તહેરાનઃ મધ્ય પૂર્વમાં વકરી રહેલા તણાવ અને સતત વધતા જતા સૈન્ય સંઘર્ષો વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને આંતરરાષ્ટ્રીય સમુદાયને જગાડવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો વૈશ્વિક મહાસત્તાઓ જો યુદ્ધ માટે જવાબદાર પક્ષોને દંડિત કરવામાં નિષ્ફળ રહેશે, તો વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે. તેમણે ભાર મૂક્યો હતો કે આ સંઘર્ષ પાછળના અસલી સૂત્રધારોને ઓળખવા અને તેમની જવાબદારી નક્કી કરવી એ વિશ્વ શાંતિ માટે હવે અનિવાર્ય બની ગયું છે.
પાકિસ્તાન અત્યાર સુધીમાં બેવડી રણનીતિ પર ચાલતું હતું જેમાં તે અમેરિકાને ખુશ રાખવા, સાઉદી અરેબિયા સાથે મિત્રતા નિભાવવા અને ઈરાનને મીઠી વાતોથી શાંત રાખવાનો પ્રયત્ન કરતું હતું. જોકે, આયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ અને ખાડી દેશોમાં મિસાઈલ હુમલાઓ શરૂ થયા બાદ પાકિસ્તાનની આ 'ડિપ્લોમેટિક સિસ્ટમ' હવે દબાણ હેઠળ છે. પાકિસ્તાને ક્યારેય કલ્પના નહોતી કરી કે તેને આવા ભીષણ યુદ્ધના બોજ હેઠળ પોતાની વિદેશ નીતિને સાચવવી પડશે. હવે સવાલ એ છે કે શું પાકિસ્તાન આ જંગમાં તટસ્થ રહી શકશે?
શાહબાઝ શરીફ સામે ત્રણ મુખ્ય પડકારો
પ્રધાન મંત્રી શાહબાઝ શરીફ હાલમાં એકસાથે ત્રણ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પહેલી, તેમણે સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરારને જાળવી રાખવાનો છે. બીજું, પાકિસ્તાનની કુલ વસ્તીના લગભગ 20 ટકા હિસ્સો ધરાવતી શિયા વસ્તીમાં પ્રવર્તી રહેલા આક્રોશ અને અસંતોષને મેનેજ કરવાનો છે. અને ત્રીજું, વોશિંગ્ટન (અમેરિકા) સાથેના નવા સુધરેલા સંબંધોમાં કોઈ તિરાડ ન પડે તેનું ધ્યાન રાખવાનું છે. વિડંબના એ છે કે આ ત્રણેય ઉદ્દેશ્યો હવે એકબીજાથી તદ્દન વિપરીત દિશામાં જઈ રહ્યા છે.
અસ્થિર આંતરરાષ્ટ્રીય તંત્ર અને પાકિસ્તાનની મથામણ
ઈરાની રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સંઘર્ષના અસલી પાત્રોને નજરઅંદાજ કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય તંત્ર વધુ અસ્થિર બનશે. પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે તેના આંતરિક અને બાહ્ય હિતો ટકરાઈ રહ્યા છે.
એક તરફ ઈરાન તરફથી આવતું દબાણ અને બીજી તરફ અમેરિકા-સાઉદી ગઠબંધન સાથેની મજબૂરીએ પાકિસ્તાનને રાજદ્વારી ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે. આગામી દિવસોમાં પાકિસ્તાન જે પણ નિર્ણય લેશે તેની અસર માત્ર તેના પડોશી દેશો પર જ નહીં, પરંતુ વૈશ્વિક રાજકારણ પર પણ પડશે.