Fri Jun 19 2026

Logo

'બાપુ'ને બહાર રાખતા 'બબાલ': અશ્વિને અક્ષર પટેલને ટીમની બહાર રાખવા સામે ઉઠાવ્યા સવાલ

2026-02-23 15:57:37
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ સુપર-8 મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં ભારતનો 76 રને પરાજય થયો હતો, જે હાલની ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ હાર છે. જોકે, આ હાર કરતા પણ વધુ ચર્ચા ટીમની પ્લેઇંગ ઇલેવનમાં લેવાયેલા ચોંકાવનારા નિર્ણયની થઈ રહી છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાની માફક અક્ષર પટેલને પણ બાપુથી બોલાવે છે, ત્યારે તેને બહાર રાખવાને કારણે સોશિયલ મીડિયા પર પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને અક્ષર પટેલને બહાર રાખવાના નિર્ણય સામે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા નારાજગી વ્યક્ત કરી છે. અશ્વિને જણાવ્યું કે, અક્ષર પટેલ ભારત માટે T20 ફોર્મેટમાં 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) રહ્યો છે. લેફ્ટી બેટ્સમેન સામે વોશિંગ્ટન સુંદરને રમાડવાની રણનીતિ યોગ્ય હોઈ શકે, પરંતુ અક્ષર પટેલ જેવા મેચ-વિનરના યોગદાનને નજરઅંદાજ કરવાનું ટીમને ભારે પડ્યું છે. અશ્વિને જૂની યાદો તાજી કરતા કહ્યું કે, મુશ્કેલ સમયે અક્ષરે હંમેશાં બેટિંગ અને બોલિંગ કરી બંને બાજુથી ટીમ માટે કમાલ કરે છે.

બીજી તરફ, ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે મેનેજમેન્ટના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે પાવરપ્લેમાં બોલિંગ અને લેફ્ટી બેટ્સમેનો સામે સુંદર વધુ સારો વિકલ્પ હતો. જોકે, મેચના પરિણામો કંઈક અલગ જ સ્ટોરી કહી રહ્યા છે. વોશિંગ્ટન સુંદર માત્ર 2 ઓવર ફેંકી શક્યો જેમાં તેણે 17 રન આપ્યા અને બેટિંગમાં પણ તે માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગયો. આ નિષ્ફળતા બાદ હવે અક્ષર પટેલની ખોટ ટીમ અને ફેન્સને વધુ વર્તાઈ રહી છે.

સાઉથ આફ્રિકા સામેના મોટા ટાર્ગેટનો પૂરો કરતી વખતે જ્યારે ભારતીય વિકેટો સતત પડી રહી હતી, ત્યારે મેચ વચ્ચે ઓવરોમાં અક્ષર પટેલ જેવા અનુભવી ઓલરાઉન્ડરની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અક્ષર પટેલ ન માત્ર રન રોકવામાં માહિર છે પરંતુ જરૂર પડ્યે વિરાટ કોહલી જેવા દિગ્ગજો સાથે ભાગીદારી કરી ટીમને મુસીબતમાંથી બહાર કાઢવાની ક્ષમતા પણ ધરાવે છે. આ રણનીતિક ભૂલને કારણે ટીમમાં સંતુલનનો અભાવ જોવા મળ્યો હતો.

ટુનામેન્ટની આ પહેલી હાર બાદ હવે ભારતીય ટીમ માટે સુપર-8 ના આગામી બે મેચો અત્યંત નિર્ણાયક બની ગઈ છે. સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે હવે ભારતે બાકીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ પોતાની ભૂલ સુધારીને અનુભવી અક્ષર પટેલને ફરી ટીમમાં સ્થાન આપે છે કે પછી નવી રણનીતિ સાથે પ્રયોગો ચાલુ રાખે છે.