Mon Jul 27 2026

Logo

અમેરિકામાં ભારતીય કેરીનો દબદબો: મેક્સિકન કેરી ભૂલ્યા ગોરાઓ, ભાવ જાણીને ચોંકી જશો!

2026-05-17 17:14:21
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેરીને અમૃતફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, હવે ભારતની કેરી સાત સમંદર પાર અમેરિકા પહોંચી છે. અમેરિકાના મહાનગર વોશિંગટનના સિએટલ વિસ્તારમાં આ અઠવાડિયે ભારતીય કેરીની એન્ટ્રી થતા એક અલગ માહોલ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, કેરી હવે માત્ર ભારતીય સ્ટોર્સ પૂરતી મર્યાદિત નથી, રિટેલ સ્ટોર કોસ્ટકોમાં પણ મળી રહેશે. ભારતીય મીઠાશની કેરી હવે અમેરિકાના બજારમાં જોવા મળશે. 

કેટલા ડૉલરમાં મળશે કેરી

મીડિયા અહેવાલ અનુસાર કેસર કેરીના ચાર પેકના પેકેટના 20 ડૉલર ભાવ અમેરિકામાં મળી રહ્યા છે. ભારતીય ચલણમાં આની કિંમત આશરે રૂ.1919 જેટલી થાય છે. આ રકમથી જો ભારતમાં કેરી ખરીદવામાં આવે તો ક્વોલિટી સાથે એટલી માત્રામાં આવી જાય કે દિવસો સુધી સ્ટોક ખતમ ન થાય. 20 ડૉલરની રકમ અમેરિકાના સિએટલ, લિનવૂડ, એડિશન અને નોર્થ બ્રંસવિક સ્ટોરમાં એકસમાન છે.

આનો સીધો અર્થ એ થયો કે ભારતની કેરી હવે અમેરિકાના ગ્રાહકો સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના સિએટલમાં ભારત કોન્સુલ જનરલ પ્રકાશ ગુપ્તાએ ભારતીય કેરીને પ્રમોટ કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા એકવર્ષથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય કેરી મોટા રિટેલ નેટવર્ક સુધી પહોંચે. 

પરિવારની યાદનો ભાગ એટલે કેરી

હવે આ મહેનત રંગ લાવી રહી છે.ભારતમાં કેરી એ કોઈ સામાન્ય ફળ નથી પણ આકરા તાપની ઓળખ છે. અનેક એવા પરિવારની યાદનો એક ભાગ છે. હવે અમેરિકામાં રહેતા ભારતીયો સહિત અન્ય લોકોને પણ આ અહેસાસ થશે. ભારત કેરીનો ઉત્પાદક દેશ છે. વૈશ્વિક ઉત્પાદનનો અડધોભાગ અમેરિકામાં આવે છે.

કેરસ, હાફુસ, દશહરી અને લંગડા જેવી કેરીની મીઠાશ અને સુગંધના કારણે આની માગ દુનિયાભરમાં રહે છે. આવી કેરીની પાછી એક અલગ ઓળખ હોય છે. હાલ તો સિએટલમાં કેસર કેરી પહોંચી છે. આવનારા દિવસોમાં કેરીના બીજા પ્રકારો પણ અહીંયા જોવા મળશે. અત્યાર સુધીમાં કેરી કેટલાક ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર સુધી સીમિત હતી. હવે સપ્લાય વધતા અન્ય સ્ટોરમાં પણ મળી રહી છે. 

ભારતીય ફળની માગ વધારે

આના પરથી એટલું કહી શકાય કે, અમેરિકાના બજારમાં ભારતીય ફળની માગ વધી રહી છે. પહેલીવાર અમેરિકામાંથી ભારતીય કેરી ખરીદનાર સ્થાનિક મહિલાએ કહ્યું હતું કે, આ કેરીની બનાવટ અને સુગંધે એની ખરીદી કરવા માટે મજબૂર કરી છે. અત્યાર સુધી મેક્સિકોની કેરી ખાધી છે હવે ભારતની કેરીનો ટેસ્ટ કર્યો, મીઠાશ માણીને ખરેખર અદભૂત લાગ્યું.

મોઢામાં એક કટકો જાય એટલે એક મખમલી અહેસાસ થાય છે. દરેક ટુકડામાં એટલો રસ કો ન પૂછો વાત. જાણે કોઈ મેંગો ફ્લેવરની નેચરલ કેન્ડી શુગર કે કેમિકલ વગર ખાઈ રહ્યા હોય એવો આ અહેસાસ છે. 4 કેરીના પેકના 20 ડૉલર થોડા મોંઘા પડી રહ્યા છે પણ સ્વાદને ધ્યાને લેતા પૈસા વસૂલ છે. હવે હું દર અઠવાડિયે એકથી બે પેકેટ સ્યોર લઈશ.