નવી દિલ્હી: લાલ કિલ્લા સહિત દેશના મંદિરો આતંકીઓના નિશાન પર હોવાના ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ આજે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને બાંગ્લાદેશી કટ્ટરપંથી જૂથો સાથે કથિત સંબંધ ધરાવતા આઠ શંકાસ્પદોની તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, છ શંકાસ્પદોને તમિલનાડુના ઉથુકુલી, પલ્લડમ અને તિરુમુરુગનપૂંડીથી પકડવામાં આવ્યા છે, જ્યારે બેની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરાઈ છે. આ ધરપકડ લાલ કિલ્લા અને પ્રખ્યાત મંદિરો પર આતંકી હુમલાની ગુપ્તચર ચેતવણી બાદ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો હોવાની પણ શંકા છે, જેમને વધુ પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન ડઝનબંધ મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસકર્તાઓનું માનવું છે કે આ જૂથ સોશિયલ મીડિયા દ્વારા વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતું અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોને સમર્થન આપતી સામગ્રી પોસ્ટ કરતું હતું.
ખાસ વાત એ છે કે આ આરોપીઓ પૈકી ચાર શખ્સો અગાઉ દિલ્હી આવ્યા હતા અને એક આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન મેટ્રો સ્ટેશન પર ‘ફ્રી કાશ્મીર’ના પોસ્ટરો લગાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ શંકાસ્પદો ગારમેન્ટ ઉદ્યોગમાં કામ કરતા હતા અને ઓળખ છુપાવવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા.સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના નિશાના પર દિલ્હીના લાલ કિલ્લા સહિત ચાંદની ચોક વિસ્તારના ધાર્મિક સ્થળો છે.