Thu Jun 18 2026

Logo

ઈરાની યુદ્ધ જહાજ પર હુમલા પહેલા શું થયું હતું? ભારતીય નૌકાદળે જણાવી હકીકત

2026-03-05 22:20:22
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ શ્રીલંકાના તટ નજીક ઇરાનના યુદ્ધપોત IRIS દેનાને અમેરિકાએ નિશાન બનાવી ડૂબાવી દેવાની ઘટનાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાની વચ્ચે ભારતીય નૌસેનાએ માનવતાધર્મ નિભાવી ઝડપથી સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હોવાની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. ભારતીય નૌસેનાના નિવેદન અનુસાર, 4 માર્ચ 2026ની વહેલી સવારે શ્રીલંકન નેવી દ્વારા એમઆરસીસી કોલંબોને IRIS દેના તરફથી SOS/ડિસ્ટ્રેસ કોલ મળ્યાની જાણ ભારતીય નૌસેનાને કરાઈ હતી. તે સમયે આ જહાજ ગાલે બંદરથી આશરે 20 નૉટિકલ માઈલ પશ્ચિમે, શ્રીલંકાની જવાબદારી ધરાવતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ક્ષેત્રમાં કાર્યરત હતું.

ભારતીય નૌસેનાએ માનવતાધર્મ નિભાવી મદદ કરી હતી

માહિતી મળતા જ ભારતીય નૌસેનાએ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને સવારે લગભગ 10 વાગ્યે લાંબા અંતરનું મેરિટાઈમ પેટ્રોલ વિમાન તૈનાત કર્યું, જેથી શ્રીલંકાની આગેવાની હેઠળ ચાલી રહેલા ઓપરેશનને મજબૂતી મળી રહે. આ સાથે જ હવામાંથી લાઈફ રાફ્ટ નાખી શકાય એવું બીજું વિમાન સ્ટેન્ડબાઈ પર રાખવામાં આવ્યું હતું. એટલે કે ભારત દ્વારા પૂરતી મદદ કરવામાં આવી હોવાનું ભારતે જણાવ્યું છે. 

ઈરાને આ હુમલા માટે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યા

ભારતીય નૌસેનાએ સ્પષ્ટ કર્યું છે કે, જહાજ દુર્ઘટનામાં ફસાયેલા લોકોની માનવતાવાદી મદદ માટે ભારતનું આ ઓપરેશન સતત ચાલુ છે અને શ્રીલંકા સાથે સતત સમન્વય કરવામાં આવી રહ્યો છે. ઇરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાગચીએ આ યુદ્ધપોતને ઇન્ડિયન નેવીનો મહેમાન ગણાવીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે કે તેણે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં ચેતવણી વિના હુમલો કરીને ભારે ભૂલ કરી છે.

32 લોકોને શ્રીલંકાએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુમલા સમયે ફ્રિગેટ IRIS દેનામાં આશરે 130 સૈનિકો સવાર હતા, જેમાંથી લગભગ 87ના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે 32 લોકોને શ્રીલંકન એજન્સીઓએ રેસ્ક્યૂ દરમિયાન બચાવી લીધા છે. ઘણા લોકો હજુ પણ લાપતા છે, તેમને પણ મૃત માની લેવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાએ માત્ર ઇરાન-અમેરિકા તણાવને નહીં, પરંતુ હિંદ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા અને કૂટનીતિક સંતુલનને પણ નવા સવાલો સામે ઊભા કરી દીધા છે.