હું, સોનલ ઝવેરી પ્રકરણ - 27
માવજી મહેશ્વરી
‘આ હોટેલમાં આવનારા જો રોજ આપણી જેમ ઉજાગરા કરે અને લાઈટ બાળે તો હોટેલ બંધ કરવાનો વારો આવે.’ સોનલે કહ્યું.
‘આવનારા મોટાભાગના ઉજાગરા જ કરતા હોય છે. હા, એટલું ખરું કે તેઓ બત્તીઓ બંધ રાખતા હોય છે. તમે કહેતાં હો તો લાઈટબંધ કરી નાખું.’ સનત નીચલા હોઠને દાંત તળે દબાવતા બોલ્યો.
‘મને વાંધો નથી. તમારાથી અંધારું સહન નહીં થાય.’
‘તમને કેમ ખબર પડી કે મારાથી અંધારું સહન નહીં થાય? તમે જાણે મારા રૂમ પાર્ટનર હો.’
‘મને ખબર છે તમે લોકો અંધારું વધુવાર સહન કરી ન શકો. તમે વિચારી જોજો. હમણા પ્રયોગ કરવા જેવો નથી.’
‘મને સમજાતું નથી કે તમે મને માહિતિ આપો છો કે ઉશ્કેરો છો.’
‘તમે ઉશ્કેરાઈ જાઓ તે મને પોષાય તેમ નથી. હા, તમે રજા આપો તો હું સુઈ જાઉં. હવે થાકી છું.’
‘ના, એમ સુવા નહીં મળે. કાલે તો હાથ હલાવી, થોડા મીઠા શબ્દો બોલીને છુટા પડી જવાના છો. તમારી વાર્તા એ મોડ પર આવી ગઈ છે કે હવે એન્ડ સુધી પહોંચ્યા વગર ચેન નહીં પડે.’
‘મને લાગે છે કે મને આશરો આપવાની પૂરેપૂરી કિંમત વસૂલવાના છો.’
‘ફક્ત તમારી વાત જાણીને સંતોષ મેળવીશ બસ. તમે કહો કે તમારા ભાઈએ તમારા સામે સ્માઈલ શા માટે કર્યું?’
‘પાણી આપો અને એસી ડાઉન કરો. હવે રૂમ બહુ ઠરી ગયો છે.’
સનતે રીમોટથી એસી ડાઉન કર્યું. સોનલે થોડું પાણી પીધું. તે પોતાના ગળા પર ઉંધી હથેળી ફેરવી કંઈક યાદ કરતી હોય તેમ ભીંત સામે જોઈ રહી, યેસ્સ. થોડીવાર તો મને પણ ન સમજાયું કે સંજય મારી સામે શા માટે હસ્યો. એના સ્માઈલની નોંધ રત્નાકરજીએ પણ લીધી હતી. એ ચબરાક માણસ સમજી ગયા હતા કે કંઈક ઉંધું ચતું થશે.
સ્ટાફની હાજરીમાં જ મેં ખુરશી ખાલી કરી પપ્પાનો હાથ પકડીને મેં એ ખુરશી પર બેસાડ્યા. પપ્પાને ખરેખર ગમ્યું હતું. મેં એક વર્ષ પછી પપ્પાના ચહેરા પર એ ખુમારી જોઈ જે દાદા હયાત હતા ત્યારે દેખાતી. જાણે મેં તેમનું સ્વમાન પાછું આપ્યું હતું. સંજય છેક સાડા છ વાગે આવ્યો. આવીને તે નીચે જ બેસી ગયો. હું પણ તે વખતે નીચે હતી. તેણે મારી નોંધ જ ન લીધી. મને તેનું વર્તન અજીબ લાગતું હતું.
‘તમારા પપ્પાએ મમ્મીને જાણ ક્યારે કરી?’
‘તમે એમ માનો છો કે કોઈ પુરુષ આવી બાબતમાં પત્નીને જાણ કર્યા વગર રહી શકે?’ તેમણે એકાદ કલાક પછી મને કહ્યું, ‘સોનુ તારી મમ્મીને કહેવું જોઈએ કે નહીં?’ મેં ઉત્સાહથી કહ્યું, ‘હા, પપ્પા જરૂર કહેવું જોઈએ.’ મને એ જાણવામાં રસ હતો કે મમ્મી શું રીએક્ટ કરે છે. પપ્પાએ મારી હાજરીમાં જ મમ્મીને ફોન જોડ્યો. જે રીતના ભાવ પપ્પાના મોં પર આવતા હતા તે જોઈને લાગતું હતું કે મમ્મી ખુશ થઈ હતી.
પપ્પાએ એ દિવસે આખા સ્ટાફને આઈસક્રીમ ખવડાવ્યો. સાંજે જયનો મારા પર ફોન આવ્યો. તેણે જે કહ્યું તે મારા માટે ચોંકાવનારું હતું. સામાન્ય રીતે જય મર્યાદા તોડતો નહીં. તેમ દાદાના મૃત્યુ પછી તે મોટાભાગે રાજસ્થાનની ખાણોના કામકાજમાં ડૂબેલો રહેતો. પણ તેની બદલાયેલી ભાષાએ મને આંચકો આપ્યો. એ ભાઈએ તો મેં ફોન ઉપાડ્યો એટલે સીધું એમ જ કહ્યું, ‘સોનલ તેં અને વોરાએ આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો એમ? તમે બેય જણાએ આ સારું નથી કર્યું. આનું બહુ ખરાબ પરિણામ આવશે.’
મેં એનો ગુસ્સો ઠંડો પાડવાના ઈરાદાથી કહ્યું, ‘એમાં રત્નાકરજીને શા માટે સંડોવે છે? એમને તો આપણે જેમ કહીએ તેમ કરી આપે. એ આપણા પગારદાર માણસ છે.’
‘મને સમજાવ નહીં સોનલ. એ માણસ શું છે તે હું સારી રીતે જાણું છું. દાદાજીને વિલ બનાવવામાં તેણે જ સલાહ આપી હશે. એ માણસને તારામાં આટલો ઈંન્ટ્રેસ કયા કારણે છે? એનો તો કોઈ કુંવારો છોકરો પણ નથી.’
સનત એ સમયે જય મારી સામે હોત તો મેં એને જરૂર મારી લીધો હોત. મારું આટલું મોટું અપમાન કોઈએ કર્યું નહોતું. મારાથી બોલાઈ ગયું, ‘યુ શટ અપ નોનસેન્સ. તને ભાન છે કે જેની સાથે તું ગંદી વાત કરી રહ્યો છે એ તારી બહેન છે?’ એ નાલાયકે જરાય શરમાયા વગર કહી દીધું, ‘કેવી બહેન ને કોની બહેન? પપ્પાએ યુવાનીમાં જલસા કર્યા એથી અમે કોઈને પણ બહેન માની લઈએ?’
મને ખરેખર એટલો ગુસ્સો આવ્યો કે મેં ફોન બંધ કરી નાખ્યો. મારા આખા દિવસના આનંદ અને હળવાશ જયના એક ફોનથી વેરણ છેરણ થઈ ગયા. મને થયું કે મારે એ ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ. મારું છેલ્લું વર્ષ સતત તાણ અને રુટીન બર્ડનમાં વિત્યું હતું. મન અને શરીર બેય આરામ માગતા હતા. સામાન્ય રીતે સાડા આઠ થાય એટલે સ્ટાફ ચાલ્યો જાય. બહારથી શટર ઉતારી દેવામાં આવે. અંદર અમે અને હિસાબ સંભાળનાર હોય.
બહાર સીક્યોરીટીના માણસો હોય. તે દિવસે રીતસર મારું મગજ બહેર મારી ગયું હતું. જયના શબ્દો એટલા શોકીંગ હતા કે મારો ગુસ્સો ઉદાસીમાં ફેરવાઈ ગયો. બરાબર તે વખતે જ રત્નાકરજીનો ફોન આવ્યો. મને વાત કરવાનું મન નહોતું. પણ એમ કરવું સારું નહીં એમ સમજીને મેં ફોન ઉપાડ્યો. સામે રત્નાકરજીનો અવાજ અસામાન્ય હતો. તેઓ મારી જેમ શોક્ડ હતા. કદાચ જયે મને જે કહ્યું તેના કરતા રત્નાકરજીને વધારે કહ્યું હતું.
એ નાલાયકે મને ફોન કર્યો સાથે તેણે રત્નાકરજીને પણ ફોન કર્યો હતો. કોઈ ચારીત્ર્ય પર કોઈ શંકા કરે તે અણિશુદ્ધ. માણસ માટે આઘાતજનક હોય છે. તેણે રત્નાકરજીને એમ કહ્યું હતું કે, ‘તમને તમારા પગારમાં રસ છે કે સોનલમાં?’ બોલો જેમને હું દાદાજી માનતી હતી તેવા એક વૃદ્ધ માણસ પર જયે ગંદો આક્ષેપ મૂકી દીધો હતો. મને ભય લાગ્યો કે ક્યાંક રત્નાકરજી અમારી પેઢીમાંથી છૂટા ન થઈ જાય. હું ખરેખર રડી પડેલી અને રડતાં રડતાં જ કહેલું, ‘દાદાજી મને તમારી જરૂર છે.
અત્યારે માત્ર તમારો જ સહારો છે. તેમણે અત્યંત સ્નેહભાવે કહ્યું, ‘ના, બેટા મને લાગે છે મારી ફરજ નિભાવવાનો સમય હવે આવ્યો છે. મને અંદાજ નહોતો કે નાનો પણ મોટા જેવો જ હશે. આ મણિરામ ઝવેરીનું લોહી નથી. એ બેય એમના મામાઓનો વારસો લઈને જન્મ્યા છે. મેં ઘણી દિવાળીઓ જોઈ નાખી છે. મને આજે તારા પર ગર્વ થાય છે કે આવા લોકોની વચ્ચે તું મોટી થઈ અને ભણી શકી.’
‘દાદાજી મને તો થાય છે કે કાલે જ ક્યાંક ઉપડી જાઉં. હું તો આ દેશ છોડીને બહાર સેટલ થવાનું વિચારું છું.’
‘એ બધું થશે. હું તને મદદ કરીશ. પણ કોઈ ઉતાવળું પગલું ન ભરતી. થોડા દિવસ કોઈ શાંત જગ્યાએ ચાલી જા. મન હળવું થશે. ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. આપણે તારા પપ્પાને હવાલો સોંપ્યો એ પણ એમને પસંદ પડ્યું નથી. એનો અર્થ એવો પણ થાય છે કે એ લોકો હવે શાંત નહીં બેસે. હવે ત્રીજું ફેક્ટર ઉમેરાયું છે.’
‘ત્રીજું ફેક્ટર કયું દાદાજી?’
‘તમારા મમ્મી આખાય પ્રકરણમાં ત્રીજું ફેક્ટર છે. તમે જોજો હવે એ એટલા એક્ટિવ થશે કે પેલા બે ભાઈઓ ઉશ્કેરાશે અને એ બંને ઉશ્કેરાટ તમારા પર ઠાલવશે. કારણ કે તમારા પપ્પાને પાવરદાર તમે બનાવ્યા છે. એટલું જ નહીં, એમાં હું પણ આવી જઈશ. એ લોકો એમ માને છે કે, તમે બધું મારા કહ્યા પ્રમાણે જ કરો છો.
આજે મારા પર જે ફોન આવ્યો તે શરૂઆત છે. હું જાણતો જ હતો પણ આજે એહસાસ થયો કે એ લોકો સાવ છીછરા છે. મેં મારી લાઈફમાં આવા ઘણા માણસો જોયા છે. તમે ડિસ્ટર્બ ન થતા. મારી જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને મદદ કરતો રહીશ. તમે હવે શો રૂમ પર આવશો કે નહીં આવો?’
‘તમે જ કહો. મારે આવવું જોઈએ કે નહીં, તમારો શો મત છે?’ મેં રત્નાકરજીની રાય જાણવા માટે પુછ્યું.
‘જુઓ આમ તો તમારી મરજીની વાત છે. તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય તો ન આવો. પણ જ્યારે તમે કોઈ અન્યને વહીવટ સોંપી જ દીધો હોય તો મારો મત છે કે તમારે ન આવવું જોઈએ અને નહીં આવો તો પેલા બેયનું ધ્યાન તમારા પર ઓછું ફોકસ થશે.’
‘તમે લોકો ઘેર આવ્યાં પછી સંજયનું વર્તન કેવું હતું?’
‘મને એના મૌનની બીક લાગતી હતી. ભડભડિયો માણસ અચાનક ચૂપ થઈ જાય ત્યારે તે ડરામણો લાગે.’ રત્નાકરજીએ કહ્યું ‘તેમ મારી મમ્મી ઉત્સાહમાં હતી. સનત કેટલાય સમય પછી ઘરના સૌ એક સાથે, એક ટેબલ પર બેસીને જમ્યા. છતાં મૌન એટલું ઘેરું હતું કે મારાથી સહન થતું નહોતું.
મેં વાતાવરણ હળવું કરવા જ મમ્મીને પૂછ્યું, ‘મમ્મી તમને ખબર છે આજે પપ્પાએ મને જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધી? કાલે મને કોઈ ઉઠાડતા નહીં. હું નિરાંતે સુવા માગું છું.’ મારી બેઉ ભાભીઓ કંઈક વિચિત્ર રીતે મને જોઈ રહી. મને ખ્યાલ આવી ગયો કે ભાઈઓએ અને ભાભીઓ વચ્ચે ચર્ચા થઈ છે. મારી મમ્મીના મોં પર કોઈ છુપા આનંદનો રોમાંચ હતો. કેટલાંય વર્ષો પછી તેની કોઈ ઈચ્છા પૂરી થઈ હતી.
‘મને એ સમજાવો કે તમે તમારા પપ્પાને પાવરદાર બનાવ્યા પછી એની ટર્મ કન્ડીશન શું હતી?’
‘સનત, પાવર ઓફ એટર્ની બે ત્રણ જાતની હોય. મેં પપ્પાને જનરલ પાવર આપ્યો હતો. જનરલ પાવરદારને બધી જ છુટ હોય. જે માલિક કરી શકે તે બધા જ નિર્ણયો પાવરદાર લઈ શકે. હા બહુ ચતુરાઈપુર્વક રત્નાકરજીએ મકાન અને દાદાજીના લોકરને એ પાવરમાંથી બાકાત રાખ્યા હતા.’
‘પ્રોપર્ટી વેચી પણ શકે?’
‘હા, વેચી પણ શકે. સિવાય કે કોઈ કાયદાકીય ગૂંચવાડા ન હોય. સંજયને આ કાયદાની ખબર હતી. એ છેક સાંજે આવ્યો. કદાચ એના કોઈ વકીલ મિત્રને પૂછ્યું હશે. તેણે જય સાથે પણ વાત કરી હશે. મને તો ત્યારે જ નવાઈ લાગી હતી જ્યારે તે સ્માઈલ ફેંકીને ચાલ્યો ગયો હતો. જમતી વખતે તે અજબ રીતે મૌન હતો. પપ્પા જાણે કોઈ ચર્ચા ઉખેડવા માગતા નહોતા.’
‘તો એ રાતે તમારા પપ્પાએ ઉજવણી કરી હશે?’ બોલ્યા પછી સનતે દાંત કાઢ્યા.
‘એટલે?’ પૂછી નાખ્યા પછી સોનલના મગજમાં લાઈટ થઈ. તેણે સનત સામે મુઠ્ઠી ઉગામતા કહ્યું ‘યુ નોટી. તમનેય મસ્તી સુઝે છે. હું એમના બેડરૂમની ચોકીદાર નહોતી. એન્ડ ધે આર માય પેરેન્ટસ. મમ્મી બહુ ખુશ હતી. મને એ સમજાતું નથી કે માણસો પૈસો મળવાથી રોમાંચિત કેમ થઈ જતા હશે. મને તો કદી એવો રોમાંચ જાગ્યો જ નહીં.’
‘તમારામાં રોમાંચનો પ્રોગ્રામ જ ઈન્સ્ટોલ નથી થયેલો શું થાય?’
‘સાચી વાત છે તમારી. મને એવું બધું નથી આવડતું. ક્યા કરે? હમ હમ હૈ. તુમ તુમ હો.’
‘પણ પછી શું થયું એ કહેશો કે નહીં?’
‘જે થયું તે સવારે નાસ્તાના ટેબલ પર થયું. ઉત્સાહમાં આવી ગયેલા પપ્પાએ સંજયને ઉદેશીને વાત શરૂ કરી અને તે પછી નોકરોની હાજરીમાં જ તમાશો થયો. એક રાતમાં જ મમ્મીએ તેની મહત્વકાંક્ષાનો પરચો બતાવ્યો.’ (ક્રમશ:)