નવી દિલ્હી: દર વર્ષે શીયાળા દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા ચર્ચાનો વિષય રહે છે, પરંતુ ભારતના અન્ય ઘણા શહેરોમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક છે. સ્વિસ કંપની IQAir દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025માં જણાવવામાં આવ્યું ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ છે.
નોંધનીય છે કે IQAir હવાનું પ્રદુષણ માપવા અને હવા શુદ્ધ કરવાના ઉપકરણો બનાવે છે અને દર વર્ષે વિશ્વમાં વાયુ પ્રદુષણ અંગે રીપોર્ટ તૈયાર કરે છે. વર્ષ 2025ના એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાર્ટિક્યુલેટ મેટર (PM2.5) ની સાંદ્રતા ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી છે, છતાં ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.
IQAirના રીપોર્ટ અનુસાર 2025માં ભારતની પોપ્યુલેશન-વેઇટેડ વાર્ષિક સરેરાશ PM2.5 સાંદ્રતા 48.9 µg/m³ હતી, જે વર્ષ 2024માં નોંધાયેલી માત્રા 50.6 µg/m³ કરતા 3% ઓછી છે, આ માત્ર વર્ષ 2023માં 54.4 µg/m³ હતી.
50 પ્રદુષિત શહેરોમાં આટલા ભારતના:
IQAirના વાર્ષિક એર ક્વોલિટી રીપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ચાર સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી ત્રણ ભારત છે અને વિશ્વના ટોચના 50 પ્રદુષિત શહેરોમાં 29 શહેરો ભારતના છે. વિશ્વના 25 સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલા છે.
દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની:
રીપોર્ટમાં દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી. દિલ્હી 2025 માં વિશ્વનું ચોથું સૌથી વધુ પ્રદૂષિત શહેર રહ્યું, દિલ્હીમાં વાર્ષિક સરેરાશ પાર્ટિક્યુલેટ મેટર (PM2.5)નું સ્તર 99.6µg/m³ રહ્યું હતું, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મર્યાદા કરતા લગભગ 20 ગણું વધારે છે.
ઉત્તર પ્રદેશનું આ શહેર સૌથી પ્રદૂષિત:
IQAir ના રીપોર્ટ અનુસાર વર્ષ 2025માં ઉત્તર પ્રદેશનું લોની શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. જ્યાં PM2.5નું વાર્ષિક સરેરાશ સ્તર 112.5µg/m³ નોંધાયું, ત્યારબાદ ચીનનું હોતાન (109.6µg/m³) અને મેઘાલયનું બાયર્નહાટ (101.6µg/m³)નો ક્રમ આવે છે.
પાકિસ્તાન સૌથી વધુ પ્રદુષિત દેશ:
IQAir ના રીપોર્ટ મુજબ, વર્ષ 2025માં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે રહ્યું. ભારતમાં PM2.5નું વર્ષીય સરેરાશ સ્તર 48.9µg/m³ નોંધાયું. જયારે પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત હવા ધરાવતો દેશ રહ્યો, પાકિસ્તાનમાં PM2.5નું વર્ષીય સરેરાશ સ્તર 67.3µg/m³ નોંધાયું, ત્યાર બાદ બાંગ્લાદેશ (66.1µg/m³), તાજિકિસ્તાન (57.3µg/m³), ચાડ (53.6µg/m³) અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (50.2µg/m³) નો ક્રમ આવે છે.
લોકોના સ્વાસ્થ્યને જોખમ:
WHO ની ગાઈડલાઈન્સ મુજબ PM2.5નું સુરક્ષિત માત્રા 5µg/m³ છે, જ્યારે ભારત સરકારે સુરક્ષિત માત્રા 40µg/m³ નક્કી કરી છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભારતના 115 શહેરો PM2.5નું સ્તર ભારતે નક્કી કરેલી સુરક્ષિત માત્રા કરતા પણ વધુ છે, જેની નકારાત્મક અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.