Fri Apr 17 2026

Logo

ટ્રમ્પે કરી હોર્મુઝ નાકાબંધી, કહ્યું ઈરાની જહાજો દેખાશે તો દરિયામાં જ ખતમ કરી દઈશું

washington dc   2026-04-13 22:46:21
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન: અમેરિકા-ઈરાન યુદ્ધને રોકવા માટે ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટોનું કાઇ ખાસ ઉપજ્યું નથી. તો હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધા સૈન્ય સંઘર્ષની જાહેરાત કરતા દાવો કર્યો છે કે અમેરિકી દળોએ ઈરાની નૌસેના પર વિનાશક હુમલો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનની નૌસેનાના 158 જહાજો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે અને હવે તે સમુદ્રના તળિયે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગેની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે અમેરિકાની આ કાર્યવાહી બાદ ઈરાનની સૈન્ય શક્તિને મોટો ફટકો પડ્યો છે.

ટ્રમ્પે તેમની પોસ્ટમાં વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાએ માત્ર ઈરાનના એ જહાજોને નિશાન નથી બનાવ્યા જેને ઈરાન 'ફાસ્ટ એટેક શિપ્સ' કહે છે. તેમણે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે, અમે આ જહાજો પર હુમલો એટલા માટે નથી કર્યો કારણ કે અમે તેને મોટો ખતરો માનતા નથી. જોકે, આ સિવાયની ઈરાની નૌસેનાની મોટાભાગની ક્ષમતાને અમેરિકી સેનાએ ધ્વસ્ત કરી દીધી હોવાનો તેમનો મુખ્ય દાવો છે.

ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી અંગે ચેતવણી આપતા ટ્રમ્પે લખ્યું છે કે, જો ઈરાનનું કોઈ પણ જહાજ અમારી નાકાબંધીના વિસ્તારની આસપાસ પણ ફરકશે, તો તેને તાત્કાલિક ખતમ કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ જહાજો સામે એ જ ઘાતક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે જે અમે દરિયામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાઓ વિરુદ્ધ વાપરીએ છીએ. આ ચેતવણી બાદ પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ, ઈરાને ટ્રમ્પના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને તેને માત્ર પ્રોપેગન્ડા ગણાવ્યો છે. ઈરાની સંરક્ષણ મંત્રાલયે વળતો જવાબ આપતા કહ્યું છે કે તેમની સેના હાઈ એલર્ટ પર છે અને કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે.