મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 બાદ માર્ચના છેલ્લા અઠવાડિયામાં ક્રિકેટના મહાકુંભ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થશે. IPLની 19મી સીઝનનું શેડ્યુલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, એવામાં અહેવાલ છે કે IPL ગવર્નિંગ કાઉન્સિલ બે તબક્કામાં શેડ્યુલ જાહેર કરી શકે છે.
નોંધનીય છે એપ્રિલ અને મે મહિનામાં આસામ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, જેને ધ્યાનમાં રાખીને IPL 2026ના શેડ્યુલની બે તબક્કામાં જાહેરાત કરવામાં આવી શકે છે.
બે તબક્કામાં જાહેર થશે શેડ્યુલ:
અહેવાલ મુજબ 6 કે 7 માર્ચના રોજ પ્રથમ તબક્કાના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ IPL 2026 માટે બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થઇ શકે.
સોમવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની એક ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી, આ દરમિયાન IPLની 19મી સિઝનનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલા તબક્કામાં લગભગ શરૂઆતના 13 થી 14 દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે.
બેંગલુરુમાં યોજાશે ઓપનીંગ મેચ:
અહેવાલ મુજબ IPL 2026ની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમશે, પરંપરા મુજબ, ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડમાં ઓપનિંગ મેચનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટાઈટલ જીતી હતી.
ગત વર્ષે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBના વિક્ટરી સેલિબ્રેશન દરમિયાન મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતાં, ત્યાર બાદ આ સ્ટેડીયમમાં IPL 2026 ની મેચ રમશે કે નહીં એ નક્કી ન હતું.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને મેચ રમવા મંજુરી આપી હતી, RCBએ મંગળવારે પુષ્ટિ કરી કે તેઓ આ સ્ટેડિયમ પાંચ મેચ રમશે.
ફ્રેન્ચાઇઝીઓને તૈયારી કરવા મેસેજ:
BCCI ના કાર્યકારી CEO અને IPL ના COO હેમાંગ અમીને તાજેતરમાં ફ્રેન્ચાઇઝીઓને મોકલેલા એક લેટરમાં જણાવ્યું હતું કે પ્રેક્ટિસ સેશન માટે ગાઈડલાઈન્સ આવતા અઠવાડિયે શેર કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝીઓને આગામી દિવસોમાં વિદેશી ખેલાડીઓ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જાહેર કરવા જણાવવામાં આવ્યું છે.