માવજી મહેશ્વરી
‘સારું થયું કે એ બનાવો બન્યા એ વખતે હું નાની હતી. કેટલુંક અણસમજમાં ગયું. તે દિવસે ઘરમાં મોટા પાયે ડ્રામા થયો. મને તેડી ઊભેલી મમ્મી ચૂપ હતી. તે બિચારી આમેય સરળ સ્ત્રી હતી. કોઈ આંટીઘૂંટીમાંથી પસાર થઈ નહોતી. પપ્પાએ એને જે પ્રશ્ન કર્યો હતો તેનો જવાબ આપવો એટલે એક રીતે કોઈ પણ સ્ત્રીની પરીક્ષા બરાબર હતો. મારા પપ્પા ગુસ્સામાં શું બોલી ગયા હતા તેની એમને જ ખબર નહોતી. મમ્મીના ગળામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા, ‘હાં યે બચ્ચી ઈનીકી હી હૈ.’
‘આપ કહાં રહતી થી? મતલબ આપકે પિતાજી કહાં રહતે હૈં ઔર ક્યા કરતે હૈં?’ કોઈ પોલીસ અધિકારીની જેમ મારા પપ્પાના નાના સાળાએ પૂછ્યું. મારી માનો ચહેરો ઉતરી ગયો. સનત આપણે ભલે ન સ્વીકારીએ પણ ગરીબી એક ગાળ છે. મમ્મી જેમની સામે ઊભી હતી તે રહીશ ગણાતા લોકો હતા. પપ્પા સમજી ગયા. તેમણે પોતાના સાળા સામે કતરાતી આંખે જોતાં કહેલું, ‘એ માણસ છે એટલું પૂરતું નથી લાગતું? જીવવાનો અધિકાર ફક્ત શાહુકારો અને ઊંચી ગણાતી જાતિના લોકોને જ છે?’
‘તમે ક્યાં ભરાયા છો તેનો અંદાજ તમારા જવાબ પરથી આવી જાય છે. પણ કહો તો ખરા કે તમે કયા ખાનદાનમાંથી પરણી આવ્યા છો?’
‘રમણીક ખાનદાની લોહીમાં હોય છે. પૈસા ખાનદાનીની ઓળખ નથી. હા, ગંગાના પપ્પા કરિયાણાની દુકાન ચલાવે છે.’
‘વાહ, મણિરામ ઝવેરીના દીકરાએ શું પરિવાર શોધ્યો છે. તમે કહો છો કે આ છોકરી તમારી છે એટલે લફરું જૂનું હતું એમ જ ને ?’
‘રમણીક હજુય કહું છું કે મોં સંભાળીને વાત કર. મેં લફરું નથી કર્યું. કાયદેસર પરણીને ઘરમાં લાવ્યો છું સમજ્યો?’
‘એનો અર્થ એ થયો કે અમારી બેનની હયાતીમાં જ તમારું ચક્કર ચાલું હતું ને ?’
‘હા, હતું બોલ. શું કરી લઈશ તું?’ પપ્પાનો ટોન બદલાયો.
‘ક્યારથી ચૂપ બેસી રહેલા પપ્પાના મોટા સાળાએ અચાનક જોરથી કહ્યું. ‘જસ્ટ અ મીનીટ. અમે શું કરી લઈશું એમ? મિસ્ટર તમે ભૂલી જાઓ છો કે મારી બેનનું મૃત્યુ એક જ દિવસની બીમારીમાં થયું છે. તમે શંકાના દાયરામાં જ છો.’
‘હા, તો જાવ પોલીસ સ્ટેશને અને ફરિયાદ નોંધાવો કે મેં તમારી બહેનનું મર્ડર કરી નાખ્યું છે. સારું ને અમે બાપ દીકરો બેય સાથે જેલમાં જઈશું. કારણ કે, કમલાનું મૃત્યુ થયું ત્યારે પપ્પાય સાથે હતા. તો એ પણ કાવતરાના ભાગીદાર ગણાય ને?’
‘પપ્પા જે બોલ્યા તે સાંભળી બે ઘડી બંને ભાઈઓ ચૂપ થઈ ગયા. વાત જુદી દિશામાં ફંટાતી હતી. રમણીક આવેશમાં આવીને આવું કોઈ પગલું ભરી બેસે તો ન થવાનું થાય. દાદા મારા પપ્પાથી સખત નારાજ હતા છતાં તેમણે પપ્પાના પક્ષમાં આવવું પડ્યું. તે ઊભા થઈને બોલ્યા, રમણીક તારો ગુસ્સો વાજબી છે. છતાં શાંતિથી વાત થઈ શકે છે. અને જીતુભાઈ તમે જે કહો છો તે વાત જરાય યોગ્ય નથી.
એકાએક નાથદ્વારા જવાની વાત કમલાએ જ કહી હતી. મેં વહુને હાથ જોડ્યા હતા. કે ડૉકટર પાસે ચાલો. પણ તે એકના બે ન થયા. વિશ્વાસ ન આવતો હોય તો હોટેલના મેનેજર પાસે હું તને તેડી જાઉં. એ અજાણ્યા માણસે પણ વહુને વિનંતી કરી હતી કે દવા લઈ લ્યો, તમારું શરીર બરાબર નથી. પણ તમારી બેનને પોતાના શરીર કરતાં ભગવાન અને પોતાની ટેક વહાલી હતી. અરે મોહન તો જવાય તૈયાર નહોતો. મારા કહેવાથી જ આવ્યો હતો. દીકરા ગમે તેમ બોલી ન નાખીએ. તમે વાત કરવા આવ્યા છો તો શાંતિથી બેસો. જે બે બોલ કહેવા જેવા હોય તે કહો ભાઈ. આ તમારો બનેવી છે, કોઈ દુશ્મન નથી. ’
‘બાપુજી મોહનલાલ અમારા બનેવી હતા, હવે નથી અને તમે જે કહી રહ્યા છો તે અમે ન સમજીએ તેવા મૂરખ નથી.’
સોનલે શ્વાસ ખાધો. વાત એકદમ રોમાંચક સ્થિતિમાં જઈ રહી હતી. તે કંઈ પૂછે તે પહેલા જ સોનલ બોલી ‘સનત એ વખતે મારી મમ્મીની સ્થિતિ સૌથી ખરાબ હતી. કારણ કે જે ચર્ચા થઈ રહી હતી તેના કેન્દ્રમાં મમ્મી હતી. તેણે કોઈ ગુનો કર્યો હોય તેમ ધ્રુજતી ઊભી હતી. પપ્પા સમજી ગયા કે ગંગા અત્યારે ગીલ્ટી મહેસૂસ કરી રહી હશે. તેમણે મમ્મીને ઉદ્દેશીને કહ્યું. ‘તુમ ઘબરાઓ મત. જો કુછ કિયા હૈ વો મૈને કિયા હૈ. જવાબ મૈં દૂંગા.’
મમ્મીએ માથે ઓઢવાનું સરખું કર્યું અને ખુરશી પર બેસી ગઈ. મારાજ ચા કપમાં રેડવા લાગ્યો. પપ્પાના નાના સાળાએ કહ્યું, ‘રહેવા દયો મારાજ અમારી ચા ન ભરતા. હવે આ ઘરનું પાણી પણ ન જોઈએ.’
‘ઓકે. તમારે કરવું છે શું એટલે મને સમજ પડે.’ પપ્પાએ ઠંડકથી કહ્યું.
નાના સાળા રમણીકે કહ્યું, અમે કોઈને મોં બતાવવા જેવા નથી રહ્યા. મોટાભાઈએ પુષ્પાની વાત મૂકી ત્યારે જ તમારે કહી દેવું જોઈતું હતું કે, તમારે બીજી ઘરવાળી પણ છે. તમારી છોકરી બે વર્ષની થઈ ગઈ ત્યાં સુધી કોઈને ખબર પડવા ન દીધી. હવે કોને કોને કહેશો કે આ છોકરી તમારી જ છે. રમણીકની વાત સાંભળી પપ્પાએ કંઈક ટીખળી અંદાજમાં દાદા સામે જોયું. પછી એકદમ હસી પડ્યા. એ જોઈ મારા પપ્પાનો મોટો સાળો રીતસર અકળાઈ ગયો. તેણે છાસિયું કરતાં કહ્યું, ‘અમારા હૈયામાં હોળી બળે છે અને તમને હસવું આવે છે? જો નાક જેવું હોય તો ડૂબી મરો.’
‘જીતુભાઈ મને નાક અને મોઢું બેય છે. મેં ગંગા સાથે લગ્ન કર્યા એ વાતની બાપુજીને ખબર નહોતી એમ તમે માનો છો? આ સોનલના જન્મનો ફોન એમણે જ રિસીવ કર્યો હતો.’
દાદાની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. એ સ્થિતિ દાદા માટે શરમજનક હતી. દાદા પપ્પા ઉપર અંદરથી ઉકળી ઉઠ્યા હતા. પણ તે સમયે તે નીચુ જોઈને બેસી રહ્યા. મોટા સાળાએ દાદા સામે જોતાં કહેલું, ‘બાપુજી તમારો આ સુપુત્ર શું કહે છે?’
દાદાએ હિંમત દાખવીને કહ્યું, ‘હા એ સાચું કહે છે.’
જાણે કોઈએ સળગતો કાકડો ફેંક્યો હોય તેમ બેઉ ભાઈઓએ દાંત ભીંસી લીધાં. રમણીકે કહ્યું. ‘મોટાભાઈ હવે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. બાપુજી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, હવે અમારા બેય ભાણેજ આ ઘરમાં નહીં રહે. તેમને અમારી સાથે લઈ જઈશું.’
દાદાએ થોડીવાર પહેલા થયેલા અપમાનને ભૂલી હિંમતભેર કહી નાખ્યું, ‘એ નહીં બને. તમારે મામાની ફરજ નીભાવવી હોય તો નીભાવજો અને સંબંધ ન રાખો તોય મને વાંધો નથી. હું ક્યારથી તમારી લવારી સાંભળી રહ્યો છું.’
‘અમે તમારું કોઈ અપમાન નથી કર્યું. અમે નથી ઈચ્છતા કે અમારી બેનના દીકરા ગમે તેવી સ્ત્રીના હાથ નીચે મોટા થાય.’
‘મિસ્ટર કંટ્રોલ યોર લેંગ્વેજ. ગમે તેવી સ્ત્રી એટલે શું? આ મારી પત્ની છે. અને પેલા બેય મારા છોકરા છે. તમારે કોર્ટમાં જવું હોય તો છૂટ છે. ઈટસ ઈનફ એન્ડ યુ મે ગો નાઉ.’ ગંગા ચાલ તને આપણું ઘર બતાવું. પપ્પા આટલું કહીને મમ્મીનો હાથ પકડી ચાલી ગયા.
આ બધી ચર્ચા દરમિયાન મમ્મી ફફડતી બેસી રહેલી. એક તો એને ગુજરાતી ઓછી સમજમાં આવતી હતી. એટલું તો સમજી જ હતી કે આ બધી રામાયણ પોતાના અહીં આવવાથી સર્જાઈ છે. મારી મમ્મી ખરેખર એટલી ઊંચી સ્ત્રી હતી કે તેણે ઓરડામાં પપ્પાની બાંય પકડીને બેસાડી દેતાં કહેલું, ‘આ બધું મારા કારણે જ થયું છે ને? ચાલો મને પાછી મૂકી આવો. મને કંઈ નથી જોઈતું. હું જ્યાં હતી ત્યાં સુખી હતી. તમે મારા છો એટલું મારા માટે પૂરતું છે. બસ આ છોકરીને ખાતર મોં બતાવતા રહેજો. મને જયપુર મૂકી આવો.’
સોનલની આંખોમાં પાણી આવી ગયા. ‘માય મોમ વોઝ ગ્રેટ. સનત શી વોઝ ડીફરન્ટ લેડી.’ કેટલીય મૌન ક્ષણો પસાર થઈ ગઈ. સોનલે બેય હથેળીઓથી ગાલ પર સરેલાં આંસુ લુછ્યાં અને સનત સામે જોઈને સ્મિત કરતાં બોલી, ‘સોરી મારી મમ્મીની યાદ આવી ગઈ. હું મને રોકી ન શકી.’
‘ઓકે. બટ વ્હોટ હેપેન્ડ ધેન યોર મધર્સ ટોક.’
‘મારી મમ્મીએ રીતસર પપ્પાને હાથ જોડ્યા. મમ્મીના આંસુ જોઈ પપ્પા ખળભળી ગયા હતા. પપ્પાએ મમ્મીને બાથમાં લીધી અને મારા માથા પર હાથ ફેરવતા બોલ્યા, ‘ગંગા તું હવે આ ઘરની માલિક છો. હું તને ઉપાડી નથી આવ્યો. તારી સાથે લગ્ન કર્યા છે. આપણી સોનલ અહીં રહેશે અને આપણા બેય દીકરા પણ આપણી સાથે રહેશે. એમને જે કરવું હોય તે કરી લે.’ પપ્પા મમ્મીની બાજુમાં બેસી રહ્યા. પપ્પાના ગયા પછી એમના સાળાઓને વાત કરવા માટે મુદ્દો માત્ર એક જ હતો કે તે પોતાના ભાણેજાને લઈ જવા માગે છે.
દાદાએ એમને ઘણું સમજાવ્યા પણ તેઓ કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતા. નાના રમણીકે તો એટલે સુધી કહી નાખ્યું કે ‘અમારી બેનના છોકરા હવે અહીં સલામત નથી. આ સ્ત્રી એમને મારી ન નાખે તેની શું ખાતરી?’ જોકે એ વાત મારી મમ્મીની હાજરીમાં ન થઈ એટલું સારું હતું. નહીંતર એ લાગણીશીલ સ્ત્રી એજ વખતે મરી ગઈ હોત. સામે દાદા પણ મક્કમ રહ્યા કે છોકરા તો અહીં જ રહેશે. અમે અમારા છોકરા તમને કોઈ કાળે નહીં આપીએ.
દાદાની મક્કમતા જોઈને મોટા જીતેન્દ્રને લાગ્યું કે વાત પેચીદી બની રહી છે. પોતાનાથી કાયદાનો આશરો પણ લેવાશે નહીં. મોટા સાળાએ નીચલી વાટ લીધી. તેણે દાદાને સમજાવ્યું કે, ‘તમે હમણા બેય છોકરાને અમારી પાસે રહેવા દ્યો. તેઓ થોડા મોટા થાય, બધું સમજતા થાય તે પછી અમે સામેથી તમારી પાસે મૂકી જશું. અમને તમારા છોકરા જોઈતા નથી. પણ અમારી લાગણી એવી છે કે, અમારા ભાણેજા અમારી સાથે રહે.’ દાદાએ નવો પાસો ફેંક્યો, ‘જો મોહન હા પાડતો હોય તો મને વાંધો નથી.’
દાદાની વાત સાંભળી બેય ભાઈઓ મુંઝાયા. તેમને ખબર હતી કે પપ્પા હા પાડવાના જ નથી. વાત ખાસ્સી ચુંથાઈ. આખરે એવું નક્કી થયું કે દાદા પપ્પાને સમજાવે અને તેઓ કહે ત્યારે બંને ભાઈઓને લઈ જશે. સનત જોજો ખેલ કેવા થયા છે. તે સાંજે દાદાએ પપ્પાને શાંતિથી સમજાવ્યું. વાત કોર્ટ કચેરીએ પહોંચે તો નાહકની ફજેતી થશે તે વાત પણ હળવેકથી કહી દીધી. પપ્પા પણ ખેલાડી છે. તેમણે કહી દીધું, ‘ઓકે તમે કહેતા હો તો ભલે એ પોતાની પાસે રાખે. પણ આખી ટર્મ કન્ડીશન લેખીત થશે.
કાલે ઊઠીને એમનો ઈરાદો બદલે તો મને મુશ્કેલી થાય.’ દાદાને પણ વાત સાચી લાગી સનત વિચાર કરો. મારા પપ્પાએ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું. તે પ્રમાણે વધુમાં વધુ બેય ભાઈઓ બારમું ધોરણ પૂરું કરે ત્યાં સુધી મામા પાસે રહી શકશે. વચ્ચે એમની ઈચ્છા થાય ત્યારે આવી શકશે પપ્પાએ લખાણમાં એવોય ઉલ્લેખ કરાવ્યો કે છોકરાના મોસાળપક્ષની કોઈ વ્યક્તિ છોકરાઓ બાબતે મોહનલાલ મણિરામ ઝવેરી પરિવાર પાસે કોઈ પ્રકારનું વળતર માગશે નહીં, કે એવી ચર્ચા પણ કરશે નહીં. વકીલની હાજરીમાં એ બેય ભાઈઓએ લખાણ પર સહી કરી.
તે પછી પંદર દિવસમાં જ મારા ભાઈઓને એમના મામા સુરત લઈ ગયા. એ દિવસે ઘરમાં કોઈએ ખાધું નહોતું. દાદા ચૂપ થઈ ગયા હતા. મારી મમ્મીની કસોટી શરૂ થઈ ગઈ હતી. અને સાથે દાદાની જાણ બહાર જ તેમના હૈયાના તાંતણા મારી સાથે જોડાતા જતા હતા. (ક્રમશ:)