ચેન્નઈઃ ભારતે અહીં ગુરુવારે ઝિમ્બાબ્વેને ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની મહત્ત્વની મૅચમાં આસાનીથી (72 રનથી) હરાવીને સેમિ ફાઇનલની દિશામાં દોટ મૂકી હતી. ભારતે 257 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 184 રન બનાવી શકી હતી. ઓપનર બ્રાયન બેનેટ 97 રને અણનમ રહ્યો હતો. અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ મૅચ થકી રનરેટ સુધાર્યો છે અને હવે રવિવારે પણ ભારતે વેસ્ટ ઇન્ડિઝને કોલકાતામાં હરાવવું પડશે. ભારતનો રનરેટ સુધારીને -0.100 થયો છે.
અભિષેક શર્મા (30 બૉલમાં પંચાવન રન) અને કમબૅકમૅન સંજુ સૅમસન (15 બૉલમાં 24 રન) વચ્ચેની 48 રનની ઓપનિંગ ભાગીદારી સાથે ભારતના પડકારની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ ઇશાન કિશન (24 બૉલમાં 38 રન), સૂર્યકુમાર (13 બૉલમાં 33 રન), હાર્દિક પંડ્યા (23 બૉલમાં અણનમ 50) અને તિલક વર્મા (16 બૉલમાં અણનમ 44)એ પણ યોગદાન આપીને ભારતને 4/256નો પોતાનો વિક્રમજનક સ્કોર અપાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય બોલર્સે પરચો બતાવ્યો હતો.
બૅટ્સમેનોના પ્રતાપે જ ઝિમ્બાબ્વેની ટીમ માનસિક દબાણમાં આવી ગઈ હતી અને પછી ભારતીય બોલર્સે જીત આસાન બનાવી હતી. અર્શદીપની ત્રણ ઉપરાંત વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 35-35 રનમાં એક-એક વિકેટ મળી હતી.
આ મૅચ પહેલા સિંગર અનિરુદ્ધ રવિચંદરે ડાન્સર્સ સાથે સ્ટેજ પર્ફોર્મ કર્યું હતું.