પણ થતા નથી તે કડવી વાસ્તવિકતા છે.