Tue May 19 2026

Logo

ભારતીય રેલવેનો મોટો નિર્ણયઃ રાજધાની સહિત પ્રીમિયમ ટ્રેનના ચક્કરમાં સુપરફાસ્ટ ટ્રેનોને રોકાશે નહીં...

2026-05-19 20:25:20
Author: Mumbai Samachar Team
Article Image

VIP ટ્રેનોના ચક્કરમાં લોકલ-સુપરફાસ્ટ ટ્રેનો મોડી પડતી અટકશે; રેલવે લાવ્યું નવી હાઈટેક 'સ્લોટ સિસ્ટમ'

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતા યાત્રીઓ માટે એક મોટી અને મહત્ત્વની ખબર આવી છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, જ્યારે કોઈ ટ્રેક પર વંદે ભારત, રાજધાની એક્સપ્રેસ કે શતાબ્દી જેવી પ્રીમિયમ તથા લાંબા અંતરની ટ્રેન આવે છે તો એની પાછળ દોડી રહેલી સામાન્ય એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનને લૂપ લાઈનમાં હોલ્ટ આપી દેવાય છે, જેથી પ્રવાસીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

પણ હવેથી આવું નહીં થાય. વીઆઈપી ટ્રિટમેન્ટના ચક્કરમાં સામાન્ય પ્રજાની ટ્રેન સમયસર સ્ટેશન કે જંક્શન સુધી પહોંચી શકતી નથી. ભારતીય રેલવેએ સૌથી મોટો નિર્ણય લેતા આ ભેદભાદ કાયમી ધોરણે ખતમ કરી નાખ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારે પ્રીમિયમ ટ્રેનોનું કદ તો વેતરી નાખ્યું ને જાણીએ રેલવેનું લોજિક.

હાઈટેક સિસ્ટમ લાગુ થશે

રેલવે મંત્રાલય તરફથી એક એવી હાઈટેક સિસ્ટમ લાવવામાં આવી રહી છે, જેનાથી વીઆઈપી ટ્રેનને રસ્તો આપવા માટે કોઈ સામાન્ય કે રેગ્યુલર-લોકલ ટ્રેનને રોકવી નહીં પડે. રેલવેના એક ઉચ્ચ અધિકારી જણાવ્યું હતું કે, અત્યાર સુધી રેલવેનું ટાઈમટેબલ પ્રાયોરિટી પર હતું જેમાં પ્રીમિયમ ટ્રેનને પહેલા રસ્તો આપવામાં આવતો હતો,

એક નવા પ્રસ્તાવ અંતર્ગત હવે ટ્રેનની સ્પીડના હિસાબથી ગ્રૂપ અનુસાર એટલે કે કંબાઈન સ્લોટમાં ટ્રેનને સિગ્નલ અપાશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત પહેલા સ્લોટમાં 130થી 160 કિમી/કલાકની સ્પીડથી દોડનારી ટ્રેનને 5થી 10 મિનિટના ટાઈમ ગેપ પર સુરક્ષાને ધ્યાને લઈને રવાના કરવામાં આવશે, વંદે ભારત,રાજધાની એક્પ્રેસ, યોગક્રાંતિ અને શતાબ્દી જેવી ટ્રેન આ લિસ્ટમાં આવે છે. 

રાહ જોવાનો સમય ખતમ

બીજા સ્લોટમાં 110થી કિમી/કલાકથી દોડતી સામાન્ય એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ગણાતી ટ્રેનને આવરી લેવાઈ છે. જેને આગળ પાછળ દોડાવવા માટે સમયના ગેપ અનુસાર રવાના કરવામાં આવશે. એક સ્લોટમાં આવતી તમામ ટ્રેનની સ્પીડ એકસમાન હશે.તેથી કોઈ એક ટ્રેનની બીજી ટ્રેનની ઓવરટેક કરવા માટે કોઈ લૂપ લાઈન પર લાંબા સમય સુધી રાહ જોવાની નોબત નહીં આવે. 

આ સિસ્ટમ લાગુ કરવામાં આવતા સામાન્ય ટ્રેનની વિલંબથી પહોંચવાની વાત પર કાયમી ધોરણે પૂર્ણવિરામ લાગશે. આજે પણ એકસપ્રેસ કે સુપરફાસ્ટ ટ્રેન વીવીઆઈપી ટ્રેનના ચક્કરમાં દોઢથી બે કલાક તો ક્યારેક ત્રણ-ત્રણ કલાક સુધી મોડી પડે છે. નવી સિસ્ટમ લાગુ થતા આ સમય માત્ર 10થી 15 મિનિટ સુધીનો થઈ જશે. 

ઝોનવાઈઝ બનશે ટાઈમટેબલ

આ નવી સિસ્ટમ અંતર્ગત હવેથી જે તે જંક્શન અનુસાર ટાઈમટેબલ નવેસરથી તૈયાર કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હાવડા જેવા મહાનગરના મોટા સ્ટેશન માટેની ટ્રેનને ઝડપથી રસ્તો મળી જશે. માત્ર દિલ્હી હાવડા રૂટ પર જ 120 જેટલી ટ્રેન જુદા જુદા એપ્રોચ અંતર્ગત  દોડે છે. નવી સિસ્ટમ લાગુ થતા મોટા જંક્શન અને લાંબા અંતરની ટ્રેનને મોટી રાહત મળી રહેશે. નવા સ્લોટ અનુસાર જે તે ઝોનવાઈઝ ટાઈમટેબલ તૈયાર કરવામાં આવશે.