Tue Sep 15 2026

Logo

ઈરાને ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના શહેરને નિશાન બનાવ્યું, અનેક ભારતીયો ઈજાગ્રસ્ત

Jerusalem   2026-03-22 08:26:00
Author: Mumbai Samachar Team
ઈરાને ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના શહેરને નિશાન બનાવ્યું, અનેક ભારતીયો ઈજાગ્રસ્ત

જેરુસલેમ: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. શનિવારની સાંજે ઈરાને દક્ષિણ ઈઝરાયલના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડિમોના શહેર પર બેલેસ્ટિક મિસાઈલ છોડીને ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલાએ માત્ર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો નથી ઉભા કર્યા, પરંતુ ભારત માટે પણ ચિંતા વધારી છે, કારણ કે આ શહેર તેની મોટી ભારતીય વસ્તીને કારણે 'લિટલ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે. યુદ્ધના આ નવા વળાંકે સમગ્ર વિશ્વની નજર ફરી એકવાર મધ્ય પૂર્વ તરફ ખેંચી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાની મિસાઈલ સીધી એક કોમ્યુનિટી બિલ્ડિંગ પર પડી હતી, જેના પ્રચંડ વિસ્ફોટથી આસપાસના જૂના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. 'મેગન ડેવિડ એડમ' (MDA) ના રિપોર્ટ મુજબ, આ હુમલામાં કાટમાળ અને મિસાઈલના ટુકડાઓ વાગવાને કારણે 12 વર્ષનો એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. કુલ 47 લોકો હોસ્પિટલ પહોંચ્યા છે, જેમાંથી 31 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે 14 લોકો આ ભયાનક હુમલાના આઘાત (Anxiety) ને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. સદનસીબે, મોટાભાગના લોકો સાયરન વાગતા જ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પહોંચી ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ડિમોના શહેરની વિશેષતા તેની વસ્તી છે, જ્યાં લગભગ 30 ટકા લોકો ભારતીય મૂળના યહૂદીઓ છે. અહીં 7,500 થી વધુ મહારાષ્ટ્રીયન યહૂદીઓ વસે છે, જેઓ આજે પણ પોતાની માતૃભાષા મરાઠી અને ભારતીય સંસ્કૃતિને વળગી રહ્યા છે. આ વિસ્તારમાં ગલીએ-ગલીએ સોનપાપડી, ગુલાબ જામુન અને ભેલપૂરી જેવી ભારતીય વાનગીઓની સુગંધ આવે છે. જોકે, આ હુમલા બાદ અહીંના શાંત વાતાવરણમાં ડર વ્યાપી ગયો છે. જે ગલીઓમાં ક્રિકેટ રમાતું હતું અને મરાઠી સંવાદો સંભળાતા હતા, ત્યાં અત્યારે માત્ર કાટમાળ અને સન્નાટો જોવા મળી રહ્યો છે.

ઈઝરાયલના સંરક્ષણ દળો (IDF) એ કબૂલાત કરી છે કે તેમની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આ મિસાઈલને હવામાં તોડી પાડવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ, ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે આ તેમના નતાન્ઝ (Natanz) પરમાણુ કેન્દ્ર પર થયેલા હુમલાનો વળતો પ્રહાર છે. ડિમોના શહેર ઈઝરાયલના પરમાણુ રિએક્ટરનું પણ કેન્દ્ર હોવાથી આ હુમલો ઘણો સંવેદનશીલ માનવામાં આવે છે. જોકે, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ રાહત આપતા જણાવ્યું છે કે પરમાણુ સંશોધન કેન્દ્ર સુરક્ષિત છે અને ત્યાં કોઈ નુકસાન થયું નથી.