Sun Mar 08 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ જેવા સાથે તેવા: ભારત તાલિબાનને મદદ કરે તેમાં ખોટું શું?

3 days ago
Author: ભરત ભારદ્વાજ
Article Image

ભરત ભારદ્વાજ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાછું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આ વખતે મામલો ગંભીર છે કેમ કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સામે ઓપન વોરનું એલાન કર્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદે બલૂચ અને પખ્તૂનો પર પણ હુમલા શરૂ કરતાં આ બંને સમુદાયનાં સંગઠનો પણ પાકિસ્તાનને પછાડવા અફઘાન તાલિબાન સાથે હાથ મિલાવી લે અને જંગ વકરે એવી શક્યતા પ્રબળ બની છે. તેનું પરિણામ પાકિસ્તાનના ભાગલામાં આવે એવી શક્યતા પણ નકારી ના શકાય.

પાકિસ્તાન મરણિયું બન્યું છે કેમ કે તેના અસ્તિત્વ સામે ખતરો છે. વીસેક દિવસ પહેલાં એટલે કે 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો તેમાં લગભગ 100 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી ત્યારથી પાકિસ્તાન અફઘાનિસ્તાનને પાઠ ભણાવવા ઊંચુંનીચું થવા માંડેલું ને ઓપરેશન ’ગઝબ લિલ હક’ની તૈયારીઓ શરૂ કરી દીધેલી. 

બે દિવસ પહેલાં પાકિસ્તાનની એરફોર્સે કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરો પર બૉમ્બમારો કરેલો. આ હુમલામાં 133 અફઘાન તાલિબાની સૈનિકોનાં ઢીમ ઢળ્યાં હોવાનો દાવો છે. સામે તાલિબાને પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે અને 23 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હોવાનો દાવો કર્યો છે.

ભારતે અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ સાથે પોતાને નાહવા નિચોવવાનો સંબંધ નહીં હોવાની ચોખવટ કરી છે પણ પાકિસ્તાન એ વાત માનવાનું નથી. પાકિસ્તાન લાંબા સમયથી ગાઈવગાડીને કહે છે કે, તાલિબાન ભારતના પીઠ્ઠુ તરીકે વર્તી રહ્યા છે અને પાકિસ્તાનમાં અરાજકતા ઊભી કરી રહ્યા છે. પાકિસ્તાનની વાતો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે એવી છે. તાલિબાન પાકિસ્તાને પેદા કરેલો જીન છે. અફઘાનિસ્તાનમાં રશિયાનું લશ્કર આવ્યું ત્યારે તેની સામે લડવા અમેરિકાની મદદથી દુનિયાભરના કટ્ટરવાદી મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનમાં ભેગા કરાયેલા. તેમાંથી જ તાલિબાન પેદા થયા.

આ તાલિબાન એક સમયે પોતાના પાકિસ્તાની આકાઓના ઈશારે ખૂનામરકી કરતા. રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી જતું રહ્યું પછી તાલિબાન સત્તા કબજે કરવા બીજાં સંગઠનો સાથે લડવા માંડ્યા ને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી. અફઘાનિસ્તાનમાં સત્તા મળ્યા પછી તાલિબાને ઓસામા બિન લાદેન સહિતના આતંકવાદીઓનો ખડકલો કર્યો ને તેમના ઈશારે અમેરિકામાં નાઈન ઈલેવનનો કાંડ કરી નાખ્યો. ધૂંધવાયેલા અમેરિકાએ તાલિબાનની ઓખાત બગાડી નાખી ત્યારે પણ પાકિસ્તાન પાછલા બારણે તો તાલિબાનને પોષતું જ હતું. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના કબજા હેઠળના અબોટ્ટાબાદમાંથી અમસ્તો પકડાયેલો ?

અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાં હતું ત્યાં લગી તો તાલિબાન ને પાકિસ્તાન એક જ થાળીમાં જમતા હતા પણ અમેરિકાનું લશ્કર ગયું ને તાલિબાન પાસે સત્તા આવી પછી બંનેને મનમેળ રહ્યો નથી. તેનું કારણ અફીણ સહિતના ડ્રગ્સના બિઝનેસમાં ભાગબટાઈ છે. તાલિબાન પાસે આ ડ્રગ્સના ધંધાનો કંટ્રોલ છે. પહેલાં અમેરિકાના લશ્કરની ઘોંસના કારણે તાલિબાન પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ મારફતે આ ધંધો ચલાવતા. 

હવે અમેરિકા ખસી ગયું તેથી તાલિબાનને કોઈ ડર નથી. અમેરિકાના તાલિબાન સાથે સંબંધો પણ સારા છે તેથી અમેરિકા તાલિબાનના ધંધામાં ટાંગ નથી અડાવતા તેથી એ લોકો સીધો ધંધો કરવા માંડ્યા તેમાં પાકિસ્તાન સાથે વાંકું પડ્યું છે. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈનો ગરાસ લૂંટાઈ ગયો તેની ખીજ તાલિબાન પર હુમલા કરીને કઢાઈ રહી છે.

ભારતને પહેલાં તાલિબાન સાથે સારા સંબંધો નહોતા. અફઘાનિસ્તાનમાં ભારતે વરસો લગી અહમદ શાહ મસૂદ સહિતના તાલિબાન વિરોધી નેતાઓને મદદ કરી હતી. મસૂદ પણ સોવિયેત રશિયાના લશ્કર સામે લડેલા પણ રશિયન લશ્કરની વિદાય પછી 1992માં તેમના નોર્ધર્ન એલાન્સને સત્તાની કમાન સોંપાયેલી. 1993માં તાલિબાનના ઉદય પછી સત્તા માટેનો સંઘર્ષ શરૂ થયો એ પછી પણ મસૂદ સરકારમાં મંત્રી હતા. 

મસૂદ સહિતના નેતાઓએ અફઘાનિસ્તાનને ભારતમાં આતંકવાદ ફેલાવવાથી દૂર રાખ્યું તેથી ભારતે મસૂદને મદદ કરી. 1996 પછી નોર્ધર્ન એલાયન્સ અને તાલિબાન વચ્ચે જોરદાર જંગ શરૂ થયો ત્યારે પણ ભારત મસૂદની પડખે હતું તેથી તાલિબાન ભારતને દુશ્મન જ માનતા. અત્યારે સમીકરણો બદલાઈ ગયાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાવાર રીતે શાસક છે અને તાલિબાનની સરકાર છે તેથી ભારતે તાલિબાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે. 

અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી ભારતનાં વ્યાપક આર્થિક હિતો હોવાથી તાલિબાન સરકાર સાથે ઘણા મોરચે ભારત સહકાર પણ વધારી રહ્યું છે. ભારતીય વિમાનોને ગલ્ફમાં કે આગળ જવા માટે અફઘાનિસ્તાન એર સ્પેસ આપે છે અને ભારતના માલની હેરફેરમાં પણ સહકાર આપે છે. પાકિસ્તાનની આડોડાઈમાં અફઘાનિસ્તાને સાથ આપ્યો નથી તેથી  ભારતે પણ દોસ્તીનો હાથ લંબાવીને અફઘાનિસ્તાન સાથેના સંબંધો મજબૂત બનાવ્યા છે. 

પાકિસ્તાનને આ બધું ખૂંચે છે તેથી અફઘાનિસ્તાન ભારતનું આંગળિયાત બની ગયું હોવાના ટોણા માર્યા કરે છે.  ભારત અફઘાનિસ્તાનને પાકિસ્તાન સામે લડવામાં મદદ કરી રહ્યું છે એવા આક્ષેપો પણ કર્યા કરે છે પણ ભારત ને અફઘાનિસ્તાન બંને પાકિસ્તાનની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખીને સંબંધો આગળ વધારવા પર ધ્યાન આપી રહ્યા છે.

પાકિસ્તાનના આક્ષેપોમાં દમ નથી અને પુરાવા પણ નથી પણ માનો કે ભારત અફઘાનિસ્તાનને પાકિસ્તાન સામે લડવા માટે ઉશ્કેરતું હોય કે મદદ કરતું હોય તો તેમાં કશું ખોટું નથી. રાજદ્વારી કારણોસર ખુલ્લેઆમ તેનો સ્વીકાર ના કરી શકાય પણ અંદરખાને ભારત મદદ કરતું હોય તો એ એકદમ યોગ્ય છે. પાકિસ્તાન વરસોથી જમ્મુ અને કાશ્મીરની આઝાદીના નામે આતંકવાદ ફેલાવતાં સંગઠનોનો પંપાળીને ભારતમાં હિંસા ફેલાવે છે અને નિર્દોષોનાં લોહી વહાવે છે.  પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કારણે ભારતના અર્થતંત્રને પણ મોટો ફટકો પડેલો જ છે છતાં પાકિસ્તાન પોતાની નીચ હરકતો છોડતું નથી.

હવે પાકિસ્તાન સાવ છેલ્લા પાટલે બેઠેલું હોય ત્યારે આપણે સિદ્ધાંતોનું પૂંછડું પકડીને બેસી રહીએ એ ના ચાલે. પાકિસ્તાન પાંસરું કરવા માટે જે રસ્તો અપનાવવો પડે એ અપનાવવો જોઈએ ને તેમાં અફઘાનિસ્તાનને મદદ પણ આવી ગઈ. મોદી સરકાર એ મદદ કરતી હોય તો આ વ્યૂહરચના યોગ્ય છે અને દેશના હિતમાં પણ છે. લોઢું લોઢાને કાપે એ હિસાબે પાકિસ્તાનના આતંકવાદનો જવાબ આતંકવાદીમાંથી શાસક બનેલા તાલિબાનના માધ્યમથી આપવામાં કશું ખોટું નથી.

આ વ્યૂહરચના એ રીતે પણ અક્સિર કહેવાય કે, પાકિસ્તાન પોતાનું ઘર સાચવવામાં અટવાયેલું રહે તો ભારતમાં આતંકવાદને ઓછો પોષે. પાકિસ્તાન તાલિબાન સામે લડીને ખુવાર થયા કરે તો આતંકવાદીઓને મદદ કરવા માટે બહુ નાણાં પણ ના બચે. આતંકવાદની સવારી એ વાઘની સવારી છે. એક વાર બેસી ગયા પછી ઊતરી ના શકાય કેમ કે ઊતરો કે તરત વાઘ ફાડી ખાય. પાકિસ્તાનના કિસ્સામાં પણ એવું જ થવાનું. 

પાકિસ્તાન જેવું આતંકવાદીઓને મદદ ઓછી કરવા માંડશે એવાં આતંકી સંગઠનો રઘવાયાં થશે ને જેવી મદદ બંધ થશે કે પાકિસ્તાનને ફાડી ખાશે. પાકિસ્તાનની આર્મી કે આઈએસઆઈના આશ્રિત રહેવાના બદલે પોતે જ સત્તા કબજે કરી લેવાય તો કોઈના ઓશિયાળા ના રહેવાય એ ગણતરીએ પાકિસ્તાનમાં જ હિંસા શરૂ કરી દેશે.  આ રસ્તો લાંબો છે પણ પાકિસ્તાનને ખતમ કરી નાંખે એવો છે એ જોતાં   ભારતે અફઘાનિસ્તાનને મદદ કરવાની વ્યૂહરચના ચાલુ રાખવી જોઈએ.