Thu Apr 23 2026

Logo

કવર સ્ટોરીઃ ડાન્સિંગ મિસાઈલ

2026-03-18 08:36:00
Author: Nilesh Waghela
Article Image

 

ઈરાનના તરકશમાંથી નીકળી રહેલી નવી ડાન્સિંગ મિસાઈલ ‘સેજ્જિલ’થી ટ્રમ્પની તાલ પણ બેતાલ થઈ ગઈ છે! એવું તે શું છે તેમાં અને ભારત પાસે એનો કેવો જવાબ છે?


નિલેશ વાઘેલા


ઈરાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે યુદ્ધનું આયોજન કરી રહ્યું છે. ઈરાનની યુદ્ધ નીતિએ અમેરિકા અને ઇઝરાયલને રીતસર હંફાવી નાખ્યા છે. ઈરાને પહેલા 20 લાખની આસપાસના ડ્રોનનો મારો ચલાવીને બંને શત્રુ દેશના કરોડોની કિંમત ધરાવતા બેલાસ્ટિક મિસાઈલ ખતમ કરી નાખ્યા છે અને હવે નવી કહી શકાય અથવા જેનો કોઈને અંદાજો ના હોય એવા આયુધો પ્રકટ કરીને શત્રુ દેશને સ્તબ્ધ કરવાનું કામ કર્યું છે.


અલબત્ત, ઈરાન હાલની પરિસ્થિતિમાં આપણો શત્રુ નથી અને ક્યારેય ઘનિષ્ઠ મિત્ર પણ રહ્યો નથી. આપણે રશિયા પહેલા સૌથી વધુ ક્રૂડ તેલની આયાત ઈરાનથી જ કરતા હતા. આ ઇસ્લામી દેશ છે અને ભૂતકાળમાં ઈરાકે પાકિસ્તાનને સાથ નહોતો આપ્યો પરંતુ ઈરાને આપ્યો હતો. જોકે ત્યાર પછીનાં વર્ષોમાં વેપારી સંબંધો અને ભારતના સોહાર્દપૂર્ણ વ્યવહાર સહિતનાં કારણોસર ઈરાને ભારત સાથે ઘણા સહકાર સાધ્યા હતા, જેમાં ચાબહાર પોર્ટ નો પણ સમાવેશ થાય છે.


ખેર આપણે વર્તમાનમાં પાછા ફરીએ. વેસ્ટ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા તેના અદ્યતન સેજ્જિલ બેલાસ્ટિક મિસાઈલનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો માત્ર એક સૈન્ય ઘટના નથી, તે વૈશ્વિક સુરક્ષા માળખાને નવી ચેતવણી આપે છે. રવિવારે આ મિસાઈલ ઈઝરાયલ તરફ છોડવામાં આવી ત્યારે અમેરિકા, ઈઝરાયલ સહિત લગભગ દરેક દેશના યુદ્ધ નિષ્ણાતો ચોંકી ગયા હતા.


અલબત્ત, ભલે નુકસાન અંગે હજી સત્તાવાર પુષ્ટિ ન થઈ હોય, પરંતુ તેના પ્રભાવ વિશે નિષ્ણાતોમાં ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સેજ્જિલ, જેને ડાન્સિંગ મિસાઈલ તરીકે ઓળખવામાં આવે છે, તેની સૌથી મોટી શક્તિ તેની ઊંચાઈ પર દિશા બદલી શકવાની ક્ષમતા છે. આધુનિક યુદ્ધમાં, જ્યાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, ત્યાં આવી ક્ષમતા શત્રુ માટે ગંભીર પડકાર ઊભો કરે છે. ખાસ કરીને આયર્ન ડોમ જેવી અદ્યતન રક્ષા પ્રણાલીઓને પણ તે ચકમો આપી શકે છે.


સેજ્જિલ: ઈરાનની સ્વદેશી શક્તિનો પ્રતીક


સેજ્જિલ મિસાઈલ ઈરાન દ્વારા વિકસાવવામાં આવેલી એક બે તબક્કાવાળી સોલિડ-ફ્યુઅલ મિસાઈલ છે. તેની રેન્જ આશરે 2,000 કિલોમીટર છે, જે તેને ઇઝરાયલ સહિત સમગ્ર વેસ્ટ એશિયામાં વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા આપે છે. 700 કિલોગ્રામ સુધીનું પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવતું આ મિસાઈલ ઝડપથી લોન્ચ થઈ શકે છે, કારણ કે તેમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે.


આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેની ઝડપ છે. અહેવાલો મુજબ, તે ઈરાનથી તેલ અવીવ સુધી માત્ર સાત મિનિટમાં પહોંચી શકે છે. આટલો ઓછો સમય પ્રતિસાદ માટે ખૂબ જ જોખમી ગણાય છે, કારણ કે તે શત્રુને મિસાઈલ અટકાવવાની તક લગભગ નથી આપતો.
સેજ્જિલનો વિકાસ ઈરાનની સૈન્ય સ્વાવલંબન તરફની યાત્રાનું પ્રતિબિંબ છે. 2008માં પ્રથમ પરીક્ષણથી શરૂ થયેલી આ યાત્રાએ હવે એક એવા તબક્કે પ્રવેશ કર્યો છે, જ્યાં ઈરાન માત્ર રક્ષા નહીં પરંતુ આક્રમક ક્ષમતા દર્શાવી રહ્યું છે.


ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 16મા દિવસે પ્રવેશી ગયું છે. ગયા મહિને અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનનાં લક્ષ્યો પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓએ આ સંઘર્ષને વધુ ઉગ્ર બનાવ્યો હતો. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામનેઈના મોત બાદ યુદ્ધ વધુ ઉગ્ર થવાના કારણે સમગ્ર વિસ્તારમાં અસંતુલન વધી ગયું છે.


આ ઘટના બાદ ઈરાને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો અને ઇઝરાયલ પર પ્રતિકારાત્મક હુમલાઓ વધારી દીધા છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકોનાં મોત થયાં છે. પેન્ટાગોનના જણાવ્યા મુજબ, યુદ્ધ દરમિયાન 15,000થી વધુ લક્ષ્યો પર હુમલા થઈ ચૂક્યા છે.


સેજ્જિલ કેમ ખતરનાક માનવામાં આવે છે?


સેજ્જિલને ખતરનાક બનાવતી ત્રણ મુખ્ય બાબતો છે, જેમાં ઝડપ, દિશા બદલવાની ક્ષમતા અને સોલિડ ફ્યુઅલ ટેક્નોલોજીનો સમાવેશ છે. સોલિડ-ફ્યુઅલ મિસાઈલ્સને લોન્ચ કરવા માટે ઓછો સમય લાગે છે, જે તેને સડન સ્ટ્રાઈક માટે યોગ્ય બનાવે છે.


તે ઉપરાંત, તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા તેને પરંપરાગત મિસાઈલ્સથી અલગ બનાવે છે. આ મિસાઈલ હવામાં માર્ગ બદલી શકે છે, જેના કારણે ડિફેન્સ સિસ્ટમ્સ માટે તેને ટ્રેક કરવું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે તેને ડાન્સિંગ મિસાઈલ નામ આપવામાં આવ્યું છે.


વૈશ્વિક દ્રષ્ટિકોણ: યુરોપ અને એશિયા સુધી પહોંચ


સેજ્જિલની રેન્જ માત્ર ઇઝરાયલ સુધી મર્યાદિત નથી. તેની 2,000 કિલોમીટર સુધીની પહોંચ તેને યુરોપ અને એશિયાના કેટલાક ભાગો સુધી અસરકારક બનાવે છે. આથી તે માત્ર પ્રાદેશિક નહીં પરંતુ વ્યૂહાત્મક વૈશ્વિક હથિયાર બની જાય છે.


ભારતનો પ્રતિસાદ: અગ્નિ મિસાઈલ


ઈરાનના સેજ્જિલ મિસાઈલને લઈને નિષ્ણાતો હવે તેની તુલના ભારતના અગ્નિ મિસાઈલ પ્રોગ્રામ સાથે કરી રહ્યા છે. ભારતે તાજેતરમાં અગ્નિ-થ્રી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, જે દેશની રક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.


અગ્નિ-III એક ન્યુક્લિયરસક્ષમ મધ્યમ-અંતરનું બેલાસ્ટિક મિસાઈલ છે, જે 3,000થી 3,500 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. આ મિસાઈલ દુશ્મનના વ્યૂહાત્મક લક્ષ્યોને ઊંંડે સુધી નિશાન બનાવી શકે છે.


ભારતનું અગ્નિ ફાઈવ મિસાઈલ તો વધુ અદ્યતન છે, જે 5,000થી 8,000 કિલોમીટર સુધી પહોંચે છે. આ મિસાઈલ ભારતને ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્ટ્રાઈક ક્ષમતા આપે છે.


અગ્નિ મિસાઈલ્સની રેન્જ

* અગ્નિ-I: 700 થી 900 કિમી
* અગ્નિ-II: 2,000 થી 3,000 કિમી
* અગ્નિ-III: 3,000 થી 3,500 કિમી
* અગ્નિ-IV: આશરે 4,000 કિમી
* અગ્નિ-V: 5,000 થી 8,000 કિમી
* અગ્નિ પ્રાઈમ: આશરે 2,000 કિમી


આ આંકડાઓ દર્શાવે છે કે ભારત અને ઈરાન બંને મિસાઈલ ટેક્નોલોજીમાં સતત આગળ વધી રહ્યા છે, પરંતુ તેમની વ્યૂહરચનાઓ અલગ છે, જેમાં એક પ્રતિકાર અને વિધ્વંશ પર આધારિત છે, જ્યારે બીજું સક્રિય પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે.


નિષ્કર્ષ: ટેક્નોલોજી સામે રાજનૈતિક નિષ્ફળતા


સેજ્જિલ મિસાઈલનો ઉપયોગ માત્ર એક લશ્કરી ઘટના નથી, પરંતુ તે એક મોટો સંકેત છે, કે આધુનિક યુદ્ધ હવે વધુ ઝડપથી, વધુ જટિલ અને વધુ જોખમી બની રહ્યું છે. જ્યારે ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે રાજનૈતિક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

જો વૈશ્વિક શક્તિઓ સમયસર સંવાદ અને નિયંત્રણનાં માધ્યમો વિકસાવવામાં નિષ્ફળ જશે, તો આવા ડાન્સિંગ મિસાઈલ્સ ભવિષ્યમાં મોટા સંઘર્ષોને જન્મ આપી શકે છે.

આજે સેજ્જિલ છે, કાલે કદાચ વધુ અદ્યતન અને વધુ ખતરનાક હથિયાર હશે. પ્રશ્ન એ છે કે દુનિયા તે માટે તૈયાર છે કે નહીં?