નવી દિલ્હીઃ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ખાસ કરીને ખનન, ફાર્મા અને હૅલ્થકૅર ક્ષેત્રમાં સહકાર વધારીને આગામી ત્રણ વર્ષમાં બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાની હાકલ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે કરી હતી. નોંધનીય બાબત એ છે કે હાલ દ્વિપક્ષીય વેપાર અંદાજે 1.5 અબજ ડૉલરનો છે.
બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વેગ આપવા માટે વેપાર વધારવો પડશે, આથી ચાલો આપણે આગામી ત્રણ વર્ષમાં વેપાર બમણો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ, એમ તેમણે અત્રે યોજાયેલ ઈન્ડિયા-ઉઝબેકિસ્તાન બિઝનૅસ ફોરમની બેઠકમાં જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારત પાસે મજબૂત આઈટી ક્ષેત્ર છે, કુશળ કાર્યકારી બળ છે, જાહેર ડિજિટલ માળખું છે, જ્યારે ઉઝબેકિસ્તાન ખનન અને રૂના ઉત્પાદનના સેગ્મેન્ટમાં તકો ઓફર કરે છે. જો બન્ને દેશો મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરવાનું વિચારી શકે તો તે એક આશાસ્પદ વિચાર છે.
આ પ્રસંગે ઉઝબેકિસ્તાનના રોકાણ, ઉદ્યોગ અને વેપાર ખાતાના પ્રધાન લેઝિઝ કુદ્રાતોવે જણાવ્યું હતું કે હાલનો બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ક્ષમતા કરતાં ઘણો ઓછો છે આથી બન્ને દેશોએ વેપાર વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉઝબેકિસ્તાનમાં અંદાજે 400 ભારતીય કંપની કાર્યરત છે. તેમણે ભારતીય સ્ટીલ, ફાર્મા, ખનન અને ઑટો કંપનીઓને રોકાણ માટે આવકારી હતી.
Chat GPT Generated Image