Tue Mar 10 2026

Logo

10,000 કરોડની સંપત્તિ જોખમમાં: હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ વચ્ચે ભારતીય જહાજોની સુરક્ષા માટે સરકારને અપીલ

6 days ago
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાન/નવી દિલ્હીઃ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવા અને તેમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારા કોઈ પણ જહાજમાં આગ લગાવી દેવાની ધમકી આપ્યા બાદ જહાજ માલિકોએ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયને પત્ર લખ્યો છે અને તેમાં સરકારને ભારતીય જહાજોની અવરજવરને સુરક્ષિત કરવાની વિનંતી કરી છે.

વિશ્વભરના તેલ અને ગેસ આયાતના લગભગ 20 ટકા ઓમાન અને ઈરાન વચ્ચેના આ સાંકડા જળમાર્ગ મારફતે કરવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ભારત માટે પણ ખતરો ઉભો થયો છે. કારણ કે ભારત તેના આયાતના લગભગ 40 ટકા ઓઈલ અને 50 ટકાથી વધુ એલએનજી આ માર્ગ મારફતે કરે છે. શનિવારથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત અનેક મોટા નેતાઓ માર્યા ગયા હતા.

પત્રમાં ઈન્ડિયન નેશનલ શિપઓનર્સ એસોસિએશન (આઈએનએસએ) એ જણાવ્યું હતું કે હાલમાં આ પ્રદેશમાં 27 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા છે અને 10,000 કરોડ રૂપિયાથી વધુની શિપિંગ સંપત્તિ જોખમમાં છે. 

ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સ્ટ્રેટમાં છઠ્ઠા જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી જે ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો છે તેમાં એક જહાજનો સમાવેશ થાય છે જેમાં 15 ભારતીય ક્રૂ હતા. એક સહયોગી કંપનીની માલિકીનું એક ટેન્કરનો બચાવ થયો હતો. કેટલાક ભારતીય જહાજો પણ સ્ટ્રેટની દક્ષિણમાં ની રાહ જોઈ રહ્યા છે. 

જહાજ માલિકોના સંગઠને નૂર અને વીમા ખર્ચમાં સંભવિત વધારા પર વાત કરતા ફસાયેલા ભારતીય જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવા માટે ઈરાન અને ઇઝરાયલ સુધી રાજદ્વારી સંપર્ક સાધવાની અપીલ કરી હતી.