નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની લડાઈમાં સીઝફાયરનું એલાન થયું છે. એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે થોડો અલ્પવિરામ મૂકાયો છે. બે અઠવાડિયા સુધી સીઝફાયરનું એલાન થયા બાદ પણ લેબનાનમાં હુમલો થતા સ્થિતિ તણાવગ્રસ્ત છે. આ માહોલ પર ભારત સરકાર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને મીડલ ઈસ્ટમાં રહેતા ભારતીય નાગરિકોના મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત માટે ભારતીય નાગરિકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે.
મિડલ ઈસ્ટની સ્થિતિ હજુ ચિંતાજનક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પરિસ્થિતિને "અત્યંત ચિંતાજનક" ગણાવી અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતની લાંબા સમયથી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. એ પણ નોંધ્યું કે આશરે 1,000 ભારતીય નાગરિકો હાલમાં લેબનોનમાં રહે છે. જયસ્વાલે જણાવ્યું હતું કે, લેબનોનમાં મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિના અહેવાલોથી ભારત ખૂબ ચિંતિત છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું અને દેશની સંપ્રભુતા તથા અખંડતાનું સન્માન કરવું આવશ્યક છે.
લેબનાનમાં હુમલાના વાવડ ગંભીર
લેબનાનમાં હુમલાના વાવડ ગંભીર છે અને પરેશાન કરે એવા છે. યુએનના સૈનિકો દેશમાં શાંતિ અને સુરક્ષા કાયમ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લેબનાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સ્થાનિક અધિકારીઓ સતત સંપર્કમાં છે. ખાડીના વિસ્તારના દેશ સાથે ભારત સતત સંપર્કમાં છે. ઊર્જા અને સુરક્ષાને મજબૂત કરવા માટે ખાડીના દેશોની મુલાકાત કરવામાં આવશે. વિદેશમંત્રી હાલમાં મોરિશિયસની મુલાકાતે પહોંચ્યા છે. એ પછી UAE ની યાત્રા કરશે. ભારત અને UAEના સંબંધો પર ચર્ચા વિચારણા થશે.

કતારે આપી મોટી ખાતરી
ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથોસાથ પાડોશી દેશની ઊર્જા આવશ્યકતાને પૂર્ણ કરવા સહાય કરી શકાય છે. આ પહેલા શ્રીલંકાને 38 મેટ્રિક ટન પેટ્રોલિયમની મદદ કરી હતી. ક્રૂડ ઓઈલ અને ગેસ માટે સરકારી સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ભારત હવે મોરેશિયસમાં ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. બીજી તરફ કતાર ભારત માટે મહત્ત્વનો ઊર્જા સ્ત્રોત ધરાવતો દેશ છે. કતારના ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિશ્વસનીય ઊર્જાપૂર્તિ કરવા માટે કતાર પ્રતિબદ્ધ છે. ભવિષ્યમાં એક મોટા આયોજન કરીને તે ઊર્જા પૂર્તિ કરશે.