Tue Aug 25 2026

Logo

પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ઉરીમાં સેનાએ આતંકીને કર્યો ઠાર

2026-03-15 12:14:00
Author: Mumbai Samachar Team
પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ઉરીમાં સેનાએ આતંકીને કર્યો ઠાર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ભારતીય સેનાએ ફરી એકવાર મોટી સફળતા હાંસલ કરી છે. ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓના ઘૂસણખોરીના મનસૂબાને સુરક્ષાબળોએ ધૂળમાં મેળવી દીધા છે. સરહદ પારથી ભારતીય સીમામાં પ્રવેશી રહેલા આતંકીઓ સામે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત મોરચો માંડીને એક આતંકીને ઠાર કર્યો છે. આ કાર્યવાહીથી સરહદ પર સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત હોવાનો પુરાવો મળ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસને ઉરી સેક્ટરના બુછાર વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલની બાતમી મળી હતી. જેના પગલે ૧૪ અને ૧૫ માર્ચની મધ્યરાત્રિએ ભારતીય સેના અને પોલીસ દ્વારા 'ઓપરેશન DIGGI-2' શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ઘનઘોર જંગલોમાં છુપાયેલા આતંકીઓએ સેના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય જવાનોએ વળતો પ્રહાર કરતા એક પાકિસ્તાની આતંકીને ત્યાં જ ઢેર કરી દીધો હતો.

માર્યા ગયેલા પાકિસ્તાની આતંકી પાસેથી મળેલા હથિયારોનો જથ્થો જોઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આતંકીના કબજામાંથી એક એકે-47 રાઈફલ, પિસ્તોલ અને મોટી માત્રામાં જીવતો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં હથિયારોની હાજરી સૂચવે છે કે આતંકીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, ભારતીય જવાનોની સતર્કતાએ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આતંકી કાવતરાને નાકામ કરી દીધું છે.

એન્કાઉન્ટર બાદ હાલમાં પણ તે વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. બુછાર અને તેની આસપાસના જંગલ વિસ્તારોમાં હજુ પણ અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે, જેને પગલે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી છે. આધુનિક ડ્રોન અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી આખા વિસ્તારનું કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.