જબલપુર: ભારતનું સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ ઐતિહાસિક પ્રગતિ કરી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે છેલ્લા એક દાયકામાં ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન લગભગ ચાર ગણું વધીને આશરે ₹ 1.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતના સંરક્ષણ સાધનોની નિકાસ લગભગ 39,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
સંરક્ષણ પ્રધાન મધ્ય પ્રદેશના જબલપુરમાં 57 વર્ષ જૂની વ્હીકલ ફેક્ટરી જબલપુર (વીએફજે) ખાતે ટી-સીરિઝના મેન યુદ્ધ ટેન્કોના ઓવરહોલિંગ માટે બનનારા 472 કરોડ રૂપિયાના નવા પ્લાન્ટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા.
રાજનાથ સિંહે 2014ની સરખામણીમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિની વિગતો રજૂ કરી હતી. 2014માં દેશનું શસ્ત્રો અને દારૂગોળોનું ઉત્પાદન ફક્ત 46,000 કરોડ હતું, જે હવે વધીને 1.80 લાખ કરોડ રૂપિયા થયું છે.
ભારતની સંરક્ષણ નિકાસ જે 2014માં ફક્ત 1,000 કરોડ રૂપિયા હતી, તે હવે રેકોર્ડ 39,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં સંરક્ષણ નિકાસમાં 50,000 કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે "આત્મનિર્ભર ભારત"ના વિઝનથી પ્રેરિત સંરક્ષણ ક્ષેત્રમાં ભારત પ્રત્યેનો વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભારત હવે ફક્ત પોતાની ધરતી પર આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન જ નથી કરી રહ્યું, પરંતુ તેમની જાળવણી, ઓવરહોલિંગ અને અપગ્રેડ કરવાની સંપૂર્ણ ક્ષમતા પણ ધરાવે છે.
આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરશે અને ભારતીય સેનાના ટેન્કોને હંમેશા યુદ્ધ માટે તૈયાર રાખવામાં વરદાન સાબિત થશે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. તે ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે અને આપણા સૈનિકો માટે વરદાન સાબિત થશે, જેઓ આ ટેન્કોનો ઉપયોગ દુશ્મનનો નાશ કરવા માટે કરે છે.
આ પ્રોજેક્ટમાં દર વર્ષે 80 ટી-72 અને ટી-90 ટેન્કોની રિનોવેશન અને જાળવણી કરવામાં આવશે. ભારતીય સેનાને દર વર્ષે આવા લગભગ 230 ટેન્કોનું ઓવરહોલ કરવાની જરૂર છે.