શ્રીનગરઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે અશાંતિ ફેલાવી રહ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અને શિયા સમુદાયના ધાર્મિક વડા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધનના સમાચાર બાદ વિશ્વના અનેક ઇસ્લામિક દેશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ખામેનેઈના સમર્થનમાં અને ઈઝરાયલ-અમેરિકાના વિરોધમાં દેખાવો હિંસક બન્યા છે. પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હોવા છતાં ખીણમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે. જોકે, શ્રીનગરમાં હિંસક પ્રદર્શનો પછી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સોમવારે સતત બીજા દિવસે પણ ખીણમાં જનજીવન ખોરવાયેલું જોવા મળ્યું હતું. પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને અવગણીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસા રોકવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હોવાના પણ સમાચાર છે.
વધતા તણાવને જોતા વહીવટીતંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. અફવાઓ ફેલાતી અટકાવવા માટે ઈન્ટરનેટની સ્પીડ પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. શ્રીનગરના લાલચોક, આલમગરી બજાર અને બડગામ જેવા શિયા બહુલ વિસ્તારોમાં અવરજવર પર સખત પ્રતિબંધો લગાવ્યા છે. બજારો, કચેરીઓ અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશાસનિક મનાઈ હુકમ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ખામેનેઈના પોસ્ટરો અને અમેરિકા-ઈઝરાયલ વિરોધી બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ લાલચોક તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયું હતું. બટમાલૂ નજીક જ્યારે ભીડે બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થિતિ બેકાબૂ બની હતી. સુરક્ષા જવાનોએ લાઠીચાર્જ કરીને અને અશ્રુવાયુના સેલ છોડીને આશરે એક કલાકની જહેમત બાદ ભીડને વિખેરી હતી.
હાલમાં જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં કલમ ૧૪૪ જેવી પાબંધીઓ લાગુ છે. સુરક્ષા એજન્સીઓ ડ્રોન અને સતત ગશ્ત દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળાઓ હવે સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર બની રહી છે, જેને થાળે પાડવા માટે સતત પ્રયાસો ચાલુ છે.