નવી દિલ્હી: આજે 1લી એપ્રિલના રોજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ છે, પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષ છતાં ભારતમાં ઇંધણના ભાવમાં હજુ સુધી મોટો વધારો કરવામાં આવ્યો ન હતો. આજે ભારતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે, પરંતુ પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)એ પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. IOCLએ તેના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 11 રૂપિયાનો વધારો નોંધાયો છે, દિલ્હીમાં XP100 પેટ્રોલનો ભાવ હવે 160 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે, જે અગાઉ 149 રૂપિયા હતો. જયારે Xtra Green પ્રીમિયમ ડીઝલનો ભાવ 92.99 રૂપિયા પ્રતિ લિટર કરવાનમાં આવ્યો છે, જે પહેલા 91.49 રૂપિયા હતો.
XP100 એ 100-ઓક્ટેન પેટ્રોલ છે, જે પ્રીમીયમ કાર અને સુપરબાઈક માટે વધુ સારું એન્જિન પરફોર્મન્સ આપે છે.
IOCLએ આ ભાવ વધારાનાં પછાળના કારણો અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ દેખીતે રીતે પશ્ચિમ એશિયમાં સંઘર્ષને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવામાં આવ્યો હોઈ શકે છે.
કેન્દ્ર સરકારે રાહત આપી:
અગાઉ, 27 માર્ચના રોજ કેન્દ્ર સરકારે નિયમિત પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જેને કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતીય ઇંધણ કંપનીઓને ભાવ સ્થિર રાખવામાં મદદ મળી હતી.
ATFભાવ બમણા:
નોંધનીય છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ બમણા કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આ ભારતીય એરલાઇન્સ માટે આ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગત મહીને ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.