Tue Jun 23 2026

Logo

બોલો, જેલમાંથી બોયફ્રેન્ડને છોડાવવા 17 વર્ષની તરૂણી મોબાઇલ ટાવર પર ચઢી!

2026-06-23 19:18:19
Author: Mumbai Samachar Team
Article Image

બોકારો (ઝારખંડ): ઝારખંડ પોલીસે બોકારો જિલ્લામાં ૧૦૦ ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચઢી ગયેલી ૧૭ વર્ષની છોકરીને બચાવી હતી, જેમાં તેણે તેના ૨૨ વર્ષીય બોયફ્રેન્ડને જેલમાંથી મુક્ત કરવા અને તેની સાથે લગ્ન કરાવવાની માંગણી કરી હતી. ગોમિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ધેંધે ગામમાં સ્થિત ટાવર પર ચઢી ગયેલી છોકરીને ઊતરવા પાંચ કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી. 

બર્મોના એસડીપીઓ રવિન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે "અમે છોકરીને કાઉન્સેલિંગ કરી હતી અને તેની માંગણીઓ પર ધ્યાન આપવામાં આવશે તેવી ખાતરી આપ્યા પછી સુરક્ષિત રીતે બચાવી હતી. તે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ટાવર પર ચઢી ગઈ હતી અને બપોરે ૩ વાગ્યાની આસપાસ બચાવી લેવામાં આવી હતી. તેને તાત્કાલિક તેનુઘાટની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી". છોકરીએ માંગ કરી હતી કે તેના બોયફ્રેન્ડને છોડી દેવામાં આવે અને તેના લગ્ન તેની સાથે ગોઠવવામાં આવે.

એસડીપીઓએ જણાવ્યું હતું કે, આ પુરુષની થોડા દિવસ પહેલા તેનું અપહરણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ગોમિયા પોલીસ સ્ટેશનના ઇન ચાર્જ પ્રફુલ કુમાર મહતોએ જણાવ્યું હતું કે બચાવાયેલી છોકરી બાજુના લાલપાનિયા વિસ્તારની છે.

લાલપાનિયા પોલીસ સ્ટેશનના ઇન ચાર્જ જયપ્રકાશ એક્કાએ જણાવ્યું હતું કે છોકરીની માતાએ ૧૮ જૂને ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે પુરુષ પર તેની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ત્યાર બાદ આ બંને રાંચીના સુખદેવ નગર વિસ્તારમાંથી મળી આવ્યા હતા અને છોકરીને બચાવી લેવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાંચીનો રહેવાસી આ પુરુષ હાલમાં તેનુઘાટ જેલમાં બંધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં રવિવારે ચંદ્રપુરા વિસ્તારના ટેલો ગામમાં એક વ્યક્તિ મોબાઇલ ટાવર પર ચઢી ગયો ત્યારે આવી જ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, લગભગ ત્રણ કલાક પછી તેને બચાવી લેવામાં આવ્યો હતો.

બોકારોના પોલીસ અધિક્ષક નાથુ સિંહ મીણાએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે આવી ઘટનાઓને રોકવા માટે ટાવર્સની આસપાસ યોગ્ય ફેન્સિંગ સુનિશ્ચિત કરવા માટે અગ્રણી ઓપરેટરની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે.