માવજી મહેશ્વરી
‘એનો મતલબ તમને ફોન કરનાર તમારો ભાઈ જ હતો.’
‘એટલો એ પાછો મૂર્ખ પણ નથી. પણ સંજય સંડોવાયેલો હતો જ. હું મારી ચેર પર બેસી કંઈ બોલ્યા વગર બધાને વારા ફરતી જોઈ રહી. જાણે બોલતાંની સાથે વિસ્ફોટ થવાનો હોય તેમ બધા ચૂપ હતા. સંજયથી રહી ન શકાયું. તેનો ગુસ્સો જુદી દિશામાં ફંટાયો. તેણે પપ્પાને જ આરોપી બનાવી નાખ્યા, પપ્પા ન તમે કોઈ લફરું કર્યું હોત. ન આ છોકરી આપણા ઘરમાં આવી હોત. તમારી ભૂલે અમને ક્યાંયના નથી રાખ્યા.’
‘પપ્પાની સ્થિતિ વિચિત્ર હતી. અપમાન કાળજે વાગ્યું હતું તેમ છતાં તે ચૂપ રહ્યા. શી ખબર કેમ પણ સંજયે લફરું શબ્દ વાપર્યો તેનાથી હું અકળાઈ ગઈ. મારાથી કહેવાઈ જ ગયું, સંજય માઈન્ડ યોર લેંગ્વેજ અધરવાઈઝ ગેટ આઉટ. હું લફરાનું સંતાન નથી. હવે પછી મારી મમ્મીના બારામાં કંઈ બોલ્યો છો તો ઘરની બહાર કાઢતા મને જરાય દયા નહીં આવે. રત્નાકરજી આ માણસ પર મને કોઈ ભરોસો નથી. પપ્પા તમે કેમ કંઈ બોલતા નથી. સંભાળો તમારા સુપુત્રને.
મને ખબર છે તમને બધાને જેટલો રસ દાદાની મિલકતમાં છે, એટલો જ રસ મને હટાવી દેવામાં છે. પણ જો હવે મને હેરાન કરવાનો પ્રયત્ન થશે તો આ બધી મિલકતનું હું ટ્રસ્ટ બનાવી નાખીશ. મને આ મિલકતમાં કોઈ રસ નથી. સો બી એલર્ટ એન્ડ વેઈટ. તમે ભલે મને તમારી દુશ્મન માનતા હો. હું હજુ તમને મારા પોતાના માનું છું. હું જલદી આ ઝંઝટમાંથી મુક્ત થવા માગું છું. મારા બોલવાની સાથે જ સોપો પડી ગયો. મેં ટ્રસ્ટ બનાવી નાખવાની વાત કરી એનાથી તો પપ્પા હેબતાઈ ગયા હતા.
મારી મમ્મી સમજી ગઈ કે તે જો અત્યારે નહીં બોલે તો બાજી બગડી જશે. તેણે એકદમ હસતે મોઢે કહ્યું, ‘સંજય તારામાં મેનર્સ ક્યારે આવશે? મને આજે આઘાત લાગે છે કે હું કેવા લોકો વચ્ચે બેઠી છું. તને ક્યારેય એ વિચાર આવ્યો છે કે મેં તમારા માટે શું ભોગ આપ્યો છે? તમારા પપ્પાના આગ્રહથી જ મેં તમારા માટે થઈને મારું માતૃત્વ જતું કર્યું છે એની કિંમત સમજાય છે તમને?’
‘મને સમજાયું નહીં કે તે ખરેખર લાગણીથી બોલી હતી કે તેનો અભિનય હતો. અજબ ખેલ રચાયો હતો. સંજય કોઈ કારણસર ચૂપ થઈ ગયો હતો. પપ્પા સંજય સામે જોઈ રહ્યા. કુદરતે મને અજીબ સંજોગોમાં મૂકી દીધી હતી. જે લોકો મને ડરાવી ધમકાવી શકવાની હેસિયત ધરાવતા હતા તે મારી સામે માગણની જેમ બેઠા હતા. સંજય, મમ્મી અને પપ્પા ત્રણેય પોતપોતાની રીતે ગણતરીઓ માંડી રહ્યા હતા. પણ હવે બોલતા પહેલા વિચાર કરવો પડે તેમ હતો. મારું મૌન એમની ધીરજની કસોટી કરતું હતું. ખાસ સંજયની. મારે તેને વધારે ઉશ્કેરવો નહોતો.
મેં રત્નાકરજી સામે જોયું અને ધીરેથી બોલી, ‘સંજયભાઈ તમારા મનમાં હજુય એવું છે કે દાદાજીએ જે વિલ કર્યું એ કોઈના દબાણ કે કોઈ ખાસ કારણસર કર્યું. તો એ દબાણ કરનાર મારા સિવાય કોણ હોય? મારી એટલી હેસિયત હતી ખરી કે હું દાદાજી પર દબાણ કરી શકું? અથવા મારા માટે એવું કરનાર માણસ કોણ હોય? મને તમારી બુદ્ધિ પર દયા આવે છે. તો હું તમને ખાત્રીપૂર્વક કહું છું કે મને આ મિલકતમાં કોઈ રસ નથી.
આ મિલકતના માલિક તમે જ છો અને તમારી પાસે જ રહેશે. છતાં મારે એ વાતનોય વિચાર કરવો જોઈએ કે દાદાજીએ એવું શા માટે કર્યું કે આ મિલકત તમને આપવાને બદલે મારા નામે કરતા ગયા. એવા કયા કારણો હશે જેથી તેમણે આવો નિર્ણય લીધો.’ મને લાગે છે એ તમે પોતે વિચારો તો સારું આટલું બોલીને હું ચૂપ થઈ ગઈ. મેં બરાબર નોંધ્યું કે મારા બોલી લીધા પછી રત્નાકરજીના ચહેરા પર આછું સ્મિત ફૂટ્યું હતું. જોકે હું બોલી હતી તે શબ્દોનો શું અર્થ થતો હતો તે પપ્પા અને સંજય ન સમજે તેટલા નાદાન તેઓ નહોતા. સંજય અકળાયો. તે કોઈ અનાડીની જેમ બોલી પડ્યો.
‘એ જે હોય તે. તારું કહેવાનું એ થાય છે કે અમે નાલાયક છીએ અને તું સારી છો એટલે દાદાએ બધું તને સોંપ્યું. ચાલ અમે બધા નાલાયક તો નાલાયક. પણ મૂળ વાત એ છે કે અમને અમારો હક્ક મળવો જોઈએ. મને ખબર છે કે તું અમને સીધી રીતે આપવાની નથી.’
‘તો તમે શું કરશો? જેમ મારા ફોન પર કોઈક પાસેથી ફોન કરાવી મને મારી નાખવાની ધમકીઓ આપો છો. તો મારી નાખશો એમ જ ને?’
મારી વાત સાંભળી સંજયના મોં પર બનાવટી ગુસ્સો આવ્યો. તે મારી સામે તાડૂક્યો, ‘તો હવે તું મારા પર આવા ગંદા આક્ષેપ નાખી રહી છો એમ? ક્યારે આવ્યો હતો એવો ફોન? તેં અમને શા માટે વાત કરી નથી?’
‘સંજયભાઈ કયો ફોન, ક્યાંથી અને ક્યારે આવ્યો હતો એ બધી વિગતો જાણવી હોય તો હું પોલીસને ફોન કરું. એમણે બધો રેકર્ડ રાખ્યો છે.’
મને ખબર હતી કે મારી વાતની સંજય પર અસર થશે અને થઈ જ. તેના મોં પર પહેલીવાર ભય દેખાયો. પણ હજુ તે પોતાના બચાવમાં હતો. તેણે કહ્યું, ‘પપ્પા તમે કંઈ નહીં બોલો? આ છોકરી મને જેલમાં મોકલવાનો પ્લાન કરી રહી છે અને તમે ચૂપ બેઠા છો?’
પપ્પાએ પુછ્યું, ‘સોનુ તને કોઈ ધમકી આપતું હતું તે વાત મને કેમ નથી કરી?’
‘પપ્પા હું આ ટેન્શન તમારા સુધી પહોંચવા દેવા માગતી નહોતી અને આખી ઘટના રત્નાકરજી જાણે છે. પોલીસે ઊંડા ઉતરવા ધાર્યું હતું પણ રત્નાકરજીના કહેવાથી એ મામલો આગળ વધ્યો નથી.’
હું આટલું બોલી ત્યાં તો સંજયે જોરથી કહ્યું, ‘પોલીસને શા માટે અટકાવી દીધી રત્નાકરજી? તપાસ થઈ હોત તો કમ સે કમ હું આરોપમાંથી બચી ગયો હોત.’ રત્નાકરજી જેવો ઠરેલ અને વિચારશીલ માણસ મેં જોયો નથી. તેમણે સંજય સામે જોયું અને કહ્યું, ‘તમને જાણ ન કરી એ વાત ખરી. પણ આખીય ઘટના આખરે તો પોલીસને લગતી હતી. પોલીસની નજરમાં પહેલો શકમંદ પરિવારનો જ માણસ હોય છે. વળી વાત જો મીડિયામાં જાય તો પત્રકારો પાછળ પડી જાય જે અમે ઈચ્છતા નહોતા. સંજયભાઈ મને લાગે છે કે મારા ખુલાસાથી તમને સંતોષ થયો હશે.’
સંજય ચૂપ થઈ ગયો. રત્નાકરજીની દલીલ સામે તેને દલીલ કરવું જોખમભર્યું લાગ્યું. તેમ છતાં જે બાબત માટે તેઓ ભેગા થયા હતા તેનો ખુલાસો થાય તેવું તે ઈચ્છતો હતો. એટલે તેણે મારી સામે જોઈને પૂછ્યું, ‘તો સોનલ તું વારંવાર કહ્યા કરે છે કે તને કશું જોઈતું નથી. તો શા માટે તારા હાથમાં રાખી બેઠી છે. હું ચોખ્ખું કહું છું કે મને બધું જોઈએ છે. બોલ તારે શું કરવું છે? મને આ વાતનો ફેંસલો આજે જ જોઈએ.’
મેં બધા પર નજર ફેરવી કહ્યું, ‘જુઓ સંજયભાઈને આ કરોડોની મિલકતના માલિક થવાની ઉતાવળ છે. હું અંગત રીતે ઈચ્છું છું કે સંજયભાઈ દાદાજીના વારસ છે. હું અહીં આવી ત્યારે બે જણ ને જ ઓળખતી હતી. મારી મમ્મી અને પપ્પા. મારા પપ્પાની હિંમતને કારણે જ હું આજે અહીં છું. સંજયભાઈ હું તમારી લાડકી બહેન હોઈ શકત. જો તમે મને ચાહી હોત. પણ તમે કદીય મને બહેન તરીકે જોઈ જ નથી. છતાં મેં તમને હંમેશાં ભાઈ ગણ્યા છે.
મેં એક વર્ષમાં આપણા ધંધાને સમજી લીધો છે. હું જે કંઈ કરું તે તમને માન્ય હશે કે નહીં તેની મને ખબર નથી પણ હું અંગત રીતે ઈચ્છું છું કે તમે મને સમય આપો. તમે મને કેટલી ઓળખો છો તેની મને ખબર નથી. પણ દાદાજી મને ઓળખી ગયા હતા. એટલે જ કદાચ એમણે મારા પર આ જવાબદારી નાખી દીધી. હું જુદી દુનિયાની છોકરી છું.
હું તમારા બધા પાસે થોડો સમય માગુ છું. મને વિચારવા દો. સંજયભાઈ ખાસ કરીને તમે સાંભળી લ્યો, મારા નિર્ણયથી કદાચ તમે ખુશ ન પણ થાવ. તેમ છતાં તમારે આપણા ઝવેરી પરિવાર અને વેપારી આલમમાં આપણી શાખને ધ્યાનમાં લઈને ચાલવું પડશે. વળી અત્યારે જયભાઈ અહીં નથી. હું ઈચ્છું છું કે આપણી ચર્ચામાં તે પણ સામેલ હોવા જોઈએ.’
સોનલ બોલતા બોલતા થાકી ગઈ હોય તેમ ઊંડા શ્વાસ લેવા લાગી. સનત તેની ઊંચીનીચી થતી છાતીને જોઈ રહ્યો. સોનલે માગ્યું નહોતું તોય તેણે પાણીની બોટલ ધરી. સોનલે સ્મિત આપી પાણીના બે ઘુંટ ભર્યા. સનતના મોં પર સાંભળવાની ઉત્સુકતા હતી. સોનલે આગળ ચલાવ્યું, ‘મારા શબ્દો સંજયને ન ગમે તેવા હતા. મને સાંભળવામાં તેને રસ જ નહોતો તે વચ્ચે બોલી પડ્યો. ‘સોનલ હું તારું ભાષણ સાંભળવા નથી બેઠો. પ્લીઝ મને કહી દે કે તું શું કરવા વિચારે છે. જો હું ધારું છું તેટલો હિસ્સો મને નહીં મળે તો મને નહીં ગમે. ઇટ્સ ફાઈનલ.’
‘સંજયભાઈ તમારો હિસ્સો એટલે કેટલો?’
‘એમ. વી.નો બધો કારોબાર મારા હાથમાં હોવો જોઈએ. મારા નામે હોવો જોઈએ. એમાં કોઈ ફેરફાર થયો તો હું સામા છેડે બેસી જઈશ. પછી મારી પાસે કોઈ આશા ન રાખતા. ચાલ નિર્મલા.’ કહીને તેણે પોતાની પત્ની સામે જોયું. મને સૌથી વધુ દયા તે વખતે નિર્મલાભાભી પર આવતી હતી. નિર્મલાભાભી આમ સરળ સ્વભાવની છે. પોતાના પતિની હરકતોથી તેમને નુકસાન થશે તેવું તે સમજતી હતી. એટલે સંજય ઊભો થયો છતાં તે ઊભી ન થઈ.
ખબર નહીં મારા પપ્પામાં ક્યાંથી હિંમત આવી. તેઓ ગુસ્સાભેર બોલ્યા, ‘સંજય તને ભાન છે તું ક્યાં બેઠો છો અને શું બોલી રહ્યો છો? માની લે કે તું ધારે છે તેવું ન થયું તો તું શું કરી લઈશ? ગુંડાગર્દી કરતા શરમ નથી આવતી? સોનલ બેટા મેં પણ તને અન્યાય કર્યો છે તે આજે સમજાય છે. પણ કુદરતે તને ન્યાય અપાવ્યો, નહીંતર આ નાલાયક આમ બેઠો હોત ખરો?’
સંજય ગુસ્સાથી ધમધમી ઉઠ્યો. તેણે પોતાની મનમાં અમળાતી વાત કહી જ નાખી, ‘પપ્પા આખીય પીડાની જડ તમે છો અને તમે અત્યારે તમારી લાડલી દીકરીનો પક્ષ શા માટે લઈ રહ્યા છો તેની મને ખબર છે. આ તમે નથી બોલતા, મમ્મી તમને બોલાવે છે. આમણે થોડીવાર પહેલા રોવા ધોવાનું નાટક કર્યું તેને હું સારી રીતે સમજું છું. તેમણે અમારા માટે કોઈ ત્યાગ નથી કર્યો.
મમ્મી તમે મને એટલું કહો કે તમે પપ્પા કરતા ઘણા નાના છો. તમે ધાર્યું હોત તો તમારી ઉંમરનો માણસ તમને મળી શક્યો હોત. તો શું વિચારીને તમે એક એવા પુરુષ સાથે લગ્ન કર્યા જે ઓલરેડી બે સ્ત્રીઓ સાથે પરણી ચૂક્યો હતો? જેના ત્રણ સંતાનો હતા. પપ્પામાં તમે એવું તે શું જોયું કે તમે એમની સાથે લગ્ન કર્યા. હું નાનો નથી. મને કોઈ સમજાવશો નહીં. અમે બેય ભાઈઓ બધું સમજીએ છીએ. નિર્મલા તું આવતી હોય તો ઠીક નહીંતર હું જાઉં છું.’ કેબીનમાં સન્નાટો છોડીને સંજય ચાલ્યો ગયો. (ક્રમશ:)