Sun Apr 19 2026

Logo

ઈરાનના ગાર્ડ દ્વારા ફાયરિંગ છતા હોર્મુઝમાંથી ભારતીય જહાજ સુરક્ષિત રીતે પાસ, રાજદૂતે કર્યો વાયદો

2026-04-19 09:24:37
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અત્યારે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર ખતરો તોળાઈ રહ્યો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકાબંધી વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝમાંથી અત્યાર સુધીમાં ભારતના 10 જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી ફરીથી બંધ કરવામાં આવી હોવા છતાં, ભારતીય ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર આ ખતરનાક જળમાર્ગને સુરક્ષિત રીતે પાર કરવામાં સફળ રહ્યું છે. જ્યારે ચાર અન્ય જહાજ પરત ફર્યા છે. 

જહાજોના મોનિટરિંગીના આંકડા અનુસાર ઓઈલ ટેન્કર 'દેશ ગરિમા' જહાજ શનિવારે (18 એપ્રિલ 2026) સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પસાર થઈ ચૂક્યું હતું. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ માર્ગ પાર કરનારું આ 10મું ભારતીય જહાજ છે. 'મરીન ટ્રાફિક'ના ડેટા અનુસાર, શનિવાર સાંજ સુધીમાં આ ટેન્કર ઓમાનની ખાડી બાજુ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું હતું. મળતી માહિતી મુજબ ઈરાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગને કારણે ઓછામાં ઓછા 4 જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો છે. 'સનમાર હેરાલ્ડ', 'દેશ વૈભવ' અને 'દેશ વિભોર' સહિત માલવાહક જહાજ 'જગ અર્ણવ' ને પાછા ફરવાની ફરજ પડી હતી.

પર્શિયન ગલ્ફમાં 14 જહાજ

આ સાથે પર્શિયન ગલ્ફમાં ભારતીય તિરંગો ધરાવતા જહાજની સંખ્યા 14 સુધી પહોંચી ગઈ છે. 'દેશ વૈભવ'અને 'દેશ વિભોર' નું સંચાલન સરકારની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કરે છે. જ્યારે 'સનમાન હેરાલ્ડ'નું સંચાલન અને 'જગ અર્ણવ'નું સંચાલન ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની કરે છે. રિપોર્ટ અનુસાર ટેન્કરને સૂચના મળી હતી કે, ઉત્તર પૂર્વ બાજુ આશરે 20 સમદ્રી માઈલ દૂર ઈરાનના ગાર્ડ તરફથી બે જહાજ પર ગોળીબાર થયો છે. એવું પણ માનવામાં આવે છે કે, આ કારણે ભારતીય જહાજે રસ્તો બદલવો પડ્યો હતો. ટેન્કર ટ્રેકર્સના રિપોર્ટ અનુસાર ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે તરતા જહાજ સહિત ભારતીય તિરંગા વાળા બે જહાજને ફાયરિંગ પછી પરત ફરવું પડ્યું હતું. 

ઈરાનના રાજદૂતનો વાયદો

ભારતીય જહાજ પર ફાયરિંગ થતા જ ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન વિદેશ સચીવ વિક્રમ મિસરીએ બે ભારતીય જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગને લઈ ચિંતા વ્યક્ત કરી હતી, જોકે ટેન્કર અને ક્રૂ સ્ટાફ સુરક્ષિત હોવાનું જાણવા મળતા રાહતના શ્વાસ લીધા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કમર્શિયલ જહાજ અને નાવિકોની સુરક્ષાને લઈ ભારત દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી છે અને ઈરાને આ પહેલા પણ ભારતીય જહાજોને સુરક્ષા આપી છે. કમર્શિયલ જહાજો પર ફાયરિંગની ઘટના ગંભીર છે. વિદેશ સચીવે રાજદૂતને આગ્રહ કર્યો હતો કે, તેઓ ઈરાનના અધિકારીઓને ભારતનો દ્રષ્ટિકોણ દર્શાવે.હોર્મુઝમાંથી ભારતીય જહાજને પસાર થવા માટે જે પ્રક્રિયાઓ છે એ ફરીથી શરૂ કરે. ઈરાનના રાજદૂતે પણ આ મેસેજને યોગ્ય રીતે ઈરાન સુધી પહોંચાડી દેવાનો વાયદો કર્યો છે. 

ભારત ઈરાનના સંબંધોની વાત કરી

ભીષણ યુદ્ધ અને ઈરાની સેનાની કડક નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોની આ અવરજવર ભારતની વ્યૂહાત્મક કુશળતા અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને ફાયરિંગ થતા બાદ ફરીવાર મિડલ ઈસ્ટમાં ચિંતા વધી ગઈ છે. માહોલ તણાવગ્રસ્ત બની રહ્યો છે જોકે,ઈરાનના ઉચ્ચ નેતાઓએ ભારત અને ઈરાનના સંબંધોની વાત કરીને ફાયરિંગની ઘટના બાદ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે.