Fri May 01 2026

Logo

રિટેલ લોન 18.1 ટકા વધીને ₹162 લાખ કરોડે પહોંચી, ગોલ્ડ લોનમાં મોટો ઉછાળો

2026-02-24 19:59:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી છૂટક લોન (આઉટસ્ટેન્ડિંગ રિટેલ લોન)ની રકમ 18.1 ટકા વધીને 162 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી. સોનાના ભાવમાં વધારો, તહેવારોની માંગ અને જીએસટી દરમાં ઘટાડો થવાથી લોન વિતરણમાં વધારો થયો છે, એમ એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની સીઆરઆઈએફ હાઇ માર્કના આ રિપોર્ટ અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર દરમિયાન છૂટક લોનનો સૌથી મોટો હિસ્સો ધરાવતા હાઉસિંગ લોન સેગમેન્ટ 10.5 ટકાના વધારા સાથે 43 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 

ગોલ્ડના બદલામાં લોન એટલે કે ગોલ્ડ લોનમાં 44.1 ટકાનો તીવ્ર વધારો નોંધાયો હતો અને તેની બાકી લોન 16.2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત બાકી લોનની રકમ 11.6 ટકા વધીને 15.9 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જીએસટી દરમાં ઘટાડાને કારણે ઓટો લોનમાં 14.6 ટકા, ટુ-વ્હીલર લોનમાં 12.3 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોનમાં 14.3 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો. 

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એકમાત્ર માલિકીની સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલી બાકી લોનમાં 26.2 ટકાનો વધારો થયો છે. એસેટ ક્વોલિટીના મોરચે 30થી 180 દિવસના વિલંબ ધરાવતી છૂટક લોનનું પ્રમાણ ડિસેમ્બર 2025માં ઘટીને 2.8 ટકા થયું છે, જે એક વર્ષ પહેલા 3.2 ટકા હતું.

હાઉસિંગ લોનના સંદર્ભમાં એક્ટિવ લોન એકાઉન્ટ્સની સંખ્યામાં 3.3 લાખનો વધારો થયો છે, જે સરેરાશ લોન કદમાં વધારો દર્શાવે છે. દિલ્હીમાં હોમ લોન આઉટસ્ટેન્ડિંગમાં સૌથી ધીમી વૃદ્ધિ 7.7 ટકા રહી હતી, જ્યારે તેલંગણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં માર્કેટ સરેરાશથી વધુ ગ્રોથ જોવા મળ્યો હતો. 


ડેટા અનુસાર, ડઝન જેટલા રાજ્ય માલિકીના ધિરાણકર્તાઓએ તેમના કામકાજને વેગ આપ્યો અને ત્રીજા ક્વાર્ટરમાં કુલ હિસ્સામાં અડધાથી વધુ હિસ્સો તેમનો હતો.