અજય મોતીવાલા
હવે તો મનોરંજક ક્રિકેટનું પ્રમાણ વધી ગયું છે અને ટેક્નિક તથા ટૅલન્ટથી ભરપૂર સિરિયસ ક્રિકેટ દુર્લભ થઈ ગઈ છે. આવનારા સમયમાં આ પરિવર્તનનું પ્રમાણ વધી જાય તો નવાઈ નહીં પામતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત 2008માં થઈ અને ત્યાર પછી સમયાંતરે એની લોકપ્રિયતા વધતી ગઈ અને હવે એની પૉપ્યુલારિટી ચરમસીમાએ છે ત્યારે બીજી તરફ વર્ષ દરમ્યાન બીજા અનેક દેશોની ટી-20 લીગ પણ રમાતી હોવાથી વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સામે ત્રાજવામાં તોળિયે તો લીગ ટી-20 ટૂર્નામેન્ટોનું વજન વધી ગયેલું લાગે છે.
આ સંતુલન સમય જતાં લીગ સ્પર્ધાઓની તરફેણમાં વધુ જોવા મળે તો નવાઈ નહીં પામતા અને એના કારણ પર થોડી વારમાં ચર્ચા કરીશું. એક ચિંતા એવી છે કે થોડાં વર્ષોમાં ક્રિકેટની હાલત ફૂટબૉલ જેવી ન થઈ જાય તો સારું.
2007ની સાલમાં પહેલી વખત ટી-20નો વર્લ્ડ કપ રમાયો હતો અને એને પાયાના વર્ષ તરીકે ગણીએ તો એ વર્ષમાં કુલ 204 આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ હતી જેમાં 36 ટેસ્ટ મૅચ, 141 વન-ડે અને 27 ટી-20 મૅચ સામેલ હતી. ટી-20 ફૉર્મેટની ત્યારે હજી શરૂઆત જ થઈ હતી એટલે 27 ટી-20 આખા વર્ષમાં રમાઈ હતી. સમય જતાં ટેસ્ટ અને વન-ડે મૅચોની સંખ્યા ઘટતી ગઈ અને ટી-20નું પ્રભુત્વ વધતું ગયું.
આજે હાલત એવી છે કે ટેસ્ટ ક્રિકેટ જાણે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. 2026નું વર્ષ હજી અડધું પણ નથી થયું એટલે 2025ની સાલના આંકડા ધ્યાનમાં લઈએ તો એ વર્ષમાં (પુરુષો અને મહિલાઓ, બન્ને વર્ગમાં) કુલ મળીને 1,263 આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ હતી જેમાં ફક્ત 12 ટેસ્ટ મૅચ હતી, 97 વન-ડે હતી અને અધધધ...1,154 ટી-મૅચ હતી. તમે જુઓ કે ટેસ્ટ મૅચનું પ્રમાણ હવે કેટલું બધુ ઘટી ગયું છે. વન-ડે મૅચોની સંખ્યા પણ હવે સદી નથી વટાવી શકતી, જ્યારે ટી-20 મૅચોએ 1,000નો આંકડો વટાવી દીધો છે.
આ લેખનો મૂળ મુદ્દો એ છે કે હવે આઇપીએલનો વ્યાપ વધવાનો છે. હાલમાં એક સીઝનમાં 74 મૅચ રમાઈ છે, પણ 2028ની સાલથી એક સીઝનમાં 94 મૅચ રાખવાની યોજના વિચારાઈ રહી છે. વર્ષોથી આ લોકપ્રિય ટૂર્નામેન્ટ દર વર્ષે માર્ચ-મે દરમ્યાન રાખવામાં આવે છે, પણ કહેવાય છે કે 2028થી એ કદાચ સપ્ટેમ્બર-ઑકટોબર દરમ્યાન રમાશે. એવી પણ વાત છે કે આઇપીએલને વર્ષમાં બે તબક્કામાં વહેંચી દેવામાં આવશે.
મૂળ વાત એ છે કે જો હાલમાં જ પોણાબે મહિનાની આઇપીએલ અને અન્ય અનેક દેશોની લીગ ટૂર્નામેન્ટોને કારણે વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય મૅચોની સંખ્યા ઘટી ગઈ છે ત્યારે હવે એક સીઝનમાં મૅચની સંખ્યા 74થી વધારીને 94 કરવામાં આવશે એટલે આ ટૂર્નામેન્ટ પોણાબે મહિનાને બદલે લગભગ અઢી મહિનાની થઈ જશે.
જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તરફથી સમયગાળો લંબાવવા વિશેની મંજૂરી મળશે તો જ વાત આગળ વધશે. સામાન્ય રીતે આઇપીએલના પોણાબે મહિના દરમ્યાન ખાસ કોઈ જ મોટી આંતરરાષ્ટ્રીય મૅચો કે સિરીઝો નથી રમાતી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો (જેના ખેલાડીઓને ભારતે જાકારો આપ્યો છે)ની સિરીઝ રમાતી હોય છે.
આઇપીએલનો વ્યાપ વધશે તો અન્ય દેશો પણ પોતાની ટૂર્નામેન્ટોને ફેલાવવાનો અને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરશે. એમાં પાયમાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જ થઈ જશે, કારણકે લીગ ટૂર્નામેન્ટનું વેઇટેજ વધી જશે એટલે વધુને વધુ ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરથી ધ્યાન હટાવીને કરોડો રૂપિયા કમાવી આપતી લીગ ટૂર્નામેન્ટને જ મહત્ત્વ આપશે.
ઑસ્ટે્રલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ), વેસ્ટ ઇન્ડિઝની કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ), ઇંગ્લૅન્ડની (100-100 બૉલવાળી) ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ, સાઉથ આફ્રિકાની એસએ20, યુએઇની આઇએલટી20, શ્રીલંકાની શ્રીલંકા પ્રીમિયર લીગ (એલપીએલ), પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ), બાંગ્લાદેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) વગેરે લીગ ટૂર્નામેન્ટોએ વિશ્વભરના ક્રિકેટરો માટે અનેક વિકલ્પો પૂરા પાડ્યા છે એટલે વેસ્ટ ઇન્ડિઝ સહિત કેટલાક દેશોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિમુખ થઈને પ્રોફેશનલ લીગ ક્રિકેટ સાથે `હાથ મિલાવી રહ્યા' છે.
સામાન્ય રીતે ખેલાડીઓ વર્ષ દરમ્યાન કરોડો રૂપિયા અપાવતી લીગ ટૂર્નામેન્ટોમાં રમીને મોટા ભાગની શારીરિક અને માનસિક ઊર્જા વાપરી નાખતા હોય છે જેની સીધી વિપરીત અસર તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પડતી હોય છે.
આવું ચાલુ જ રહેશે તો વર્ષ દરમ્યાન ટી-20 ફૉર્મેટના માહોલમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોની સંખ્યા વધતી જશે, પણ ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટ વધુ સંકોચાતું જશે. ખાસ કરીને દ્વિપક્ષી સિરીઝોની સંખ્યા ઘટતી જશે. બીજું, ખેલાડીઓ લીગ ટૂર્નામેન્ટોમાં રમીને થાકી જશે અથવા ઈજા પામશે એટલે આંતરરાષ્ટ્રીય મૅચોમાં રમવાનું ટાળશે અથવા એમાંથી નિવૃત્તિ જ લઈ લેશે. ફૂટબૉલમાં દાયકાઓથી આવું જ બને છે.
ચૅમ્પિયન્સ લીગ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગ તેમ જ મેજર લીગ સૉકર અને ફ્રેન્ચ લીગ વગેરે અનેક લીગ ટૂર્નામેન્ટો વર્ષ દરમ્યાન રમાતી હોવાથી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની હાજરી ઘટી ગઈ છે. એમાં પણ ખ્યાતનામ ફૂટબોલર મોટી-મોટી લીગમાં રમતા હોવાથી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ઇવેન્ટ વખતે પોતાના દેશની ટીમ માટે ઉપલબ્ધ નથી હોતા અથવા તો ઈજાગ્રસ્ત હોય છે એટલે નથી રમી શકતા. ફૂટબૉલનો ફિફા વર્લ્ડ કપ ચાર વર્ષે રમાય ત્યારે દિગ્ગજ ખેલાડીઓ પોતાના દેશની ટીમની નજીક આવે અને વિશ્વ કપ પૂરો થાય એટલે ચાર વર્ષ સુધી ફરી લીગ ટૂર્નામેન્ટો રમવામાં વ્યસ્ત થઈ જાય.