Sat Sep 05 2026

Logo

ઇન્ડિગોનો મોટો નિર્ણય, હોંગકોંગ- શાંઘાઈ સહિત છ રુટ પર ફ્લાઇટ ઓપરેશન બંધ કર્યું

2026-06-05 16:27:37
Author: Chandrakant Kanoja
ઇન્ડિગોનો મોટો નિર્ણય, હોંગકોંગ- શાંઘાઈ સહિત છ રુટ પર ફ્લાઇટ ઓપરેશન બંધ કર્યું

નવી દિલ્હી : ઇન્ડિગોએ સતત વધી રહેલા જેટ ફ્યુલના ભાવ અને ઓપરેશન ખર્ચના લીધે  હોંગકોંગ, શાંઘાઈ અને હો ચી મિન્હ સિટી સહિત છ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આ રુટ પર જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

આ નિર્ણય હજારો મુસાફરોને અસર કરશે 

ઇન્ડિગોએ વધતા સંચાલન ખર્ચ, મુસાફરોની ઓછી સંખ્યા અને વૈશ્વિક પડકારો વચ્ચે એરલાઇને આ પગલું ભર્યું છે. આ નિર્ણય હજારો મુસાફરોને અસર કરી શકે છે. જેમણે જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે આ સ્થળોએ મુસાફરી કરવાનું આયોજન કર્યું હતું.

આ અંગે ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, હોંગકોંગ, શાંઘાઈ, હો ચી મિન્હ સિટી, લેંગકાવી અને ક્રાબીની ફ્લાઇટ્સ 1 જુલાઈ, 2026 થી બંધ કરવામાં આવશે. જ્યારે  કંબોડિયાના સીએમ રીપની સેવાઓ 3 જુલાઈથી સ્થગિત કરવામાં આવશે જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.

ફ્લાઇટ ઓપરેશન મુશ્કેલ અને ખર્ચાળ બન્યા

આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે ફ્લાઇટ ઓપરેશનનો ખર્ચ વધી રહ્યો છે. તેમજ યુદ્ધના લીધે  વિવિધ દેશોમાં એરસ્પેસ પરના નિયંત્રણો અને બદલાતી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ફ્લાઇટ ઓપરેશન મુશ્કેલ અને ખર્ચાળ બંને બન્યા છે. તેથી  એરલાઇન્સને તેમના રૂટ અને ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.

આ નિર્ણય કાયમી નથી

જ્યારે ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય કાયમી નથી. કંપનીએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર, 2026 થી તમામ અસરગ્રસ્ત રૂટ માટે બુકિંગ ફરી શરૂ થશે. જોકે, જો બજારની સ્થિતિ અને મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો  ફ્લાઇટ્સ વહેલી શરૂ કરી શકાય છે.