Wed Sep 02 2026

Logo

અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પર હુમલા મુદ્દે અનેક રાજ્યોમાં પ્રદર્શનો વચ્ચે  ગૃહ મંત્રાલયનું હાઇ-એલર્ટ!

2026-03-02 11:16:25
Author: Devayat Khatana
અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પર હુમલા મુદ્દે અનેક રાજ્યોમાં પ્રદર્શનો વચ્ચે  ગૃહ મંત્રાલયનું હાઇ-એલર્ટ!

નવી દિલ્હી:  અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન વિરુદ્ધ કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ ભારતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ભારતમાં સંભવિત હિંસા અને છૂટાછવાયા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) તમામ રાજ્યોને સાવચેત રહેવા ચેતવણી આપી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ થયેલા સૈન્ય હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતના વિરોધમાં દેશભરમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કર્ણાટક અને દિલ્હી જેવા વિસ્તારોમાં શિયા સમુદાયના જૂથો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને પત્ર લખીને ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલના દૂતાવાસો તેમજ કોન્સ્યુલેટ ઓફિસો પર ખાસ નજર રાખવા તાકીદ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ઇરાની શાસન તરફી અને વિરોધી એમ બંને જૂથો દ્વારા કરવામાં આવતા દેખાવો પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, મંત્રાલયે રાજ્યોને એવા ઇરાન તરફી કટ્ટરપંથી પ્રચારકોની ઓળખ કરવા પણ કહ્યું છે જેઓ ભડકાઉ ભાષણો આપીને હિંસક કૃત્યો માટે ઉશ્કેરણી કરી રહ્યા હોય.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે રાજ્યોને સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર કડક દેખરેખ રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ઇરાન તરફી ઉગ્રવાદીઓ અને વૈશ્વિક આતંકવાદી સંગઠનોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમજ ઇરાન તરફી વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક-રાજકીય સંસ્થાઓની હિલચાલ પર નજર વધારવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે સ્થાનિક વહીવટીતંત્રે અત્યારથી જ તકેદારીના પગલાં લેવા અનિવાર્ય છે.