Mon Aug 24 2026

Logo

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો, INS તારાગિરી અરિદમન નૌકાદળમાં સામેલ

2026-04-03 15:14:00
Author: Chandrakant Kanoja
Article Image

વિશાખાપટ્ટનમ: ભારત સંરક્ષણ ક્ષેત્રને સતત મજબૂત બનાવી રહ્યું છે. આ જ ક્રમમાં આજે ભારતની નૌકાદળની તાકાતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત, અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS  તારાગિરી  અને INS અરિદમનને નૌકાદળમાં સામેલ કર્યા છે.  આ સમારોહમાં CDS જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી અને અન્ય વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા.

INS તારાગિરી બ્રહ્મોસ અને સુપરસોનિક મિસાઇલોથી સજ્જ

આ સમારોહમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, INS તારાગિરીના સામેલ કરાતા ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થયો છે. INS તારાગિરી બ્રહ્મોસ અને સુપરસોનિક મિસાઇલોથી સજ્જ છે. તેમજ  ઇતિહાસ સાક્ષી છે કે કોઈપણ રાષ્ટ્રને તેની નૌકાદળ ક્ષમતાઓને મજબૂત કર્યા વિના શક્તિશાળી ગણી શકાય નહીં.

દરિયાઈ ક્ષેત્ર સાથેનો આપણો સંબંધ વધુ મજબૂત બન્યો

આ ઉપરાંત સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ શહેર પોતે જ ભારતની દરિયાઈ શક્તિનું સાક્ષી રહ્યું છે. તેથી વિશાખાપટ્ટનમથી INS તારાગિરીને કાર્યરત કરવું એ ખરેખર એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આપણા સાંસ્કૃતિક વારસાથી લઈને સમકાલીન વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ સુધી  સમુદ્ર હંમેશા ભારતનો માર્ગ નક્કી કરે છે. ભારતે હંમેશા સમુદ્ર સાથે એક અનોખો સબંધ રહ્યો છે. તેમજ દરિયાઈ ક્ષેત્ર સાથેનો આપણો સંબંધ વધુ મજબૂત બન્યો છે.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ

તેમણે ઉમેર્યું, આપણે ફક્ત આપણા દરિયાકાંઠાનું રક્ષણ કરવા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ.તેના બદલે, આપણે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો, ચોક પોઇન્ટ્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ જે આપણા રાષ્ટ્રીય હિતોનો અભિન્ન ભાગ છે. મને એ જણાવતા  આનંદ થાય છે કે ભારતીય નૌકાદળ આ તમામ સુરક્ષા પ્રયાસોમાં સક્રિયપણે રોકાયેલું છે."