Fri Jun 19 2026

Logo

કાંટે કી ટક્કરઃ રવિવારે ભારતના કયા ક્રિકેટરની કયા પાકિસ્તાની ખેલાડી સાથે ટક્કર થઈ શકે?

Colombo   2026-02-14 18:07:56
Author: ajaybhai motiwal
Article Image

AI Generated Images


કોલંબોઃ ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કરથી ચડિયાતું બીજું કંઈ નથી અને આ મુકાબલો ફાઇનલ કરતાં પણ વિશેષ છે એટલે રવિવાર, 15મી ફેબ્રુઆરીનો દિવસ બહુ ભારે હોવા ઉપરાંત 100 ટકા મનોરંજનનો દિવસ પણ કહી શકાય અને આ મુકાબલાને લક્ષમાં રાખીને ખાસ કરીને ભારતના એવા પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમનો પાંચ પાકિસ્તાની ખેલાડી સાથે મુકાબલો થઈ શકે. પીટીઆઇએ એવી પાંચ વ્યક્તિગત ટક્કરની વાત કરી છે જે રવિવારના જંગને વધુ ઉગ્ર બનાવશે. એ ઉપરાંત પણ બીજી સામાસામી જોવા મળશે. ભારતીય ટીમમાં વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી છે એટલે તે કોને કાબૂમાં રાખશે એ જોવું રહ્યું.

બુમરાહ વિરુદ્ધ સાહિબઝાદા

ભારતના ન્યૂ બૉલ બોલર જસપ્રીત બુમરાહ (Bumrah) અને પાકિસ્તાનના ઓપનિંગ બૅટ્સમૅન સાહિબઝાદા ફરહાન વચ્ચે છેલ્લે (ગયા વર્ષે દુબઈમાં) જે ટક્કર થઈ હતી એમાં સાહિબઝાદા થોડો ફાવી ગયો હતો અને ત્યારે તે એક જ ટી-20 મૅચમાં બુમરાહની બોલિંગમાં બે છગ્ગા ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યો હતો. ગુરુવારે નામિબિયા સામે બુમરાહને પાવરપ્લે દરમ્યાન બોલિંગ નહોતી અપાઈ, પણ રવિવારે પાકિસ્તાન સામે હેડ-કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો શું પ્લાન છે એ તો રવિવારે જ ખબર પડશે. બન્ને હરીફ વચ્ચેનો ડૅટા આ મુજબનો છેઃ ત્રણ મૅચમાં સાહિબઝાદાએ બુમરાહના 34 બૉલમાં 51 રન બનાવ્યા અને હજી સુધી તેના બૉલમાં વિકેટ નથી ગુમાવી. રવિવારે સાહિબઝાદાની વિકેટ સાથે બુમરાહ ખાતું ખોલાવશે તો નવાઈ નહીં લાગે.

BCCI

કુલદીપ વિરુદ્ધ બાબર

ભારતના લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે ક્યારેય કોઈ ટી-20 મૅચમાં બાબર આઝમ સામે બોલિંગ નથી કરી, પણ બાબર વન-ડેમાં કુલદીપની કાંડાની કરામતનો બે વાર શિકાર થયો છે. કુલદીપે ત્રણ મૅચમાં બે વખત બાબરને આઉટ કર્યો છે અને પાકિસ્તાનનો આ પેપર-ટાઇગર કુલદીપ સામે બાવન બૉલમાં ફક્ત 28 રન બનાવી શક્યો છે. એશિયા કપમાં બાબર પ્લેઇંગ-ઇલેવનમાં નહોતો એવી મૅચોમાં પણ કુલદીપ (Kuldeep)નો પાકિસ્તાની ટીમ સામેનો રેકૉર્ડ બહુ સારો રહ્યો હતો. તેણે પાકિસ્તાન સામેની ત્રણ મૅચમાં કુલ આઠ વિકેટ લીધી છે જેમાંથી ફાઇનલની ચાર વિકેટનો સમાવેશ છે. જોકે કુલદીપને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવા ભારતીય ટીમ મૅનેજમેન્ટે અર્શદીપ સિંહ અથવા શિવમ દુબે કે બીજા કોઈ ખેલાડીને પડતો મૂકવો પડશે. ઉલ્લેખનીય છે કે સ્પિનર્સ સામે શિવમ બહુ સારું રમી જાણે છે.

હાર્દિક વિરુદ્ધ તારિક

મુરલીધરન તથા મલિન્ગા જેવી કઢંગી બોલિંગ-ઍક્શન ધરાવતા પાકિસ્તાનના નવા વિવાદાસ્પદ સ્પિનર ઉસ્માન તારિકની બોલિંગ-ઍનેલિસિસ બગાડી શકે એવા ભારતીય બૅટ્સમેનોમાં હાર્દિક સર્વશ્રેષ્ઠ કહી શકાય. કૅપ્ટન સલમાન આગા કેવી રીતે તારિકનો ઉપયોગ કરે છે એ જોવું રહ્યું. જો તેને 7-16ની મધ્ય ઓવર્સમાં મોરચા પર મૂકવામાં આવશે તો હાર્દિક તેની ખબર લઈ નાખશે. સ્ટૉપ-સ્ટાર્ટની વિવાદાસ્પદ બોલિંગ-ઍક્શન ધરાવતા તારિકના બૉલમાં હાર્દિક બૅક-લિફ્ટમાં કેટલો સફળ થાય છે એ પણ જોવું રહ્યું.

ઇશાન વિરુદ્ધ આફ્રિદી

અભિષેક શર્માની તબિયત સારી નથી અને સંજુ સૅમસન ફૉર્મમાં નથી એટલે ધમાકેદાર અને અસરદાર ઓપનિંગનો મોટો બોજ ઇશાન કિશન પર છે અને એમાં શાહિન શાહ આફ્રિદી તેની લપેટમાં આવી જશે તો નવાઈ નહીં લાગે, કારણકે ઇશાન જબરદસ્ત ફૉર્મમાં છે. લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ઇશાન સામે જો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર આફ્રિદી શૉર્ટ બૉલ ફેંકશે તો જોવા જેવી થશે. ઇશાન બહુ ઊંચો નથી એટલે તે આવા બૉલને કેવું રમે છે એ તેના માટે નિર્ણાયક બની શકે. 

BCCI

સૂર્યકુમાર વિરુદ્ધ અબ્રાર

કૅપ્ટન સૂર્યકુમાર (Suryakumar) થોડા અઠવાડિયાથી એવા ગજબના ફૉર્મમાં આવી ગયો છે કે જો તેનું રનમશીન ચાલુ થઈ જશે તો તેને અટકાવવો પાકિસ્તાનના ભલભલા બોલર માટે મુશ્કેલ કામ બની જશે. વાનખેડેમાં અમેરિકા સામે તેણે અણનમ 84 રન જે પ્રેશરની સ્થિતિમાં કર્યા હતા એને પાકિસ્તાનીઓએ બરાબર ધ્યાનમાં લીધા જ હશે અને તેને કેવી રીતે કાબૂમાં રાખવો એની યોજના વિચારી રહ્યા હશે. પાકિસ્તાન પાસે અબ્રાર અહમદ અને શાદાબ ખાનના રૂપમાં બે રિસ્ટ સ્પિનર છે જેમની સૂર્યા ઉપરાંત બીજા ભારતીય બૅટ્સમેનો સામે આકરી કસોટી થશે.