Sun Jul 26 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 58 સ્પેશિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

2026-03-04 19:04:12
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વણસતી જતી સ્થિતિને કારણે મધ્ય પૂર્વનું આકાશ અત્યારે યુદ્ધના વિમાનો, મિસાઈલ અને ડ્રોનથી ભરેલા છે. સુરક્ષાના કારણોસર મોટા ભાગના હવાઈ ક્ષેત્રો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લાખો ભારતીય નાગરિકો ખાડી દેશમાં ફસાયા છે. આ કટોકટીની પળોમાં ભારત સરકારે સક્રિયપણે ભૂમિકા ભજવી છે અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ ફ્લાઈટ મારફત ભારતીયોને પરત લાવવાનો નિર્ણય લીધો છે. 

58 વિશેષ ફ્લાઈટ્સ દ્વારા ભારતીયનું સ્થળાંતર

સરકારી આંકડા મુજબ આજથી ભારતીયોને પરત લાવવા માટે કુલ 58 વિશેષ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિગો દ્વારા 30 અને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા 23 ઉડાન ભરવામાં આવશે. ઉપરાંત, સ્પાઈસ જેટ અને આકાસા એર જેવી કંપનીઓ પણ દુબઈ અને ફુજૈરાહ જેવા શહેરોમાંથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ અને કોચી જેવા ભારતીય એરપોર્ટ પર મુસાફરોને લાવશે. જોકે, અધિકારીઓએ કડક સૂચના આપી છે કે જ્યાં સુધી એરલાઈન તરફથી કન્ફર્મ ટિકિટ કે સમય ન મળે ત્યાં સુધી મુસાફરોએ એરપોર્ટ પર ભીડ કરવી નહીં.

યુદ્ધગ્રસ્ત વિસ્તારો પરથી ઉડાન ભરવાનું જોખમી હોવાથી ભારતીય એરલાઇન્સે તેમના શેડ્યૂલમાં મોટા ફેરફારો કર્યા છે. લાંબા અંતરની ફ્લાઈટ્સને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રથી બચાવવા માટે વૈકલ્પિક અને લાંબા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. બીજી તરફ, દુબઈનું એરપોર્ટ આંશિક રીતે કાર્યરત છે, જ્યારે એતિહાદ એરવેઝે અબુ ધાબીથી તેની સેવાઓ પાંચમી માર્ચ સુધી સ્થગિત કરી છે. માત્ર અત્યંત જરૂરી કાર્ગો અને ભારતીયોને પરત લાવતી (Repatriation) ફ્લાઈટ્સને જ વિશેષ મંજૂરી આપવામાં આવી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એરલાઈન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ મુસાફરો સાથે પારદર્શક સંવાદ જાળવે અને રિફંડ કે રી-શિડ્યુલિંગના નિયમોનું ચુસ્ત પાલન કરે. 

સરકાર સતત એરપોર્ટ અને એરલાઈન્સના સંપર્કમાં છે જેથી આ મુશ્કેલ સમયમાં ટિકિટના ભાવમાં અસહ્ય વધારો ન થાય અને મુસાફરોને આર્થિક શોષણનો ભોગ ન બનવું પડે. મંત્રાલય દ્વારા ટિકિટના દરો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.