Sun Sep 06 2026

Logo

ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર, માવઠાની આગાહી વચ્ચે ગરમી વધી...

2026-02-25 08:57:11
Author: tejas rajapara
ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર, માવઠાની આગાહી વચ્ચે ગરમી વધી...

AI Generated Images


અમદાવાદ: દેશ વિવિધ વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ સૂર્યદેવતાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવે બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી એક સપ્તાહમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી હવે સવારે અને રાત્રે સામાન્ય ઠંડક છે, પરંતુ દિવસ દરમિયાન લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

ગુજરાતમાં ગરમીનો પારો ઉછળ્યો

ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ મહત્તમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 30 ડિગ્રીને વટાવી ગયો છે. રાજકોટ 37.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે સુરતમાં પણ 37.6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાયા હતા. અમદાવાદમાં 35.6 ડિગ્રી અને અમરેલીમાં 35.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે, જેને કારણે વાતાવરણમાં ભેજ અને બફારો વધી શકે છે.

મહારાષ્ટ્રમાં હવામાન વિભાગની ચેતવણી

મહારાષ્ટ્રમાં પણ ગરમીએ માઝા મૂકી છે. ખાસ કરીને આર્થિક રાજધાની મુંબઈમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાત્રિના સમયે પણ હૂંફાળું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કોંકણ પટ્ટી અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ વધારો થશે. સમુદ્રી ભેજને કારણે મુંબઈગરાઓને બપોરના સમયે ભારે બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

એક તરફ પશ્ચિમ ભારતમાં ગરમી વધી રહી છે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદી માહોલ છે. 25 ફેબ્રુઆરીએ અંદામાન-નિકોબારમાં તેજ પવન સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે. પહાડી વિસ્તારોની વાત કરીએ તો, 27-28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા ભાગોમાં હળવી હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, જ્યારે પંજાબ અને ઓડિશામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

રાજસ્થાનમાં બાડમેર 35 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે, જોકે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ નોંધાયો છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળમાં લાંબા સમય પછી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કોલકાતા સહિતના આસપાસના જિલ્લાઓમાં નવેમ્બર પછી પહેલીવાર વરસાદ પડ્યો છે. જોકે, IMD મુજબ હવે ત્યાં પણ આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે અને ગરમીમાં ધીમે-ધીમે વધારો નોંધાશે.