નવી દિલ્હીઃ ઈરાનના સુપ્રીમ લીડરના મોત બાદ મધ્યપૂર્વમાં તણાવ વધ્યો છે. ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું. ભારતે પહેલા વખત આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોત પર શોક વ્યક્ત કર્યો છે. વિગતે વાત કરવામાં આવે તો ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર શોક વ્યક્ત કરવા માટે રાજધાનીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.
પુસ્તકમાં ભારતે પોતાની સંવેદના વ્યક્ત કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગઈકાલે ઈરાનના દૂતાવાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ખામેનેઈની શહીદ પર એક શોક પુસ્તક રાખવામાં આવ્યું છે, જેના પર લોકો આવીને પોતાની સંવેદના વ્યક્ત કરી શકશે. નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ ખાતે ભારતવતી ત્યાં રાખેલી શ્રદ્ધાંજલિની પુસ્તિકા પર હસ્તાક્ષર કરવાની સાથે શોકસંદેશ લખવામાં આવ્યો છે. આ પહેલી વખત છે કે, ભારત દ્વારા ખામેનેઈના મોત પર જાહેરમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યારે ભારત બંને દેશોને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યું છે. તેવામાં હવે ભારતે ખામેનેઈનો નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે.
Had a telecon with Iranian FM Seyed Abbas Araghchi this afternoon. @araghchi
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 5, 2026
ભારતની ઈરાન સાથે ફરી શું વાત થઈ?
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશ પ્રધાનએ પોસ્ટ લખી કે, તેમણે આજે બપોરે ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિકોન્ફરન્સ કરી હતી. તેમણે અગાઉ ઓમાનના વિદેશ પ્રધાન સાથે પણ વાત કરી હતી. જોકે, ઈરાની વિદેશ પ્રધાન સાથે શું વાત થઈ છે તેના વિશે હજી કોઈ સત્તાવાર નિવેદન ભારત કે ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. આ જ મુદ્દાને લઈ ભારતના વિપક્ષ કોંગ્રેસના નેતાએ પણ સવાલો કર્યા હતા, જ્યારે સરકારની કામગીરી પર પણ સવાલ કર્યા પછી સત્તાવાર રીતે સરકારે ઈરાન માટે નિવેદન જારી કર્યું છે.
પીએમ મોદીએ શાંતિ રાખવા માટે અપીલ કરી
પીએમ મોદી દ્વારા બંને દેશોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. પીએમ મોદીએ નિવેદન આપતા લખ્યું હતું કે, યુક્રેન હોય કે પછી પશ્ચિમ એશિયા માત્ર સૈન્ય કાર્યવાહીથી કોઈ પણ સમસ્યા કે સંઘર્ષનું સમાધાન આવે નહીં. ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારીમાં વિશ્વાસને છે.
અમે સંમત છીએ કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ ફક્ત લશ્કરી સંઘર્ષ દ્વારા શક્ય નથી. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપતા રહીશું.