Tue Mar 10 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઊર્જા સુરક્ષાનો 'ખતરો': ભારત પાસે કેટલો ક્રૂડ ઓઈલનો સ્ટોક બચ્યો છે?

6 days ago
Author: Mumbai Samachar Team
Article Image

AI-Generated Image


નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવ અને ઈરાન સંકટ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. એનર્જી એનાલિટિક્સ ફર્મ કેપ્લરના મતે ભારત પાસે આશરે 100 મિલ્યન બેરલ કમર્શિયલ ક્રૂડ ઓઇલનો ભંડાર છે, આમાં સ્ટોરેજ ટેન્ક, અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક રિઝર્વ અને સમુદ્રમાં ભારત તરફ આવતા જહાજોમાં સંગ્રહિત તેલનો સમાવેશ થાય છે. જો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ જાય તો આ ભંડાર 40-45 દિવસની તેલ જરૂરિયાતો પૂરી કરી શકે છે.

ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતોના આશરે 88 ટકા આયાત કરે છે. આમાંથી 50 ટકાથી વધુ મિડલ ઈસ્ટના દેશો (મુખ્યત્વે ઇરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત) માંથી આવે છે જે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારત આવે છે. કેપ્લરના ડેટા અનુસાર ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાંથી દરરોજ સરેરાશ 2.5-2.7 મિલ્યન બેરલ હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતમાં આવે છે. જે તેની કુલ આયાતનો લગભગ અડધો ભાગ છે.

કેપ્લરમાં રિફાઈનિંગ અને મોડલિંગના લીડ રિસર્ચ એનાલિસ્ટ સુમિત રિટોલિયાએ કહ્યું હતું કે જો મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો કેટલાય સમય માટે સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો તેની તાત્કાલિક અસર લોજિસ્ટિકલ અને કિંમત પર પડશે અને જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી લાંબા સમય સુધી અવરજવર અટકી જાય છે તો ક્રૂડની સપ્લાયનો ખતરો વધી જશે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સૌ પ્રથમ કાર્ગો પર અસર પડશે તેમણે કહ્યું કે "જોકે, રિફાઇનર્સ સામાન્ય રીતે કમર્શિયલ ઈન્વેટ્રી જાળવી રાખે છે અને પહેલાથી જ પાણી પર રહેલા કાર્ગો આવતા રહેશે, જે સિસ્ટમને ટૂંકા ગાળા માટે રાહત પૂરી પાડશે. લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલ આવશે નહીં તો આયાતનો વધુ ખર્ચ, નૂરની કિંમત અને લાંબા અંતર પર પુરવઠાને ફરીથી રૂટ કરવાની જરૂરિયાતને કારણે દબાણ વધશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે "દેશની રિફાઇનર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે વર્તમાન કમર્શિયલ ઈન્વેન્ટ્રીની સાથે સાથે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પણ હોય છે. આ બફર્સનો હેતુ સતત આઉટેજને બદલે કામચલાઉ સપ્લાય ઝટકાઓનું સંચાલન કરવાનો છે. કેપ્લર ઇન્વેન્ટ્રી ડેટાના આધારે કમર્શિયલ ક્રૂડ ઓઇલનો સ્ટોક લગભગ 100 મિલ્યન બેરલ છે, જેમાં મેંગલોર, પાદુર અને વિશાખાપટ્ટનમ ખાતે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ફેસિલિટિના વોલ્યુમનો સમાવેશ થાય છે.

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આયાત સરેરાશ આશરે 2.5 મિલ્યન બેરલ પ્રતિ દિવસ છે, જે ભારતની કુલ 5 મિલ્યન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ આયાતનો અડધો ભાગ છે. આ રીતે ક્રૂડ ઓઈલની સપ્લાય અટકવાથી આ રિઝર્વ લગભગ 40-45 દિવસ સુધી વપરાશમાં આવી શકે છે. જોકે, તાત્કાલિક અસર કિંમતો પર પડશે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો, જે ઈરાન સંકટ પછી લગભગ 10 ટકા વધુ છે. 

ભારત માટે ઉંચી કિંમતનો અર્થ આયાતનું ઉંચુ બિલ થાય છે. 31 માર્ચ, 2025ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતે ક્રૂડ ઓઇલની આયાત પર 137 અબજ ડોલરનો ખર્ચ કર્યો. એપ્રિલ 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિના તેણે 206.3 મિલ્યન ટન ક્રૂડ ઓઇલની આયાત પર 100.4 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.