જાલના: જાલના જિલ્લામાં રેતીનુંં વહન કરનારી ટિપર ટ્રકના માલિક પાસે 30 હજાર રૂપિયાની લાંચ સ્વીકારનારા બે પોલીસ કર્મચારીને એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ પકડી પાડ્યા હતા.
ઇન્સ્પેક્ટર મનોજ કુમાર રાઠોડ (50) અને કોન્સ્ટેબલ રવિ જાધવ (38) મંથા પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા અને તેમણે ફરિયાદી પાસે લાંચ માગી હતી. એસીબીના ઇન્સ્પેક્ટર સંતોષ તિગોટેએ જણાવ્યું હતું કે મનોજ રાઠોડ અને રવિ જાધવે ટિપર ટ્રક સામે કાર્યવાહી ટાળવા માટે ફરિયાદી પાસે પચાસ હજાર રૂપિયાની માગણી કરી હતી અને જાધવે અગાઉ ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયા સ્વીકાર્યા હતા.
બાકીના રૂપિયા આપવા ન માગતા ફરિયાદીએ છત્રપતિ સંભાજીનગરમાં એસીબીના યુનિટનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર મનોજ રાઠોડ પર આરોપ છે કે તેણે ફરિયાદીને લાંચ આપવા માટે પ્રેરિત કર્યો હતો અને સૂચવ્યું હતું કે જો તે ગેરકાયદે રેતીનું વહન કરવામાં સંડોવાયેલા બે વાહનને પકડવામાં પોલીસને મદદ કરશે તો તેને માસિક ચુકવણીમાં છૂટ મળશે.
એસીબીના ઇન્સ્પેક્ટર સંતોષ ટિગોટેએ કહ્યું હતું કે અમે મંથા પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું, જ્યાં કોન્સ્ટેબલ રવિ જાધવને સાક્ષીદારોની હાજરીમાં લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ પકડવામાં આવ્યો હતો. એસીબીના અધિકારીઓએ જાધવ પાસેથી 30 હજાર રૂપિયા તથા તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો. (પીટીઆઇ)