Sun Sep 06 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર આઈઆરજીસીની ગોળીબાર બાદ ભારતે કડક કાર્યવાહી કરી

2026-04-18 22:20:00
Author: Chandrakant Kanoja
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર આઈઆરજીસીની ગોળીબાર બાદ ભારતે કડક કાર્યવાહી કરી

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા બે ભારતીય ધ્વજ વાળા જહાજો પર ગોળીબાર બાદ ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારતે ઈરાની રાજદૂત ડૉ. મોહમ્મદ ફતાલીને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા. ભારતીય જહાજોની સલામતી અંગે ગંભીર ચિંતાઓને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. ઈરાની રાજદૂતે મંત્રાલયની મુલાકાત લીધી અને બેઠક પછી દૂતાવાસ પરત ફર્યા હતા. 

જહાજો પર થયેલ ગોળીબારની ઘટના પર ચિંતા વ્યક્ત કરી 

આ વાતચીત દરમિયાન, ભારતે આ ઘટના પર ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને આજે સાંજે વિદેશ સચિવ સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન  વિદેશ સચિવે આજે હોર્મુઝ સ્ટ્રેટમાં બે ભારતીય ધ્વજ વાળા  જહાજો પર થયેલ ગોળીબારની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે વેપારી જહાજો અને ખલાસીઓની સલામતી અને સુરક્ષા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

ભારતનો સંદેશ ઇરાનને પહોંચાડશે 

આ ઉપરાંત  ઈરાને અગાઉ ભારત તરફ જતા અનેક જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે. આ ગંભીર ઘટના પર ચિંતા વ્યક્ત કરતા  વિદેશ સચિવે ઈરાની રાજદૂતને વિનંતી કરી કે તેઓ ભારતનો સંદેશ તેમની સરકાર સુધી પહોંચાડે અને ભારત જનારા જહાજોના સુરક્ષિત માર્ગને વહેલી તકે ફરી શરૂ કરવા માટે સુવિધા આપે. ઈરાની રાજદૂતે ખાતરી આપી કે તેઓ ચોક્કસપણે ભારતની ચિંતાઓ તેમના દેશના અધિકારીઓ સુધી પહોંચાડશે