નિશા સંઘવી
જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે ઉંમર, બીમારીનો ઇતિહાસ અથવા જીવનશૈલી જેવી અમુક વાતો ધ્યાનમાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે તમારું વજન પણ તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ અને શરતોને અસર કરી શકે છે?
ઇન્સ્યોરન્સ કંપનીઓ વ્યક્તિના સ્વાસ્થ્ય જોખમનું મૂલ્યાંકન કરવા માટે બોડી માસ ઇન્ડેક્સ (BMI) જેવા માપદંડોનો ઉપયોગ કરે છે. BMI એ વ્યક્તિની ઊંચાઈ અને વજનના આધારે કરવામાં આવતી સરળ ગણતરી છે, જેનાથી વ્યક્તિનું વજન સામાન્ય છે કે વધારે તે જાણી શકાય છે.
સામાન્ય રીતે BMI મુજબ વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવે છે:
* 18.5થી ઓછું BMI ઓછું વજન
* 18.5થી 24.9 વચ્ચે સામાન્ય વજન
* 25થી 29.9 વચ્ચે વધારે વજન
* 30 કે તેથી વધુ સ્થૂળતા (Obesity)
વધારે BMI ધરાવતા લોકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી બીમારીઓનું જોખમ વધુ હોઈ શકે છે. આ કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓ આવા અરજદારોને વધારે જોખમવાળા ગ્રાહક તરીકે જોઈ શકે છે.
વધારે વજનથી હેલ્થ ઇન્સ્યોરન્સ પર અસર
1) પ્રીમિયમમાં વધારો
વધારે વજન ધરાવતી વ્યક્તિઓ માટે કેટલીક કંપનીઓ પ્રીમિયમમાં વધારો કરી શકે છે, કારણ કે ભવિષ્યમાં ક્રોનિક બીમારીઓ અથવા લાંબા સમયની સારવારની શક્યતા વધારે માનવામાં આવ છે. આ વધારાનો ચાર્જ જોખમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
2) મેડિકલ અન્ડરરાઇટિંગ પ્રક્રિયા
પોલિસી આપતાં પહેલાં ઇન્સ્યોરન્સ કંપની વ્યક્તિના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે, જેને મેડિકલ અન્ડરરાઇટિંગ કહેવામાં આવે છે. વધારે BMI હોય તો કંપની બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અથવા હૃદય સંબંધિત તપાસ કરાવી શકે છે.
3.) વધારાની શરતો અથવા મર્યાદાઓ
અતિશય સ્થૂળતાના કિસ્સામાં કેટલીક કંપનીઓ વધારાની શરતો મૂકી શકે છે, જેમ કે ચોક્કસ બીમારીઓ માટે લાંબો વેઇટિંગ પિરિયડ અથવા કેટલીક પરિસ્થિતિઓ માટે મર્યાદિત કવરેજ.
સ્થૂળતા સાથે જોડાયેલાં આરોગ્ય જોખમ ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમ નક્કી કરતી વખતે સંભવિત ભવિષ્યના ક્લેમને ધ્યાનમાં લે છે.
વધારે વજનના કારણે અહીં દર્શાવેલી સમસ્યાઓનું જોખમ વધી શકે છે:
* ટાઇપ-2 ડાયાબિટીસ
* હાઈ બ્લડ પ્રેશર
* હૃદય રોગ
* સ્લીપ એપ્નિયા
* સાંધાની સમસ્યાઓ અને આર્થ્રાઇટિસ
* કેટલાક પ્રકારના કેન્સરની સંભાવના
આવી બીમારીઓમાં લાંબા સમય સુધી દવાઓ, સારવાર અને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી શકે છે, જેના કારણે મેડિકલ ખર્ચ વધી શકે છે.
પ્રીમિયમ નક્કી કરતી વખતે કયાં પરિબળો જોવામાં આવે છે? માત્ર વજન જ નહીં, પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીઓ આ બાબતો પણ ધ્યાનમાં લે છે:
* ઉંમર અને લિંગ
* પહેલાથી રહેલી બીમારીઓ (Pre-existing Diseases)
* પરિવારનો મેડિકલ ઇતિહાસ
* ધૂમ્રપાન અને દારૂ જેવી આદતો
* જીવનશૈલી અને એકંદર આરોગ્ય
જો BMI ખૂબ વધારે હોય તો કેટલીક કંપનીઓ વધારાનું પ્રીમિયમ (Loading) પણ લગાવી શકે છે.
વધુ વજન હોય તો શું કરવું?
વધારે વજન હોવાનો અર્થ એ નથી કે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં મળે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી ભવિષ્યમાં જોખમ અને ખર્ચ બંને ઘટાડી શકાય છે.
* સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો
* સમયાંતરે હેલ્થ ચેક-અપ કરાવો
* ધૂમ્રપાન અને વધુ દારૂથી દૂર રહો
* ઇન્સ્યોરેન્સ કંપનીઓના વેલનેસ પ્રોગ્રામનો લાભ લો
નિયમિત કસરત, યોગ્ય ઊંઘ અને સ્વસ્થ ખોરાક વજન નિયંત્રણમાં મદદ કરે છે. નિષ્ણાતો સામાન્ય રીતે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ કક્ષાની શારીરિક પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ વધુ મહત્ત્વનું બને છે?
વધારે વજન ધરાવતા લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ વધુ જરૂરી બની શકે છે, કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનું પ્રમાણ વધી શકે છે.
સારો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તમને હોસ્પિટલાઇઝેશન ખર્ચ, સારવાર ખર્ચ અને મેડિકલ ઇમર્જન્સીમાં આર્થિક સુરક્ષા આપે છે. ઘણા પ્લાન્સમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે.
જો કોઈ વ્યક્તિ વજન ઘટાડે અને તેના આરોગ્યમાં સુધારો થાય તો ભવિષ્યમાં પોલિસી રિન્યુઅલ સમયે કેટલાક કિસ્સામાં કંપની જોખમનું પુન:મૂલ્યાંકન કરી શકે છે.
ટૂંકમાં, વજન અને આરોગ્ય વચ્ચે સીધો સંબંધ છે અને તેનો પ્રભાવ હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ પડી શકે છે. તેથી યોગ્ય સમયે યોગ્ય કવરેજ લેવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું સૌથી મહત્ત્વપૂર્ણ છે.