Tue Apr 21 2026

Logo

તમે ખરીદીને લાવ્યા છો એ કલિંગર કુદરતી રીતે પકાવવામાં આવ્યું છે કે કેમિકલથી? આ રીતે મિનિટોમાં ઓળખો...

2026-03-25 17:34:07
Author: Darshna Visaria
Article Image

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા અને લાલચોળ તરબૂચ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે જે તરબૂચ તમે ખરીદીને ઘરે લાવી રહ્યા છો એ કુદરતી રીતે પાકેલું છે કે કેમિકલયુક્ત? વધુ નફો કમાવવા માટે આજકાલ તરબૂચને જલ્દી પકવવા અને વધુ લાલ બતાવવા માટે જોખમી કેમિકલ્સ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આજે તમને આ સ્ટોરીમાં જણાવીએ. 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પણ આ બાબતે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. તમારા પરિવારના સ્વાસ્થ્યની રક્ષા માટે કેમિકલયુક્ત તરબૂચને ઓળખવાના કેટલાક સિમ્પલ સ્ટેપ્સ વિશે માહિતી આપવામાં આવી છે. 

રંગ પર ખાસ ધ્યાન આપોઃ

કુદરતી તરબૂચનો રંગ આછો ગુલાબી કે ઘટ્ટ લાલ હોય છે. જો કાપ્યા પછી તરબૂચ અસામાન્ય રીતે ચમકીલું કે લોહી જેવું લાલચોળ દેખાય, તો સમજી લેવું કે તેમાં 'ઈરિથ્રોસિન' જેવા આર્ટિફિશિયલ રંગોની ભેળસેળ હોઈ શકે છે.

સફેદ કે પીળી ધારીઓઃ 

જ્યારે તમે બજારમાંથી લાવીને કલિંગરને ઘરે આવીને સુધારો છો ત્યારે તરબૂચને કાપ્યા પછી જો અંદરના ભાગમાં સફેદ કે આછી પીળી નસો જેવી ધારીઓ જોવા મળે, તો તે સંકેત છે કે તેમાં કેમિકલ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. કુદરતી રીતે પાકેલા તરબૂચમાં આવો પેટર્ન ભાગ્યે જ જોવા મળે છે.

વોટર ટેસ્ટ કરોઃ 

કલિંગર કુદરતી રીતે પકાવવામાં આવ્યું છે કે નહીં તે ચકાસવા માટે તમે વોટર ટેસ્ટ પણ કરી શકો છો. આ માટે તમારે કલિંગરનો એક નાનો ટુકડો લઈને અને તેને પાણી ભરેલાં ગ્લાસમાં નાખો. જો પાણીનો રંગ તરત જ ગુલાબી કે લાલ થવા લાગે, તો તેમાં કૃત્રિમ રંગ છે. જો પાણીનો રંગ ન બદલાય, તો તરબૂચ ખાવા માટે સુરક્ષિત છે.

સ્વાદ અને ટેક્સચરનું રાખો ધ્યાનઃ

કુદરતી રીતે પકાવવામાં આવેલા તરબૂચનો સ્વાદ મીઠો અને એકદમ ફ્રેશ હોય છે. જ્યારે કેમિકલથી પકાવવામાં આવેલા તરબૂચ ઘણીવાર સ્વાદમાં ફીકા, સહેજ કડવા કે અજીબ લાગે છે. કુદરતી રીતે પકાવવામાં આવેલા કલિંગરનું ગર ક્રિસ્પી હોવાને બદલે સ્પોન્જી અથવા વધુ પડતું નરમ હોઈ શકે છે.

ગર અને બીયા ચેક કરોઃ

કુદરતી રીતે પકાવવામાં આવેલા તરબૂચમાં બીયા સમાન રીતે ફેલાયેલા હોય છે. જો તરબૂચમાં બીજ ખૂબ જ ઓછા હોય અથવા બીજ સફેદ હોય છતાં તરબૂચ અંદરથી ખૂબ લાલ હોય, તો તેને હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે કે પછી તેને કેમિકલથી પકાવવામાં આવ્યું હોઈ શકે છે.