Mon Sep 07 2026

Logo

અમેરિકા-ઇરાન સમજૂતીની નજીક...', ટ્રમ્પે કહ્યું ક્યાં સુધીમાં ખુલી જશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ!

2026-05-24 08:50:00
Author: Mumbai Samachar Team
અમેરિકા-ઇરાન સમજૂતીની નજીક...', ટ્રમ્પે કહ્યું ક્યાં સુધીમાં ખુલી જશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ!

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું  કે અમેરિકા અને ઈરાન શાંતિ કરારની ખૂબ નજીક પહોંચી ગયા છે. તેમણે સંકેત આપ્યો હતો કે રવિવાર સુધીમાં એ નિર્ણય થઈ શકે છે કે તેહરાન (ઈરાન) વિરુદ્ધ ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરવી કે નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે સંભવિત કરાર હેઠળ ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવામાં આવશે અને તેના સંવર્ધિત (એનરિચ્ડ) યુરેનિયમનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવશે.

અહેવાલો અનુસાર, નવા પ્રસ્તાવમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવા, વિદેશી બેંકોમાં ફસાયેલી ઈરાનની સંપત્તિને અનફ્રીઝ કરવા (મુક્ત કરવા) અને બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવા જેવા મુદ્દાઓ સામેલ છે. 

અમેરિકા-ઈરાન વાતચીતમાં સારી પ્રગતિ

ટ્રમ્પે જણાવ્યું કે તેઓ પોતાના સલાહકારો સાથેની આ બેઠકમાં ઈરાનના નવા પ્રસ્તાવોની સમીક્ષા કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે યુદ્ધ ફરીથી શરૂ કરવું કે નહીં. આ દરમિયાન, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થતા (મધ્યસ્થી) કરી રહેલા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર શનિવારે તેહરાનથી રવાના થયા હતા. તેમણે ઈરાનના અધિકારીઓ સાથે મુલાકાત કરીને કરારને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, 'ક્યાં તો સારો કરાર થશે અથવા હું તેમને નરકમાં (જહન્નમમાં) મોકલી દઈશ.' અસ્થાયી યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ થયાના છ અઠવાડિયા પછીથી ટ્રમ્પ સતત કૂટનીતિ અને સૈન્ય કાર્યવાહીની ધમકીઓ વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે.

સમજૂતી નહીં થાય તો ઈરાન ભોગવશે: ટ્રમ્પ

ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કરાર નહીં થાય તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે જણાવ્યું કે, 'જો અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર નહીં થાય, તો ઈરાન પર એવી અસર પડશે જેવી કોઈ દેશ પર પહેલાં ક્યારેય નહીં પડી હોય.'

ઈરાનને અમેરિકા પર નથી કોઈ ભરોસો

દરમિયાન, ઈરાનની સંસદના અધ્યક્ષ મહોમ્મદ બાકેર કલીબાફે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ઈરાનને અમેરિકા પર કોઈ ભરોસો નથી અને તે પોતાના અધિકારોથી ક્યારેય પાછળ નહીં હટે.