Tue Oct 06 2026

Logo

ભારતમાં એર એમ્બ્યુલન્સની કેટલી અને કેવી રીતે બની દુર્ઘટનાઓ? જાણો સંપૂર્ણ ઇતિહાસ

2026-02-24 15:20:00
Author: Tejas Rajpara
ભારતમાં એર એમ્બ્યુલન્સની કેટલી અને કેવી રીતે બની દુર્ઘટનાઓ? જાણો સંપૂર્ણ ઇતિહાસ

ગંભીર દર્દીઓ માટે એર એમ્બ્યુલન્સ વરદાન સમાન ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો આ જિંદગી બચાવનારી સેવા પોતે જ ઘણીવાર કાળમુખી સાબિત થઈ છે. ઝારખંડમાં તાજેતરમાં બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર ભારતમાં મેડિકલ એવિએશન સેફ્ટી પર સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધી દેશમાં બનેલી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાઓ માત્ર ટેકનિકલ ખામીને કારણે જ નહીં, પરંતુ ભૌગોલિક પડકારો અને હવામાનને કારણે પણ સર્જાઈ છે.

રૂટ બદલ્યોને એર એબ્યુલન્સ ક્રેશ થઈ

તાજેતરની સૌથી મોટી ઘટના 23 ફેબ્રુઆરી 2026ના રોજ ઝારખંડના ચતરામાં બની છે. રાંચીથી દિલ્હી જઈ રહેલું વિમાન ખરાબ હવામાનના કારણે ગીચ જંગલોમાં તૂટી પડ્યું હતું. પાયલોટે વાવાઝોડાને કારણે રૂટ બદલવાની કોશિશ કરી, પરંતુ રડાર સાથેનો સંપર્ક તૂટી જતાં વિમાન સીધું જંગલમાં ક્રેશ થયું. આમાં સવાર સાતેય લોકોએ જીવ ગુમાવ્યા, જે દર્શાવે છે કે નાના વિમાનો માટે અચાનક બદલાતું હવામાન કેટલું જોખમી હોય છે.

ફરીદાબાદના રહેણાંક વિસ્તારમાં મોતનું તાંડવ

ભારતના ઇતિહાસમાં સૌથી ભયાનક એર એમ્બ્યુલન્સ અકસ્માત 25 મે 2011ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. પટનાથી દિલ્હી ગંભીર દર્દીને લઈને આવતું 'પીસી-12' વિમાન ધૂળની ડમરીઓ અને તોફાની પવનમાં ફસાયું હતું. વિમાનનું એન્જિન ફેઈલ થતાં તે સીધું જ રહેણાંક સોસાયટીના મકાનો પર પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 7 અને જમીન પર રહેલા 3 લોકો મળી કુલ 10 લોકોના કરૂણ મોત થયા હતા.

રાઉરકેલા અને મુંબઈની ઘટનાઓ: નસીબ જોગે બચાવ

તાજેતરમાં જ 10 જાન્યુઆરી 2026ના રોજ ઓડિશાના રાઉરકેલામાં 'સેસના 208' વિમાનનું ફોર્સ્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતું, જેમાં સદનસીબે જાનહાનિ ઓછી થઈ હતી. આ સિવાય મે 2021માં મુંબઈ એરપોર્ટ પર એક એર એમ્બ્યુલન્સનું ટાયર નીકળી જતાં તેને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. નિષ્ણાતોના મતે, ભારતમાં પહાડી અને જંગલ વિસ્તારોમાં રડાર કવરેજ ઓછું હોવું અને ઓછા વિઝિબિલિટીમાં ઉડાન ભરવી એ અકસ્માતોનું મુખ્ય કારણ બને છે.

ભવિષ્ય માટે બોધપાઠ અને સુરક્ષાના માપદંડ

આ તમામ ઘટનાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે એર એમ્બ્યુલન્સ માટે અત્યંત કડક 'સેફ્ટી પ્રોટોકોલ'ની જરૂર છે. માત્ર મેડિકલ સાધનો જ નહીં, પણ વિમાનની ટેકનિકલ સ્થિતિ અને પાયલોટની પ્રતિકૂળ સંજોગોમાં નિર્ણય લેવાની શક્તિ પણ મહત્વની છે. જો ભારત એક સુરક્ષિત એર મેડિકલ ઈકોસિસ્ટમ ઈચ્છતું હોય, તો રડાર નેટવર્ક મજબૂત કરવું અને હવામાનની પળેપળની સચોટ માહિતી મળે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે.