Mon Sep 07 2026

Logo

એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ હૉકી ટીમની જાહેરાત: હરમનપ્રીત સિંહ કરશે કેપ્ટનશીપ

2026-07-29 21:18:39
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ હૉકી ટીમની જાહેરાત: હરમનપ્રીત સિંહ કરશે કેપ્ટનશીપ

નવી દિલ્હીઃ જાપાનના આઈચી નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન ગેમ્સ માટે આજે જાહેર કરાયેલી 20 સભ્યોની પુરુષ હૉકી ટીમમાં ભારતે ફક્ત એક જ ફેરફાર કર્યો છે. ભારતે આદિત્ય અર્જુન લાલાગેના સ્થાન પર મિડફિલ્ડર રાજ કુમાર પાલને ટીમમાં સ્થાન આપ્યું છે.

આવતા મહિને યોજાનાર વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં રાજ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે એશિયન ગેમ્સમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. 15 થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ અને બેલ્જિયમ દ્વારા સંયુક્ત રીતે યોજાનાર વર્લ્ડ કપ માટે ભારતની 20 સભ્યોની ટીમમાં લાલગેનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને હૉકી ઇન્ડિયાના પસંદગીકારોએ વર્લ્ડ કપ ટીમમાં અન્ય કોઈ ફેરફાર કર્યા નથી.

સ્ટાર ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમની કેપ્ટનશીપ કરશે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત તરફથી સૌથી વધુ મેચ રમનાર અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ સહિત ઘણા અનુભવી ખેલાડીઓ ટીમનો ભાગ છે. ભારતીય ટીમમાં અનુભવ અને યુવાનોનું સારું મિશ્રણ છે.

ભારતના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું હતું કે, "એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ ખૂબ જ અનુભવી છે. અમે જાપાનમાં પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ, જ્યાં વિજેતા ટીમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. તે અમારું અંતિમ લક્ષ્ય છે."

ગોલકીપિંગ વિભાગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્સમાં જરમનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચનો સમાવેશ થાય છે. રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત, નીલકંઠ શર્મા અને વિવેક સાગર પ્રસાદ મિડફિલ્ડની જવાબદારી સંભાળશે.  જ્યારે દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ અને અભિષેક ફોરવર્ડમાં સામેલ છે.

હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની આગેવાની હેઠળ હરમનપ્રીતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. તેમને યજમાન જાપાન, કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા સાથે પૂલ-એમાં મુકવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં પુરુષોની હૉકી સ્પર્ધામાં કુલ 12 ટીમો ભાગ લેશે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહને એશિયન ગેમ્સમાં તેમની ટીમના સારા પ્રદર્શન પર વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, "યુવાન હોય કે સિનિયર, મને બધા ખેલાડીઓ પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તકોનો પૂરો લાભ લેશે. અમારું મુખ્ય લક્ષ્ય દબાણને વશ ન થવું, રમતનો આનંદ માણવો અને આપણી જવાબદારીઓને સમજવી છે.

ભારત 20 સપ્ટેમ્બરે ઇન્ડોનેશિયા સામે તેના એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 22 સપ્ટેમ્બરે શ્રીલંકા, 24 સપ્ટેમ્બરે કોરિયા, 26 સપ્ટેમ્બરે જાપાન અને 28 સપ્ટેમ્બરે બાંગ્લાદેશનો સામનો પૂલ સ્ટેજમાં કરશે.

એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ હૉકી ટીમ

ગોલકીપર્સ: મોહિત એચએસ, સૂરજ કરકેરા.

ડિફેન્ડર્સ: જરમનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ.

મિડફિલ્ડર્સઃ રાજિન્દર સિંહ, રાજ કુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકાંત શર્મા, વિવેક સાગર પ્રસાદ.

ફોરવર્ડ: દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ, અભિષેક.